દેશમાં ચોમાસાની શરૂઆતમાં જ ખેડૂતો અને સરકારની ચિંતા વધી ગઈ છે. ચાલુ સીઝનમાં સામાન્ય કરતાં 42% ઓછો વરસાદ નોંધાયો છે, જેના કારણે ખરીફ પાકો (ખાસ કરીને ડાંગર, કઠોળ અને તેલીબિયાં) ની વાવણી પર ગંભીર અસર પડી રહી છે. અલ નીનોની આ અસરને પહોંચી વળવા અને પાકોને બચાવવા માટે કેન્દ્ર સરકારે યુદ્ધના ધોરણે આકસ્મિક યોજના (Emergency Strategy) તૈયાર કરી છે. દેશના સૌથી વધુ પ્રભાવિત 315 જિલ્લાઓ માટે વિશેષ એક્શન પ્લાન જાહેર કરાયો છે.


કૃષિ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે નબળા ચોમાસાનો સામનો કરવા માટે દેશની સજ્જતાની સમીક્ષા કરી હતી. તેમણે પાણીની બચત, વૈકલ્પિક પાકોની પસંદગી અને વૈજ્ઞાનિક પદ્ધતિથી વાવણી કરવા પર ભાર મૂક્યો છે. હવામાન વિભાગના અંદાજ મુજબ ૨ જુલાઈ સુધી ચોમાસું નબળું રહી શકે છે. આ સંકટ છતાં, 22 જૂન સુધીમાં 11.99 મિલિયન હેક્ટર જમીન પર વાવણી થઈ ચૂકી છે, જે ગયા વર્ષ કરતાં થોડી વધારે છે, પરંતુ સોયાબીનની વાવણી પાછળ રહી ગઈ છે.

315 જિલ્લાઓને 3 કેટેગરીમાં વહેંચાયા:

કૃષિ મંત્રાલય અને ICAR એ વરસાદની અછત વાળા સંવેદનશીલ જિલ્લાઓને ત્રણ ભાગમાં વહેંચ્યા છે:

ઉચ્ચ અગ્રતા : 111 જિલ્લાઓ, જ્યાં સિંચાઈની સુવિધા 25% થી ઓછી છે.

મધ્યમ અગ્રતા: 76 જિલ્લાઓ, જ્યાં સિંચાઈ 25-50% વચ્ચે છે.

ઓછા સંવેદનશીલ: 128 જિલ્લાઓ, જ્યાં જળાશયોના કારણે સિંચાઈની વ્યવસ્થા પ્રમાણમાં સારી છે. આ જિલ્લાઓ મુખ્યત્વે ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ, રાજસ્થાન અને ઉત્તર પ્રદેશ સહિતના રાજ્યોમાં આવેલા છે.

સરકારની મુખ્ય ભલામણો અને પગલાં:

કેન્દ્ર સરકારે રાજ્યોને સૂચના આપી છે કે તેઓ ખેડૂતોને ઓછું પાણી માગી લે તેવા પાકો જેવા કે કઠોળ, તેલીબિયાં અને મોટા અનાજ (મિલેટ્સ) તરફ વાળે. ઉપરાંત, ઓછા સમયમાં તૈયાર થતી અને આબોહવાને અનુકૂળ બીજની જાતોનો ઉપયોગ વધારવા જણાવાયું છે. પાણીના યોગ્ય ઉપયોગ માટે તળાવો, નહેરો અને ચેકડેમની સફાઈ કરવાના આદેશ અપાયા છે.

ખેડૂતોને માર્ગદર્શન આપવા માટે દેશના 731 કૃષિ વિજ્ઞાન કેન્દ્રો (KVK) ને સક્રિય કરવામાં આવ્યા છે, જે એસએમએસ અને વોટ્સએપ દ્વારા ખેડૂતોને સલાહ આપશે. આ સાથે જ સરકારે સ્થિતિ પર નજર રાખવા 'અલ નીનો મોનિટરિંગ સેલ' અને 'ક્રોપ વેધર વોચ ગ્રુપ' ની પણ રચના કરી છે.

આ પણ વાંચો:Immunity Booster: 10 રુપિયાની આ વસ્તુ છે નેચરલ ઈમ્યુનિટી બૂસ્ટર, એક્સપર્ટે ગણાવ્યા આશ્ચર્યજનક ફાયદા

  • Follow us on: