પશ્ચિમ એશિયાના રાજકારણમાં દાયકાઓ સુધી જેમના નામનો દબદબો રહ્યો, તેવા ઈરાનના સર્વોચ્ચ નેતા આયાતુલ્લાહ અલી ખામેનેઇના મૃત્યુના અહેવાલોએ સમગ્ર વિશ્વને ચોંકાવી દીધું છે. અમેરિકા અને ઈઝરાયલના સંયુક્ત સૈન્ય ઓપરેશન બાદ, ઈરાનની સત્તાવાર સમાચાર એજન્સી IRNA એ આ સમાચારની પુષ્ટિ કરી છે. આ ઘટના માત્ર એક નેતાનો અંત નથી, પરંતુ એક આખા યુગની સમાપ્તિ સમાન છે.


 ટ્રમ્પ-નેતન્યાહૂનો દાવો

અહેવાલો અનુસાર, તેહરાનમાં થયેલા ભીષણ વિસ્ફોટોનો મુખ્ય ઉદ્દેશ્ય ઈરાનના ટોચના નેતૃત્વને નિશાન બનાવવાનો હતો. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ઇઝરાયલી વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ આ ઓપરેશનની સફળતાનો દાવો કરતા જણાવ્યું છે કે 'હવે ઈરાન મુક્ત થશે'. ટ્રમ્પે ઈરાનના નાગરિકોને પોતાની સરકાર ઉથલાવી દેવા માટે ખુલ્લેઆમ અપીલ કરી છે, જે આગામી સમયમાં મોટા લોકવિદ્રોહ તરફ ઈશારો કરે છે.

કોણ હતા 86 વર્ષીય આયાતુલ્લાહ અલી ખામેનેઇ ?

ખામેનેઇ માત્ર એક રાજકીય નેતા નહોતા, પરંતુ તેઓ ઈરાનના આધ્યાત્મિક અને ન્યાયિક વડા પણ હતા. 1979ની ઈસ્લામિક ક્રાંતિના પ્રણેતા રુહોલ્લાહ ખોમેનેઇના અવસાન બાદ, 1989માં તેમણે સત્તા સંભાળી હતી. છેલ્લા 35 વર્ષથી વધુ સમયથી તેઓ ઈરાનની સેના, ન્યાયતંત્ર અને સરકાર પર એકહથ્થુ શાસન ધરાવતા હતા. તેમના એક જ ઈશારે ઈરાનની વિદેશ નીતિ નક્કી થતી હતી.

અમેરિકા અને ઈઝરાયલ સાથેની કટ્ટર દુશ્મનાવટ

ખામેનેઇ પશ્ચિમી દેશો, ખાસ કરીને અમેરિકાને ઈરાનનો 'નંબર વન દુશ્મન' માનતા હતા. તેમની આક્રમક નીતિઓ પાછળના મુખ્ય કારણો એ છે કે ઈરાન ગુપ્ત રીતે પરમાણુ શસ્ત્રો વિકસાવી રહ્યું હોવાનો આરોપ અમેરિકા સતત લગાવતું રહ્યું છે. ખામેનેઇના નેતૃત્વમાં ઈરાને પરમાણુ સંવર્ધનની પ્રક્રિયા તેજ કરી હતી, જે ઈઝરાયલ માટે અસ્તિત્વનું જોખમ હતું. ખામેનેઇએ ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (IRGC) ને અત્યંત શક્તિશાળી બનાવ્યું હતું. આ દળો સીધા તેમને જ રિપોર્ટ કરતા હતા અને મધ્ય પૂર્વમાં અમેરિકી હિતોને નુકસાન પહોંચાડવા માટે જાણીતા હતા. તેઓ ઈરાનમાં પશ્ચિમી સંસ્કૃતિના પ્રભાવના સખત વિરોધી હતા અને કડક ઈસ્લામિક કાયદાઓના આગ્રહી હતા.

આ પણ વાંચોઃ Iran Israel War : ઇરાની સેનાએ ખામેનેઇના મોતની કરી પુષ્ટિ, 40 દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર 


  • Follow us on: