મધ્ય પૂર્વમાં પરિસ્થિતિ હવે કાબૂ બહાર જઈ રહી છે. રવિવારે ઈરાનના સર્વોચ્ચ નેતા સૈયદ આયાતુલ્લાહ અલી ખામેનીના મૃત્યુની સત્તાવાર પુષ્ટિ થયા બાદ ઈરાને બદલાની અગ્નિમાં આખા વિસ્તારને હોમી દીધો છે. ઈરાની મિસાઈલોના આક્રમણ અને અમેરિકાના વળતા પ્રહારને કારણે પશ્ચિમ એશિયા અત્યારે ધગધગતી ભઠ્ઠી જેવું બની ગયું છે.


ઈરાનનું પ્રચંડ મિસાઈલ આક્રમણ

પોતાના સર્વોચ્ચ નેતાના મોતના આઘાતમાં ડૂબેલા ઈરાને રવિવારે અત્યંત આક્રમક વલણ અપનાવ્યું. ઈરાની સૈન્યએ માત્ર અમેરિકી લશ્કરી મથકો જ નહીં, પરંતુ આર્થિક કેન્દ્રોને પણ નિશાન બનાવ્યા છે. દુબઈ એરપોર્ટ અને વિશ્વની સૌથી ઊંચી ઈમારત બુર્જ ખલીફા પર હુમલાના અહેવાલોએ સમગ્ર વિશ્વને ચોંકાવી દીધું છે. બહેરીન અને કુવૈતમાં આવેલા અમેરિકી સૈન્ય અડ્ડાઓ પર પણ શક્તિશાળી પ્રહારો કરવામાં આવ્યા છે. આ તણાવને જોતા અબુ ધાબી આંતરરાષ્ટ્રીય એરપોર્ટને સોમવાર સુધી સંપૂર્ણપણે બંધ કરી દેવાની ફરજ પડી છે.

ટ્રમ્પની ડરામણી ચેતવણી

ઈરાનના આ હુમલાઓથી રોષે ભરાયેલા અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે રવિવારે બીજી મોટી ચેતવણી આપી હતી. તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, "અમે ઈરાન પર એવો હુમલો કરીશું જે ઈતિહાસમાં ક્યારેય જોવા મળ્યો નથી." આ ચેતવણીના ગણતરીના કલાકોમાં જ અમેરિકી વાયુસેનાએ તેહરાન પર બીજો મોટો હુમલો કર્યો. તેહરાનના અનેક સંવેદનશીલ વિસ્તારો પ્રચંડ વિસ્ફોટોથી ધણધણી ઉઠ્યા છે, જેના કારણે ઈરાની વહીવટીતંત્રમાં ગભરાટ ફેલાયો છે.

દોહામાં સતત હવાઈ હુમલાના સાયરન વાગ્યા

એક તરફ તેહરાનથી બગદાદ સુધીના રસ્તાઓ પર લાખો લોકો ખામેનીના શોકમાં કાળા કપડાં પહેરીને ઉતરી આવ્યા છે, તો બીજી તરફ કતારની રાજધાની દોહામાં સતત હવાઈ હુમલાના સાયરન વાગી રહ્યા છે. લોકો જીવ બચાવવા માટે બંકરો તરફ ભાગી રહ્યા છે. ઈરાન અત્યારે ઈઝરાયેલ અને મધ્ય પૂર્વમાં ફેલાયેલા તમામ અમેરિકી હિતો પર એકસાથે પ્રહારો કરી રહ્યું છે.

આ પણ વાંચોઃ Iran Israel War : ઇતિહાસના એ શક્તિશાળી નેતાઓ જેમણે યુદ્ધમાં પોતાનો જીવ ગુમાવ્યો



  • Follow us on: