મધ્ય પૂર્વમાં ચાલી રહેલા યુદ્ધ અને ઈરાન સામેના અમેરિકાના કડક વલણ વચ્ચે યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે એક અત્યંત મહત્વનું અને વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. ટ્રમ્પે સ્પષ્ટ કર્યું છે કે જો ઈરાનના પરમાણુ કાર્યક્રમને હંમેશા માટે ઠપ્પ કરી દેવામાં આવે, તો તેના બદલામાં તેલના ભાવમાં થતો ટૂંકા ગાળાનો વધારો સહન કરવા જેવી ખૂબ જ નાની કિંમત છે.
ટ્રુથ સોશિયલ પર ટ્રમ્પના પ્રહાર
ડોનાલ્ડ ટ્રમ્પે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'ટ્રુથ સોશિયલ' પર એક પોસ્ટ દ્વારા વિરોધીઓ અને આર્થિક ચિંતા કરનારાઓને આડે હાથ લીધા હતા. તેમણે લખ્યું કે, "ઈરાનની પરમાણુ ક્ષમતાઓને જડમૂળથી ઉખેડી ફેંક્યા પછી તેલના ભાવમાં જે ઘટાડો આવશે તે અભૂતપૂર્વ હશે. અમેરિકા અને સમગ્ર વિશ્વની સુરક્ષા અને કાયમી શાંતિ માટે અત્યારે તેલના ભાવમાં થતો થોડો વધારો એ કોઈ મોટી વાત નથી. તેમણે વધુમાં ઉમેર્યું કે જે લોકો આ વ્યૂહરચના નથી સમજી શકતા તે 'મૂર્ખ' છે.
https://truthsocial.com/@realDonaldTrump/116196014942465383
તેલના ભાવમાં ભડકો: $100 પ્રતિ બેરલની સપાટી વટાવી
રવિવારે આંતરરાષ્ટ્રીય બજારમાં તેલના ભાવમાં મોટો ઉછાળો જોવા મળ્યો હતો. 2022માં રશિયા-યુક્રેન યુદ્ધ શરૂ થયા બાદ આ પ્રથમ વખત છે જ્યારે તેલના ભાવ પ્રતિ બેરલ $100ને પાર કરી ગયા છે. CNN બિઝનેસના અહેવાલ મુજબ, યુએસ ઓઇલ ફ્યુચર્સ 18% વધીને $108 પ્રતિ બેરલની નજીક પહોંચી ગયા છે. બ્રેન્ટ ફ્યુચર્સમાં પણ 16% થી વધુનો ઉછાળો નોંધાયો છે. આ વધારાની સીધી અસર અમેરિકાના સામાન્ય નાગરિકો પર પડી રહી છે. અમેરિકામાં પેટ્રોલના ભાવમાં એક જ સપ્તાહમાં 16% નો વધારો થયો છે, જે હવે સરેરાશ $3.45 પ્રતિ ગેલન પર પહોંચી ગયો છે.
યુદ્ધ વધુ લાંબુ ચાલશે તો ઓઇલનો પુરવઠો ખોરવાશે
બજારના વિશ્લેષકો અને રોકાણકારોમાં ચિંતા છે કે જો ઈરાન સાથેનો આ સંઘર્ષ લાંબી ચાલશે, તો તેલનો પુરવઠો ખોરવાઈ શકે છે. આનાથી માત્ર ઈંધણ જ નહીં, પણ પરિવહન ખર્ચ વધવાથી જીવનજરૂરી ચીજવસ્તુઓના ભાવ પણ આસમાને પહોંચી શકે છે. શેરબજાર પર પણ તેની નકારાત્મક અસર જોવા મળી રહી છે. જોકે, ટ્રમ્પનું માનવું છે કે આ એક હંગામી સમસ્યા છે અને પરમાણુ ખતરો દૂર થયા બાદ વૈશ્વિક અર્થતંત્ર વધુ સ્થિર અને સુરક્ષિત બનશે.
આ પણ વાંચોઃ Iran Israel war: સાઉદી અરેબિયામાં ઈરાને કર્યો મિસાઈલથી હુમલો, ભારતીય નાગરિકનું મોત, જાણો શું છે લેટેસ્ટ અપડેટ