ઈરાન અને અમેરિકા વચ્ચે ફરી એકવાર મોટો તણાવ જોવા મળ્યો છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનને અલ્ટીમેટમ આપ્યું હતું કે યુદ્ધવિરામ (સીઝફાયર)નું ઉલ્લંઘન ન કરે. આ બધાની વચ્ચે ઈરાનની સેના IRGC એ દાવો કર્યો છે કે તેણે અમેરિકાના 8 સૈન્ય ઠેકાણાઓ પર મોટો મિસાઈલ અને ડ્રોન હુમલો કર્યો છે. ઈરાનનું કહેવું છે કે આ હુમલો અમેરિકા દ્વારા કરવામાં આવેલી નવી આક્રમકતાનો જવાબ છે અને તેને તેમણે 'નિર્ણાયક જવાબ' ગણાવ્યો છે.


અમેરિકાએ 5 તટીય ચોકીઓ પર હુમલો કર્યો હતો

ઈરાનની રિવોલ્યુશનરી ગાર્ડ્સએ જણાવ્યું કે આ ઓપરેશન રાત્રે લગભગ 2 થી 3 વાગ્યાની વચ્ચે કરવામાં આવ્યું હતું. જેમાં તેમની નેવી અને એરોસ્પેસ ફોર્સે મળીને કામ કર્યું હતું. નિશાના પર 8 મહત્વના અમેરિકી સૈન્ય ઠેકાણા હતા, જેમાં કુવૈતનો અલી અલ સલેમ એરબેઝ અને બહેરીનમાં આવેલું અમેરિકાના પાંચમા કાફલા (ફિફ્થ ફ્લીટ)નું મુખ્ય મથક સામેલ છે. IRGC નું કહેવું છે કે બેલિસ્ટિક મિસાઈલો અને ડ્રોનનો ઉપયોગ કરીને આ તમામ ઠેકાણાઓને તબાહ કરી દેવામાં આવ્યા છે. ઈરાનનો દાવો છે કે તેણે આ હુમલો એટલા માટે કર્યો કારણ કે તેના પહેલા દુશ્મને ઈરાનના દરિયાઈ વિસ્તારમાં આવેલી 5 તટીય ચોકીઓ પર હુમલો કર્યો હતો.

અમેરિકાએ ઈરાનની અંદર કેટલાક ઠેકાણાઓ પર હુમલો કર્યો

ઈરાને તેને એક શંકાસ્પદ જહાજને રોકવાની કાર્યવાહીના બહાને કરવામાં આવેલો હુમલો ગણાવ્યો છે. IRGC એ એ પણ સ્પષ્ટ કહ્યું છે કે હોર્મુઝથી થતી શિપિંગની જવાબદારી હવે ઈરાનની છે. આ વાત પાકિસ્તાનની મધ્યસ્થીથી થયેલા એક સમજૂતી હેઠળ નક્કી થઈ છે, જે હાલમાં જ ઈરાન અને અમેરિકા વચ્ચે થઈ હતી. ઈરાને ચેતવણી આપી છે કે જો કોઈ જહાજ નિયમ તોડશે તો આગળથી તેની સાથે પહેલા કરતા પણ વધુ કડકાઈથી કામ લેવામાં આવશે. આ દરમિયાન અમેરિકી સેના CENTCOM એ કહ્યું છે કે તેણે ઈરાનની અંદર કેટલાક ઠેકાણાઓ પર હુમલો કર્યો છે. અમેરિકાનું કહેવું છે કે આ કાર્યવાહી એક વ્યાપારી ઓઈલ ટેન્કર પર થયેલા હુમલાના જવાબમાં કરવામાં આવી છે.

અગાઉ પણ 100થી વધુ વખત વળતા હુમલા કર્યા

ત્યારબાદ ઈરાનની સરકારી ચેનલ IRIB એ જણાવ્યું કે હોર્મુઝગાન પ્રાંતના સિરિક વિસ્તારમાં ધડાકા સંભળાયા હતા, જે એક ટેલિકોમ ટાવર પર થયેલા હુમલાને કારણે થયા હતા. કેશમ ટાપુ પર પણ કેટલાક ધડાકાના અહેવાલ છે, જોકે તેની સંપૂર્ણ માહિતી હજુ સામે આવી નથી. કહેવાય છે કે આ આખો વિવાદ શુક્રવારની એક ઘટનાથી શરૂ થયો, જ્યારે ઈરાની નેવીએ હોર્મુઝમાંથી પસાર થઈ રહેલા એક જહાજ પર ચેતવણીના ભાગરૂપે ફાયરિંગ કર્યું હતું. ત્યારબાદ અમેરિકાએ ઈરાન પર હુમલો કર્યો અને ઈરાને પણ વળતો હુમલો કર્યો. ઈરાનનું કહેવું છે કે અમેરિકા અનેક યુદ્ધવિરામનું ઉલ્લંઘન કરી ચૂક્યું છે, જેની જાહેરાત ખુદ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કરી હતી. ઈરાને આ ઉલ્લંઘનોના જવાબમાં અગાઉ પણ 100થી વધુ વખત વળતા હુમલા કર્યા છે.

આ પણ વાંચોઃ World News: યુદ્ધવિરામ કરારના ઉલ્લંઘન બાદ અમેરિકન સેનાએ ઈરાન સૈન્યના 10 ઠેકાણા પર કર્યો હુમલો, જુઓ Video



  • Follow us on: