લગભગ બે અઠવાડિયાના વિરામ બાદ હવે ભારતમાં દક્ષિણ-પશ્ચિમ ચોમાસું આખરે ફરી વેગ પકડી રહ્યું હોય તેમ લાગી રહ્યું છે. અરબી સમુદ્ર તરફથી આવતા ભેજવાળા પવનો મુંબઈ અને તેની આસપાસના વિસ્તારો અને દક્ષિણ-પૂર્વ ગુજરાતમાં પહોંચવાના શરૂ થઈ ગયા છે. જે જોતા હવે લાગી રહ્યું છે કે વરસાદ પડશે. ચોમાસુ આવ્યું તો ખરા પરંતુ જૂન મહિનામાં તો અત્યારે ભારે વરસાદ હોય.પરંતુ ચોમાસુ મોડુ આવવાથી જૂન મહિનો છેલ્લા 100 વર્ષનો સૌથી સુકો મહિનો સાબિત થયો છે. 


46 ટકા વરસાદની ઘટ 

ભારતીય હવામાન વિભાગ (IMD) ના તાજેતરના અહેવાલ મુજબ 4 જૂનથી 22 જૂન વચ્ચે દેશમાં સરેરાશ 97.6 મીમી વરસાદ થવો જોઈતો હતો પરંતુ તેની સામે માત્ર 53.1 મીમી વરસાદ જ નોંધાયો છે. એટલે કે દેશમાં અત્યાર સુધી 46 ટકા વરસાદની ઘટ જોવા મળી છે. મધ્ય, ઉત્તર અને દક્ષિણ ભારતના મોટાભાગના વિસ્તારો હજુ પણ કોરાકટ અથવા અતિ અલ્પ વરસાદની શ્રેણીમાં છે.ત્યારે આવો જાણીએ ક્યાં કેટલી ઘટ છે. 


રાજ્યો અનુસાર વરસાદની કેટલી ઘટ ? 

રાજ્યવરસાદની અછત (ટકામાં) 
મહારાષ્ટ્ર 85% ઘટ
ગુજરાત 84% ઘટ
મેઘાલય81% ઘટ
છત્તીસગઢ71% ઘટ
ઝારખંડ71% ઘટ
મધ્ય પ્રદેશ58% ઘટ

કેમ લંબાયો આટલો મોટો વિરામ?

22 જૂનના રોજ IMD દ્વારા જાહેર કરવામાં આવેલી સેટેલાઇટ તસવીરો પરથી સ્પષ્ટ થાય છે કે લાંબા સમય સુધી વાદળોની હિલચાલ માત્ર બંગાળની ખાડી, પૂર્વીય ભારત અને હિમાલયના વિસ્તારો પૂરતી જ મર્યાદિત રહી હતી. જેના કારણે મધ્ય અને પશ્ચિમ ભારતનો મોટો હિસ્સો વાદળો વિનાનો રહ્યો હતો. પદ્ધતિસરની મોન્સૂન સિસ્ટમનો અભાવ અને ભેજનું પ્રમાણ નબળું હોવાને કારણે વરસાદી પવનો દેશના આંતરિક વિસ્તારો સુધી પહોંચી શક્યા નહોતા.


આગામી 24 અને 48 કલાક મહત્વના

હવામાન વૈજ્ઞાનિકોના જણાવ્યા અનુસાર હવે વાતાવરણમાં ધીમે-ધીમે સાનુકૂળ ફેરફાર થઈ રહ્યો છે. ચોમાસાનો ભેજ મુંબઈ અને સુરત સહિત દક્ષિણ ગુજરાતના ભાગોમાં વિસ્તરી રહ્યો છે. વેધર મેપ દર્શાવે છે કે વાતાવરણના મધ્ય સ્તરોમાં ભેજનો પ્રવાહ મજબૂત થઈ રહ્યો છે, જે સંકેત આપે છે કે અરબી સમુદ્રમાં ચોમાસાનું લો પ્રેશર ફરી સક્રિય થઈ રહ્યુ છે.


કૃષિ ક્ષેત્રે વધતી ચિંતા


ચોમાસામાં થયેલા આ મોટા વિલંબના કારણે ખેતીકામ પર માઠી અસર પડી છે. ગરમીનો પારો વધવાની સાથે અનેક રાજ્યોમાં પાણીની તંગી ઉભી થઈ છે. મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર, ગુજરાત અને છત્તીસગઢના ખેડૂતો મોટા પાયે ખરીફ પાકની વાવણી શરૂ કરવા માટે હવે ધોધમાર વરસાદની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આગામી સપ્તાહ ભારતના કૃષિ અને જળ સંસાધન માટે અત્યંત મહત્વપૂર્ણ સાબિત થશે. ચોમાસું આગળ તો વધી રહ્યું છે પરંતુ સિઝનની વરસાદની આ મોટી ઘટને કેટલી ઝડપી સરભર કરશે તે જોવાનું રહ્યુ.

  • Follow us on: