મધ્ય પૂર્વમાં ભીષણ યુદ્ધની જ્વાળાઓ વચ્ચે ઈરાને તેના નવા સર્વોચ્ચ નેતા (Supreme Leader) ની જાહેરાત કરી દીધી છે. આયાતુલ્લા અલી ખામેનેઇની હત્યા બાદ, તેમના 56 વર્ષીય પુત્ર મોજતબા અલી ખામેનેઇને ઈરાનના ત્રીજા સર્વોચ્ચ નેતા તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. 88 મૌલવીઓની બનેલી 'એસેમ્બલી ઓફ એક્સપર્ટ્સ' દ્વારા મધ્યરાત્રિએ આ ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો હતો.

ધમકીઓ વચ્ચે નિમણૂક

આ નિમણૂક એવા સમયે થઈ છે જ્યારે અમેરિકા અને ઈઝરાયેલ સતત ઈરાનને ધમકાવી રહ્યા હતા. યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે અગાઉ કહ્યું હતું કે નવી નિમણૂક માટે તેમની મંજૂરી જરૂરી રહેશે, અન્યથા નવો નેતા લાંબો સમય ટકી શકશે નહીં. બીજી તરફ, ઈઝરાયેલની સેનાએ પણ ચેતવણી આપી હતી કે જે કોઈ પણ સત્તા સંભાળશે તે તેમનું આગામી નિશાન બનશે. આમ છતાં, ઈરાને મોજતબા પર પસંદગી ઉતારીને સાબિત કર્યું છે કે સત્તા હજુ પણ કટ્ટરપંથીઓના હાથમાં સુરક્ષિત છે.

નવા નેતા અને મિસાઈલ હુમલો

મોજતબા ખામેનેઇ તેમના પિતાની જેમ જ કટ્ટરપંથી વિચારધારા ધરાવે છે અને ઈરાનના સુરક્ષા દળો પર તેમનું મજબૂત વર્ચસ્વ છે. તેમની નિમણૂકના ગણતરીના કલાકોમાં જ ઈરાને ઈઝરાયેલ તરફ મિસાઈલોનો મારો શરૂ કરી દીધો છે. ઈરાની રાજ્ય મીડિયા (IRIB) એ મિસાઈલ હુમલાની તસવીરો શેર કરી છે, જેના પર સૂત્ર લખ્યું છે "તમારા આદેશ પર, સૈયદ મોજતબા".

યુદ્ધની પરિસ્થિતિ

28 ફેબ્રુઆરીથી શરૂ થયેલા આ સંઘર્ષમાં અત્યાર સુધી હજારો લોકોએ જીવ ગુમાવ્યા છે. ઈરાનનું આ આક્રમક વલણ સૂચવે છે કે નવા નેતૃત્વ હેઠળ સંઘર્ષ વધુ ઉગ્ર બનશે. હવે આખી દુનિયાની નજર અમેરિકા અને ઈઝરાયેલના આગામી વળતા પ્રહાર પર ટકેલી છે.

આ પણ વાંચોઃ Iran Us Israel War: વિશ્વભરમાં મોંઘવારીના સંકેત! ઈરાન યુદ્ધ વચ્ચે ટ્રમ્પની ટ્રુથ સોશિયલ પર પોસ્ટ વાયરલ