રાજ્યમાં હાલ ચોમાસાની વિધિવત શરૂઆત થઈ હોવા છતાં વાતાવરણમાં ગરમીનું પ્રમાણ હજુ પણ યથાવત જોવા મળી રહ્યું છે.ચોમાસુ દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારો સુધી પહોંચી ગયું હોવા છતાં રાજ્યના મોટાભાગના શહેરોમાં ઉકળાટ અને ગરમીનો અનુભવ થઈ રહ્યો છે. ચોમાસુ ખેંચાવાને કારણે ખેડૂતોના પાકને પણ મોટું નુકસાન થવાની સંભાવનાઓ છે. રાજ્યના જળાશયોમાં પણ હવે પાણી ખૂટે તેવી સ્થિતિના એંધાણ જોવા મળી રહ્યાં છે. 


રાજકોટમાં તાપમાનનો પારો ઊંચકાયો

રાજકોટમાં તાપમાનનો પારો સૌથી વધુ 40.9 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચ્યો છે.જ્યારે અમદાવાદમાં પણ તાપમાન 40.8 ડિગ્રી નોંધાયું છે. આ ઉપરાંત ગાંધીનગર, વિદ્યાનગર, ડીસા અને કંડલા જેવા વિસ્તારોમાં પણ મહત્તમ તાપમાન 40 ડિગ્રીને પાર કરી ગયું છે.વડોદરા, અમરેલી અને ભુજમાં પણ ગરમીનો આકરો મિજાજ યથાવત રહેતા નાગરિકો અસહ્ય ગરમીનો સામનો કરી રહ્યા છે.હવામાન વિભાગ દ્વારા આગામી દિવસોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમને પગલે રાજ્યભરમાં 3 જુલાઈ દરમિયાન વરસાદી માહોલ જળવાઈ રહેશે.જેમાં પવનની ગતિ 40 થી 60 કિમી પ્રતિ કલાક રહેવાની શક્યતા છે.

માછીમારોને દરિયો ન ખેડવાની સ્પષ્ટ સૂચના 

આ વરસાદી સિસ્ટમને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા 1 જુલાઈના રોજ માછીમારોને દરિયો ન ખેડવાની સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે.આજે બનાસકાંઠા, સાબરકાંઠા, થરાદ, પાટણ, અરવલ્લી, પંચમહાલ, દાહોદ અને મહીસાગર જિલ્લાઓમાં વરસાદની આગાહી છે. આ ઉપરાંત દક્ષિણ ગુજરાતના સુરત,ડાંગ, તાપી, વલસાડ, નવસારી, દમણ અને દાદરા નગર હવેલી તથા સૌરાષ્ટ્ર-કચ્છના રાજકોટ, સુરેન્દ્રનગર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, ગીર સોમનાથ, બોટાદ અને દીવમાં પણ છૂટાછવાયા વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.


આ પણ વાંચોઃ Pakistan : કરાચીમાં રેન્જર્સ હેડક્વાર્ટરની પાસે થયો બ્લાસ્ટ, ગોળીબારી પણ કરાઈ



  • Follow us on: