પશ્ચિમ એશિયામાં ચાલી રહેલો સંઘર્ષ હવે નિર્ણાયક વળાંક પર પહોંચી ગયો છે. અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ફ્લોરિડામાં એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન દાવો કર્યો છે કે 'ઓપરેશન એપિક ફ્યુરી' ના માત્ર પ્રથમ બે દિવસમાં જ ઈરાનની લશ્કરી ક્ષમતા લગભગ સંપૂર્ણપણે નાશ પામી છે. ટ્રમ્પના મતે, ઈરાની નૌકાદળ, વાયુસેના અને એન્ટી-એરક્રાફ્ટ સિસ્ટમ્સને ભારે નુકસાન થયું છે.
અમેરિકાનો દાવો: ઈરાની માળખું ધ્વસ્ત
ટ્રમ્પે આ લશ્કરી કાર્યવાહીને મોટી સફળતા ગણાવતા કહ્યું કે ઈરાનનું લશ્કરી નેતૃત્વ, ટેલિકોમ્યુનિકેશન અને રડાર નેટવર્ક હવે નિષ્ક્રિય થઈ ગયા છે. તેમણે સંકેત આપ્યો કે આ ઓપરેશન ટૂંક સમયમાં સમાપ્ત થશે, પરંતુ જો જરૂર પડી તો અમેરિકા વધુ આક્રમક કાર્યવાહી કરતા અચકાશે નહીં. ટ્રમ્પના આ નિવેદનથી એવું લાગી રહ્યું છે કે અમેરિકા યુદ્ધ પર સંપૂર્ણ પકડ ધરાવે છે.
IRGCનો જડબાતોડ જવાબ
અમેરિકી રાષ્ટ્રપતિના દાવાઓને ફગાવતા ઈરાનની ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (IRGC) એ આકરા શબ્દોમાં વળતો પ્રહાર કર્યો છે. IRGC એ સ્પષ્ટ કર્યું છે કે, "યુદ્ધનો અંત ક્યારે આવશે તે અમેરિકા નક્કી નહીં કરે, પરંતુ તેહરાન નક્કી કરશે." ઈરાની સૈન્યએ ભાર મૂક્યો કે પ્રદેશનું ભવિષ્ય અને યુદ્ધની ગતિશીલતા અત્યારે તેમના હાથમાં છે.
વૈશ્વિક અર્થતંત્ર પર ખતરો
આ સૈન્ય અથડામણોની સૌથી ગંભીર અસર હોર્મુઝની સામુદ્રધુની (Strait of Hormuz) પર પડી છે. ઈરાને આ મહત્વપૂર્ણ દરિયાઈ માર્ગને તમામ તેલ ટેન્કરો માટે બંધ કરી દીધો છે. ગલ્ફ દેશોના ઉર્જા માળખા પર થયેલા હુમલા અને નાકાબંધીને કારણે વૈશ્વિક તેલ પુરવઠો ખોરવાઈ રહ્યો છે, જે વિશ્વના અર્થતંત્ર માટે મોટા સંકટ સમાન છે.
આ પણ વાંચોઃ Iran-Israel યુદ્ધ વચ્ચે ટ્રમ્પે પુતિનને કર્યો ફોન, જાણો બંને નેતાઓએ વચ્ચે શું વાતચીત થઇ?










