ઈરાનના સુપ્રીમ લીડર અયાતુલ્લા અલી ખામેનેઈનું અમેરિકા અને ઈઝરાયેલ દ્વારા કરવામાં આવેલા હુમલામાં મોત થયું હોવાના સમાચાર સામે આવ્યા બાદ પાકિસ્તાનની રાજધાની ઈસ્લામાબાદ, કરાચી અને લાહોર શહેરમાં સ્થિતિ બેકાબૂ બની ગઈ છે. સાથે જ પીઓકેમાં સ્થિત સ્કર્દુ શહેરમાં પણ હંગામો મચી ગયો છે. કરાચીમાં મોટી સંખ્યામાં લોકો અમેરિકી દુતાવાસની બહાર એકઠા થયા છે.


પાકિસ્તાનીઓએ અમેરિકાની વિરૂદ્ધ નારાબાજી કરી

શરૂઆતમાં વિરોધ શાંતિપૂર્ણ હતો પણ બપોર બાદ સ્થિતિએ હિંસક સ્વરૂપ લીધું છે. આ દરમિયાન 12 લોકોના મોત થયા હોવાના સમાચાર મળી રહ્યા છે. ત્યારે લાહોરમાં પણ મોટી સંખ્યામાં લોકો અમેરિકાની વિરૂદ્ધ નારાબાજી કરતા જોવા મળી રહ્યા છે.

કરાચીમાં પ્રદર્શનકારીઓએ દૂતાવાસમાં કરી તોડફોડ

રાજધાની ઈસ્લામાબાદમાં ખામેનેઈની મોતના સમાચારને લઈને લોકો રસ્તાઓ પર ઉતરી આવ્યા છે અને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની વિરૂદ્ધ નારાબાજી શરૂ કરી છે. મોટી સંખ્યામાં પોલીસ અને સુરક્ષાદળ તૈનાત કરવામાં આવ્યું છે, જેથી કરાચી જેવી સ્થિતિ ઈસ્લામાબાદમાં ના સર્જાય. મળતી માહિતી મુજબ કરાચીમાં પ્રદર્શનકારીઓએ દૂતાવાસના મુખ્ય ગેટ પર હથોડાથી હુમલો કર્યો છે. જેથી ગેટ તુટી ગયો અને ભીડ પરિસરની અંદર ઘુસી ગઈ છે.

સુરક્ષાદળોએ ટીયર ગેસનો ઉપયોગ કર્યો

દુતાવાસની બિલ્ડિંગના ઘણા ભાગમાં આગ પણ લાગી ગઈ છે અને કાળો ધુમાડો આકાશમાં ફેલાઈ ગયો છે. સુરક્ષાદળોએ સ્થિતિને નિયંત્રણમાં લાવવા માટે ટીયર ગેસનો ઉપયોગ કર્યો અને લાઠીચાર્જ કર્યો છે. ત્યારબાદ ગોળીબારી થઈ હોવાની જાણકારી મળી રહી છે. જેમાં ઘણા લોકો ઘાયલ થયા છે.   

આ પણ વાંચો : Iran Israel War : મધ્ય પૂર્વ સંકટ, કેરળ માટેની 26 ફ્લાઇટ્સ રદ, એરપોર્ટ ખાલી


  • Follow us on: