મધ્યપૂર્વમાં ચાલી રહેલા સંઘર્ષ વચ્ચે Qatar એ પોતાના ગેસ લિક્વિફેક્શન ઓપરેશન્સ તાત્કાલિક અસરથી બંધ કરવાની જાહેરાત કરી છે. આ માહિતી આંતરરાષ્ટ્રીય સમાચાર એજન્સી Reuters દ્વારા આપવામાં આવી છે. કતાર વિશ્વના સૌથી મોટા LNG (લિક્વિફાઇડ નેચરલ ગેસ) નિકાસકારોમાંનો એક છે, તેથી તેના આ પગલાથી વૈશ્વિક ઉર્જા બજારમાં મોટી હલચલ મચી છે.
ઈરાની જવાબી હુમલાઓની શક્યતા
અહેવાલો મુજબ, ઈરાની જવાબી હુમલાઓની શક્યતા વચ્ચે સુરક્ષા કારણોસર ગેસ લિક્વિફેક્શન પ્લાન્ટ્સ બંધ કરવામાં આવ્યા છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, સંપૂર્ણ રીતે બંધ થયેલી સુવિધાઓ ફરી શરૂ થવામાં ઓછામાં ઓછા બે અઠવાડિયા લાગી શકે છે અને ઉત્પાદન ફરી શરૂ થયા બાદ પણ સંપૂર્ણ ક્ષમતા સુધી પહોંચવામાં વધારાના બે અઠવાડિયા લાગી શકે છે. એટલે કે, આ વિક્ષેપ ટૂંકા ગાળાનો હોવા છતાં તેની અસર લાંબા સમય સુધી રહી શકે છે.
ભારત માટે આ સમાચાર ચિંતાજનક
ભારત માટે આ સમાચાર ચિંતાજનક છે. ભારત તેની LNG જરૂરિયાતોમાંથી લગભગ 40 ટકા ગેસ કતાર પાસેથી આયાત કરે છે. વાર્ષિક અંદાજે 27 મિલિયન ટન LNG ભારત કતારથી મંગાવે છે. આયાત કરાયેલ LNGને રિ-ગેસિફિકેશન પ્રક્રિયા દ્વારા ગેસમાં ફેરવીને દેશના વિવિધ શહેરોમાં CNG અને PNG તરીકે સપ્લાય કરવામાં આવે છે.
જો કતારથી સપ્લાયમાં ઘટાડો
જો કતારથી સપ્લાયમાં ઘટાડો થાય છે, તો ભારતીય બજારમાં ગેસની અછત ઊભી થઈ શકે છે. અહેવાલો મુજબ, આગામી દિવસોમાં શિપિંગ પર પણ અસર પડી શકે છે અને સ્થાનિક બજારમાં ગેસ સપ્લાયમાં 40% સુધીનો ઘટાડો થઈ શકે છે. આવી પરિસ્થિતિમાં શહેર ગેસ વિતરણ કંપનીઓ (CGDs)એ ચેતવણી આપી છે કે જો સપ્લાય સ્થિતિમાં ઝડપથી સુધારો નહીં થાય, તો CNG અને PNGના ભાવમાં વધારો કરવો પડી શકે છે.
સીધો પ્રભાવ સામાન્ય લોકો પર
આનો સીધો પ્રભાવ સામાન્ય લોકો પર પડશે. CNGના ભાવ વધશે તો વાહન ચલાવવાનો ખર્ચ વધશે. PNG મોંઘું થશે તો ઘરેલુ ગેસ બિલ અને નાના ઉદ્યોગોના ખર્ચમાં વધારો થશે. ખાસ કરીને મેટ્રો શહેરોમાં, જ્યાં મોટી સંખ્યામાં લોકો CNG વાહનોનો ઉપયોગ કરે છે, ત્યાં પરિવહન ખર્ચ વધવાની શક્યતા છે.
વિશ્વ ઉર્જા બજાર હાલમાં અસ્થિર
વિશ્વ ઉર્જા બજાર હાલમાં અસ્થિર સ્થિતિમાં છે. ઈરાન-ઈઝરાયલ તણાવ લાંબો ચાલે તો તેલ અને ગેસ બંનેના ભાવમાં વધુ ઉછાળો આવી શકે છે. ભારત સરકાર અને ઉર્જા કંપનીઓ પર હવે વૈકલ્પિક સપ્લાય સ્ત્રોતો શોધવાની જવાબદારી આવી છે, જેથી સ્થાનિક ગ્રાહકો પર ઓછો ભાર પડે. આગામી બે-ત્રણ અઠવાડિયા અત્યંત મહત્વપૂર્ણ રહેશે. જો કતાર ઝડપથી ઉત્પાદન ફરી શરૂ કરે અને સ્થિતિ સામાન્ય થાય, તો ભાવ વધારો ટાળી શકાય છે. પરંતુ જો સંઘર્ષ વધે, તો ભારત સહિત અનેક દેશોને ઉર્જા સંકટનો સામનો કરવો પડી શકે છે.
આ પણ વાંચો : Israel Iran war : ઇઝરાયલનો મોટો દાવો, 5 દિવસમાં ઈરાન પર 5,000 બોમ્બ