મધ્ય પૂર્વમાં ફાટી નીકળેલું યુદ્ધ હવે વિનાશક વળાંક પર પહોંચી ગયું છે. અમેરિકા અને ઈઝરાયેલે સંયુક્ત રીતે ઈરાનની અંદર 2000 થી વધુ વ્યૂહાત્મક લક્ષ્યો પર હુમલો કર્યો છે. આ ભીષણ કાર્યવાહીમાં ઈરાનના સર્વોચ્ચ નેતા આયાતુલ્લાહ અલી ખામેની અને અનેક ઉચ્ચ લશ્કરી અધિકારીઓના મોતના અહેવાલ છે. આ હુમલાના જવાબમાં ઈરાને સાઉદી અરેબિયા, દુબઈ અને કુવૈત જેવા દેશો પર વળતો પ્રહાર કર્યો છે, પરંતુ અમેરિકાએ ઈરાનને ઘૂંટણિયે લાવવા માટે પોતાની તમામ સૈન્ય શક્તિ ઝોકી દીધી છે.

અમેરિકાના ઘાતક શસ્ત્રોની યાદી

યુએસ સેન્ટ્રલ કમાન્ડ (CENTCOM) એ અધિકૃત રીતે જાહેર કર્યું છે કે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના નિર્દેશ પર 'ઓપરેશન એપિક ફ્યુરી' શરૂ કરવામાં આવ્યું છે. આ ઓપરેશનમાં વપરાયેલા શસ્ત્રોની યાદી નીચે મુજબ છે:

હવાઈ શક્તિ: B-2 સ્ટીલ્થ બોમ્બર, F-35 સ્ટીલ્થ ફાઈટર, F-22, F-18 અને A-10 એટેક જેટ્સનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

ડ્રોન ટેકનોલોજી: લુકાસ ડ્રોન અને MQ-9 રીપર દ્વારા ઈરાની ઠેકાણાઓ પર સચોટ બોમ્બમારો કરવામાં આવ્યો છે.

સંરક્ષણ પ્રણાલી: ઈરાની મિસાઈલોને રોકવા માટે પેટ્રિઅટ ઇન્ટરસેપ્ટર અને THAAD એન્ટિ-બેલિસ્ટિક મિસાઇલ સિસ્ટમ તૈનાત છે.

નૌકાદળ: પરમાણુ સંચાલિત એરક્રાફ્ટ કેરિયર્સ અને ગાઈડેડ મિસાઈલ ડિસ્ટ્રોયર્સ સમુદ્રમાંથી હુમલા કરી રહ્યા છે.

લોજિસ્ટિક્સ: C-17 ગ્લોબમાસ્ટર અને C-130 કાર્ગો વિમાનો સતત પુરવઠો પહોંચાડી રહ્યા છે.

https://twitter.com/CENTCOM/status/2028196633230348358

કયા લક્ષ્યોને હિટ કરવામાં આવ્યા હતા?

અમેરિકી દળોએ ઈરાનના પાયાના સૈન્ય માળખાને તોડી પાડવા માટે અનેક સ્થળોને નિશાન બનાવ્યા છે:

IRGC મુખ્યાલય: ઈરાનના રિવોલ્યુશનરી ગાર્ડ્સના કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરો.

મિસાઈલ સાઈટ્સ: બેલિસ્ટિક અને એન્ટી-શિપ મિસાઈલ છોડવાના સ્થળો.

નૌકાદળ: ઈરાની જહાજો અને સબમરીનોને દરિયામાં જ નિષ્ક્રિય કરી દેવાયા છે.

સંદેશાવ્યવહાર: લશ્કરી સંદેશાવ્યવહાર અને હવાઈ સંરક્ષણ પ્રણાલીઓને જામ કરી દેવામાં આવી છે.

આ પણ વાંચોઃ Iran-Israel War : ઓસ્ટ્રેલિયાના PMએ આપ્યું નિવેદન, કહ્યું કે ઇરાન વિરુદ્ધની કોઈપણ લશ્કરી કાર્યવાહીમાં ભાગ લેશે નહીં