પશ્ચિમ એશિયામાં છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલો તણાવ હવે ચરમસીમાએ પહોંચ્યો છે. અમેરિકા અને ઈઝરાયેલના સંયુક્ત સૈન્ય દળોએ ઈરાન પર અત્યાર સુધીનો સૌથી મોટો અને ઘાતક હુમલો કર્યો છે. ઈરાનના અનેક મહત્વના શહેરો પર થયેલા આ હવાઈ હુમલાઓએ સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ પેદા કર્યો છે. વળતા જવાબમાં ઈરાને પણ અનેક દેશોમાં સ્થિત અમેરિકી લશ્કરી ઠેકાણાઓને નિશાન બનાવ્યા હોવાના અહેવાલ છે, જેનાથી સ્થિતિ વધુ વણસી છે.
માર્કો રુબિયોની ઇઝરાયલ મુલાકાત રદ
આ ગંભીર પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રુબિયોએ તેમની પ્રસ્તાવિત ઇઝરાયેલ મુલાકાત તાત્કાલિક અસરથી રદ કરી દીધી છે. યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટના સહાયક સેક્રેટરી ડાયલન જોહ્ન્સને સત્તાવાર રીતે પુષ્ટિ કરી છે કે, વર્તમાન અસ્થિર પરિસ્થિતિને જોતા, સેક્રેટરી 2 માર્ચના રોજ ઇઝરાયેલ જશે નહીં. આ નિર્ણય સ્પષ્ટ સંકેત આપે છે કે યુદ્ધની સ્થિતિ અત્યંત ગંભીર છે અને અમેરિકા હવે કોઈ પણ જોખમ લેવા માંગતું નથી.
હેગસેથની આકરી ચેતવણી અને ભારતની અપીલ
અમેરિકી સંરક્ષણ સચિવ પીટ હેગસેથે ઈરાનને કડક શબ્દોમાં ચેતવણી આપતા કહ્યું છે કે, ઈરાન અત્યારે તેની ભૂતકાળની ભૂલોના પરિણામો ભોગવી રહ્યું છે." બીજી તરફ, વિશ્વના અન્ય દેશો પણ આ યુદ્ધના ફેલાવાને રોકવા માટે સક્રિય થયા છે. ભારતે બંને પક્ષોને અત્યંત સંયમ રાખવાની અને શાંતિપૂર્ણ મંત્રણા દ્વારા ઉકેલ લાવવાની અપીલ કરી છે. તુર્કીએ પણ મધ્યસ્થી બનીને આ તણાવ ઘટાડવા માટે પોતાની સેવાઓ ઓફર કરી છે.
અબુ ધાબી એરપોર્ટ પર આતંક કે અકસ્માત?
યુદ્ધની આ અંધાધૂંધી વચ્ચે અબુ ધાબી એરપોર્ટ પર પણ એક કરુણ ઘટના બની છે. એરપોર્ટ પર એક એશિયન નાગરિકનું મોત નીપજ્યું છે અને સાત અન્ય લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. એરપોર્ટ સત્તાવાળાઓ આ ઘટનાની તપાસ કરી રહ્યા છે, પરંતુ આને યુદ્ધના પ્રત્યાઘાત તરીકે જોવામાં આવી રહ્યું છે કે કેમ તે હજુ સ્પષ્ટ નથી.
આ પણ વાંચોઃ Iran Israel War : ખામેનેઇના કમ્પાઉન્ડમાં એ છેલ્લી મિનિટ...જાણો કેવી રીતે થયું ઇરાનના સુપ્રીમ લીડરનું મોત?