ઈરાન દ્વારા અમેરિકન જહાજ પર કરવામાં આવેલા હુમલા અને તાજેતરમાં થયેલા યુદ્ધવિરામ કરારના ઉલ્લંઘનના જવાબમાં અમેરિકાએ ઈરાની સૈન્યના 10 મહત્વપૂર્ણ ઠેકાણાઓ પર શક્તિશાળી હવાઈ હુમલા કર્યા છે.આ કાર્યવાહી દરમિયાન અમેરિકાએ ઈરાનના સૈન્ય ઈન્ફ્રાસ્ટ્રક્ચર,મિસાઈલ અને ડ્રોન સ્ટોરેજ ફેસિલિટી તેમજ રડાર સિસ્ટમને નિશાન બનાવી છે. અમેરિકન સેન્ટ્રલ કમાન્ડએ આ સમગ્ર ઓપરેશનનો વીડિયો જાહેર કરીને પોતાની સૈન્ય ક્ષમતા અને તકેદારીનું પ્રદર્શન કર્યું છે.આ ઘટનાને કારણે બંને દેશો વચ્ચે ફરી એકવાર સંઘર્ષની સ્થિતિ સર્જાઈ છે, જેણે આંતરરાષ્ટ્રીય સ્તરે ચિંતા વધારી દીધી છે.

સિરિક પાસે વિસ્ફોટોનો અવાજ સંભળાયો

અમેરિકન સેન્ટ્રલ કમાન્ડ (CENTCOM)એ જણાવ્યું હતું કે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના નિર્દેશ પર અમેરિકન સેનાએ ઈરાનના સૈન્ય સર્વેલન્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચર, કોમ્યુનિકેશન સિસ્ટમ્સ, એર ડિફેન્સ સાઈટ્સ, ડ્રોન સ્ટોરેજ સેન્ટર અને દરિયાઈ સુરંગો (માઈન્સ) બિછાવવાની ક્ષમતાઓને નિશાન બનાવી હતી.ઈરાનના સરકારી મીડિયા IRIB એ સૈન્ય સૂત્રોને ટાંકીને જણાવ્યું હતું કે દક્ષિણના શહેર સિરિક પાસે વિસ્ફોટોનો અવાજ સંભળાયો હતો. ઘણા પ્રોજેક્ટાઈલ એક ટેલિકોમ્યુનિકેશન ટાવર સાથે અથડાયા હતા, જોકે આ ઘટના અંગે તાત્કાલિક વધુ માહિતી આપવામાં આવી ન હતી. શુક્રવારે પણ અમેરિકાએ ઈરાનની અંદર જબરદસ્ત હુમલા કર્યા હતા. 

https://twitter.com/CENTCOM/status/2071029590932258941


વોશિંગ્ટન અને તેહરાન વચ્ચે યુદ્ધવિરામ માટે સહમતિ સધાઈ હતી

આશ્ચર્યની વાત એ છે કે તાજેતરમાં જ વોશિંગ્ટન અને તેહરાન વચ્ચે યુદ્ધવિરામ માટે સહમતિ સધાઈ હતી.આવી સ્થિતિમાં અમેરિકાની આ કાર્યવાહીથી બંને દેશો વચ્ચે તણાવ ફરી વધવા લાગ્યો છે.અમેરિકાનો આરોપ છે કે ઈરાને શનિવારે વહેલી સવારે વન-વે એટેક ડ્રોન દ્વારા પનામાના ધ્વજવાળા ઓઈલ ટેન્કર M/T Kiku પર હુમલો કરીને યુદ્ધવિરામનો ભંગ કર્યો હતો. CENTCOM અનુસાર, આ ટેન્કર બે મિલિયન (20 લાખ) બેરલથી વધુ કાચું તેલ લઈને હોર્મુઝ પાસેથી પસાર થઈ રહ્યું હતું, ત્યારે તેના પર હુમલો થયો હતો. અમેરિકી સેનાનું કહેવું છે કે શુક્રવારની કાર્યવાહી બાદ ઈરાનને યુદ્ધવિરામનું પાલન કરવાની તક આપવામાં આવી હતી, પરંતુ તેણે તણાવ ઘટાડવાને બદલે તાજો હુમલો કરીને સ્થિતિને વધુ ગંભીર બનાવી દીધી છે.

હોર્મુઝથી વ્યાપારી જહાજોની અવરજવર ચાલુ 

CENTCOM એ તેના નિવેદનમાં કહ્યું કે, હોર્મુઝથી વ્યાપારી જહાજોની અવરજવર ચાલુ છે. અમેરિકી સેના સંપૂર્ણ રીતે સતર્ક, સક્ષમ અને કોઈપણ પરિસ્થિતિનો સામનો કરવા માટે તૈયાર છે.અમેરિકી સેનાએ શુક્રવારે પણ ઈરાનના મિસાઈલ અને ડ્રોન સ્ટોરેજ સેન્ટરોની સાથે રડાર ઠેકાણાઓ પર હુમલા કર્યા હતા. વોશિંગ્ટનનું કહેવું હતું કે આ કાર્યવાહી 25 જૂનના રોજ સિંગાપોરના ધ્વજવાળા માલવાહક જહાજ M/V Ever Lovely પર થયેલા ઈરાની ડ્રોન હુમલાના જવાબમાં કરવામાં આવી હતી. તણાવ વધવાની વચ્ચે અમેરિકી ઉપરાષ્ટ્રપતિ જે.ડી. વેન્સે ઈરાનને ભવિષ્યમાં કોઈપણ સૈન્ય કાર્યવાહીથી દૂર રહેવાની ચેતવણી આપી હતી.

આ પણ વાંચોઃ Gujarat Weather: રાજ્યમાં ભારે ઉકળાટ અને ગરમીનો અનુભવ, આજે આ વિસ્તારોમાં મેઘમહેરની શક્યતા