ઈરાનના ઈતિહાસની સૌથી મોટી અને ચોંકાવનારી ઘટના સામે આવી છે. અમેરિકા અને ઈઝરાયેલના સંયુક્ત સૈન્ય ઓપરેશનમાં ઈરાનના સર્વોચ્ચ નેતા આયાતુલ્લાહ અલી ખામેનેઇનું મૃત્યુ થયું હોવાના અહેવાલોએ સમગ્ર વિશ્વમાં ખળભળાટ મચાવી દીધો છે. ઈરાની કેબિનેટે આ અત્યંત દુઃખદ સમાચારની પુષ્ટિ કરતા દેશમાં 40 દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર કર્યો છે.
ખામેનેઇ સહિત પુત્રી જમાઇ અને પૌત્રીનું મોત
શનિવારે વહેલી સવારે જ્યારે આખું તેહરાન ગાઢ નિદ્રામાં હતું, ત્યારે અમેરિકા અને ઈઝરાયેલની વાયુસેનાએ અત્યંત સચોટ અને આક્રમક હુમલો કર્યો હતો. અહેવાલો અનુસાર, ખામેનેઇ તે સમયે તેહરાન સ્થિત તેમના ગૃહ કાર્યાલયમાં હાજર હતા. ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂ પાસે ખામેનેઇના લોકેશનની સચોટ માહિતી હતી. એક શક્તિશાળી મિસાઈલ સીધી તેમના કમ્પાઉન્ડ પર ત્રાટકી હતી, જેના કારણે સમગ્ર ઇમારત જમીનદોસ્ત થઈ ગઈ હતી. આ હુમલામાં માત્ર ખામેનેઇ જ નહીં, પરંતુ તેમના પુત્રી, જમાઈ અને પૌત્રીનું પણ અવસાન થયું હોવાના સમાચાર મળી રહ્યા છે.
અમેરિકા અને ઈઝરાયલનો દાવો
શનિવારે મોડી રાત્રે યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને ઈઝરાયેલના પીએમ નેતન્યાહૂએ સત્તાવાર રીતે દાવો કર્યો હતો કે ઈરાનનું સર્વોચ્ચ નેતૃત્વ ખતમ થઈ ગયું છે. આ હુમલાનો મુખ્ય હેતુ ઈરાનની સત્તાના કેન્દ્રને જ તોડી પાડવાનો હતો. ઈરાની ન્યૂઝ એજન્સી Fars અને IRNA એ પણ સ્વીકાર્યું છે કે આ ઘાતક હુમલામાં સુપ્રીમ કમાન્ડર ખામેની શહીદ થયા છે.
IRGC ની પ્રતિક્રિયા અને બદલાની ચેતવણી
ઈરાનના શક્તિશાળી સૈન્ય સંગઠન ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (IRGC) એ આ ઘટના પર શોક વ્યક્ત કરતા એક સત્તાવાર નિવેદન બહાર પાડ્યું છે. IRGC એ જણાવ્યું કે, "અમે એક અજોડ અને દૂરંદેશી નેતા ગુમાવ્યા છે, જેમણે જુલમીઓ સામે આજીવન જેહાદ છેડી હતી. તેમની શહાદત અમને નબળા નહીં પણ વધુ મજબૂત બનાવશે." નિવેદનમાં વધુમાં ઉમેર્યું છે કે, ઈસ્લામિક પ્રજાસત્તાકની સશસ્ત્ર દળો અને બાસીજ દળો ખામેનીના માર્ગ પર ચાલવાનું ચાલુ રાખશે અને આક્રમણકારોને એવો પાઠ ભણાવશે જે ઇતિહાસમાં યાદ રાખવામાં આવશે.










