ઈઝરાયલ, અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલું સંઘર્ષ હવે તેના સૌથી ભયાનક તબક્કામાં પહોંચી ગયું છે. ઈરાને આજે મધ્ય પૂર્વના દેશોમાં આવેલા અમેરિકી સૈન્ય મથકો અને વ્યૂહાત્મક સ્થળો પર એકસાથે અનેક શક્તિશાળી હુમલાઓ કરીને સમગ્ર વિશ્વને ચોંકાવી દીધું છે. આ ગંભીર પરિસ્થિતિ વચ્ચે ઓસ્ટ્રેલિયા અને સાઉદી અરેબિયાના નિવેદનોએ સૌનું ધ્યાન ખેંચ્યું છે.
ઓસ્ટ્રેલિયાએ પોતાનો ઈરાદો સ્પષ્ટ કર્યો
યુદ્ધમાં ઘેરાતા વાદળો વચ્ચે ઓસ્ટ્રેલિયાએ પોતાનો ઈરાદો સ્પષ્ટ કરી દીધો છે. ઓસ્ટ્રેલિયા સરકાર દ્વારા સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે કે તેઓ ઈરાન વિરુદ્ધની કોઈપણ લશ્કરી કાર્યવાહીમાં ભાગ લેશે નહીં. એટલું જ નહીં, જો સંઘર્ષ વધુ તીવ્ર બને તો પણ ઓસ્ટ્રેલિયા મધ્ય પૂર્વમાં પોતાના સૈનિકો તૈનાત કરવાનો સ્પષ્ટ ઇનકાર કર્યો છે. આ નિર્ણય પશ્ચિમી દેશોના ગઠબંધન માટે એક મોટો ફટકો માનવામાં આવી રહ્યો છે.
દુબઈ અને સાઉદી અરેબિયામાં અનેક સ્થળોએ વિસ્ફોટો
ઈઝરાયલ દ્વારા તેહરાન પર કરવામાં આવેલા નવા હુમલાના જવાબમાં ઈરાને શ્રેણીબદ્ધ મિસાઈલ હુમલા શરૂ કર્યા છે. કુવૈત, બહેરીન, દુબઈ અને સાઉદી અરેબિયામાં અનેક સ્થળોએ વિસ્ફોટો થયા છે. કુવૈતમાં આવેલા યુએસ દૂતાવાસ પર સીધો હુમલો કરવામાં આવ્યો હોવાના અહેવાલ છે, જ્યાંથી કાળા ધુમાડાના ગોટેગોટા નીકળતા જોઈ શકાય છે. આ ઉપરાંત, બહેરીનમાં સ્થિત યુએસ ફિફ્થ ફ્લીટના મુખ્યાલય અને ઇરાકના એર્બિલમાં પણ શક્તિશાળી હુમલા કરીને ઈરાને પોતાની લશ્કરી તાકાતનું પ્રદર્શન કર્યું છે.
સાઉદી અરેબિયાનો શાંતિનો માર્ગ
આ વિસ્ફોટક સ્થિતિમાં સાઉદી અરેબિયાએ ખૂબ જ સાવચેતીભર્યું વલણ અપનાવ્યું છે. પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન અલ સઉદે સ્પષ્ટ સંકેત આપ્યો છે કે સાઉદી અરેબિયા ઈરાન સામે બદલો લેવાની કોઈ કાર્યવાહી કરશે નહીં. તેમણે અન્ય ગલ્ફ દેશોને પણ વિનંતી કરી છે કે તેઓ એવું કોઈ પગલું ન ભરે જેનાથી ઈરાન અથવા તેના સાથી દેશો વધુ ઉશ્કેરાય અને વળતો પ્રહાર કરે. સાઉદીનું આ વલણ દર્શાવે છે કે તે પ્રદેશમાં વધુ વિનાશ રોકવા માંગે છે.
આ પણ વાંચોઃ Iran Strike: સાઉદીની સૌથી મોટી રિફાઇનરી Aramco પર ઇરાનનો ડ્રોન હુમલો!, ક્રૂડ ઓઈલના ભાવ આસમાને