મધ્ય પૂર્વમાં પરિસ્થિતિ અત્યંત સ્ફોટક બની ગઈ છે. ઈરાન દ્વારા સાઉદી અરેબિયાની સરકારી તેલ કંપની, સાઉદી અરામકો પર ભીષણ ડ્રોન હુમલો કરવામાં આવતા વૈશ્વિક સ્તરે ખળભળાટ મચી ગયો છે. આ હુમલા બાદ સાવચેતીના પગલા તરીકે વિશ્વની સૌથી મોટી રિફાઇનરી પૈકીની એક, રાસ તનુરા ને તાત્કાલિક અસરથી બંધ કરી દેવામાં આવી છે.
ઓઇલ માર્કેટમાં હાહાકાર
મીડિયા રિપોર્ટ પ્રમાણે સોમવારે સવારે થયેલા આ ડ્રોન હુમલાએ તેલ બજારમાં ગભરાટ ફેલાવ્યો છે. સાઉદી સત્તાવાળાઓના જણાવ્યા અનુસાર, પરિસ્થિતિ હાલ નિયંત્રણમાં છે, પરંતુ કોઈ પણ પ્રકારના જોખમને ટાળવા માટે રિફાઇનરીનું કામકાજ થંભાવી દેવાયું છે. આ સમાચાર વાયુવેગે પ્રસરતા જ આંતરરાષ્ટ્રીય બજારમાં બ્રેન્ટ ક્રૂડ ઓઇલના ભાવમાં 9.32% નો તોતિંગ વધારો નોંધાયો છે.
ઇઝરાયલ સહિત અનેક દેશોને નિશાન બનાવ્યા
આ હુમલો એ સમયે થયો છે જ્યારે ઈરાન અને પશ્ચિમી દેશો વચ્ચે સીધો જંગ છેડાઈ ચૂક્યો છે. અમેરિકા અને ઈઝરાયેલ દ્વારા શનિવારે ઈરાનના વિવિધ સૈન્ય મથકો પર મિસાઈલ હુમલા કરવામાં આવ્યા હતા. ઈરાનના સર્વોચ્ચ નેતા આયાતુલ્લાહ અલી ખામેનેઇની હત્યા બાદ ઈરાને વળતો પ્રહાર કરતા ઈઝરાયલમાં આવેલા અમેરિકી બેઝ તેમજ સાઉદી અરેબિયા, કતાર, UAE અને કુવૈત જેવા પાડોશી દેશોને નિશાન બનાવવાનું શરૂ કર્યું છે.
હોર્મુઝની સામુદ્રધુની બંધ જેવી પરિસ્થિતિમાં
વિશ્વના કુલ ક્રૂડ ઓઇલનો પાંચમો ભાગ જ્યાંથી પસાર થાય છે તે હોર્મુઝની સામુદ્રધુની (Strait of Hormuz) હાલ લગભગ બંધ જેવી સ્થિતિમાં છે. જોકે ઈરાને સત્તાવાર રીતે આ જળમાર્ગ બંધ કરવાની જાહેરાત કરી નથી, પરંતુ યુદ્ધના ડરને કારણે શિપિંગ કંપનીઓએ સ્વયંભૂ નાકાબંધી લાદી દીધી છે. આના કારણે તેલના ભાવ છેલ્લા ચાર વર્ષની સર્વોચ્ચ સપાટીએ પહોંચી ગયા છે.
તેલ બજાર માટે એક ખતરનાક તબક્કામાં પ્રવેશી ચૂક્યું
આ યુદ્ધ માત્ર પ્રાદેશિક નથી રહ્યું પણ વૈશ્વિક તેલ બજાર માટે એક ખતરનાક તબક્કામાં પ્રવેશી ચૂક્યું છે. ચીન અને અમેરિકાની વ્યૂહરચનાઓ વચ્ચે હવે આ સંઘર્ષ વિશ્વને કઈ દિશામાં લઈ જશે તે જોવું રહ્યું. જો લાંબા સમય સુધી આ રિફાઇનરીઓ બંધ રહેશે, તો વિશ્વભરમાં ઈંધણની તીવ્ર અછત અને મોંઘવારીનો સામનો કરવો પડી શકે છે.
આ પણ વાંચોઃ US Israel Iran Strike: ઈરાન પર હુમલા છતાં 'ડ્રેગન' કેમ મૌન?, દાદા બનતા ચીનને લાગી રહ્યો છે આ વાતનો ડર !