ચોમાસાની ભીની-ભીની ઋતુ ગરમીથી તો રાહત આપે છે, પરંતુ પોતાની સાથે વાળની ઘણી સમસ્યાઓ પણ લાવે છે. વરસાદ શરૂ થતાં જ હવામાં ભેજ (Humidity) વધી જાય છે, જેના કારણે વાળ નબળા પડીને ખરવા લાગે છે. આ સિવાય માથામાં ચીકાશ અને ખંજવાળની સમસ્યા પણ સામાન્ય બની જાય છે. જો તમે પણ આ ઋતુમાં વાળને ડેમેજ થતા અને તૂટતા અટકાવવા માંગો છો, તો તમારી હેર કેર રૂટિનમાં થોડા ફેરફાર કરીને અગાઉથી તૈયારી કરી શકો છો. અહીં સરળ હેર કેર ટિપ્સ આપી છે જે ચોમાસામાં તમારા વાળને હેલ્ધી અને મજબૂત રાખવામાં મદદ કરશે.


વાળની સ્વચ્છતા પર ખાસ ધ્યાન આપો

વરસાદના દિવસોમાં પરસેવો, ધૂળ અને સ્કેલ્પનું નેચરલ ઓઇલ ભેગું થઈને વાળના મૂળને નબળા પાડે છે. રોજ શેમ્પૂ કરવાની ભૂલ ન કરો. અઠવાડિયામાં માત્ર બે વાર હળવા (Mild) શેમ્પૂથી વાળ ધોવા પૂરતા છે. આનાથી માથાની ચામડી સાફ રહેશે અને વાળનું કુદરતી ભેજ પણ જળવાઈ રહેશે. વાળ ધોયા પછી ટુવાલથી જોરજોરથી ઘસવાને બદલે, હળવા હાથે દબાવીને તેનું પાણી નિતારી લો. ઘણા લોકો સમય બચાવવા માટે અથવા ઉતાવળમાં ભીના વાળ જ બાંધી લે છે, જે વાળ માટે ખૂબ જ નુકસાનકારક છે. ભીના વાળ સામાન્ય કરતાં વધુ નાજુક હોય છે અને સહેલાઈથી તૂટી જાય છે. લાંબા સમય સુધી વાળમાં ભેજ રહેવાથી ફંગલ ઇન્ફેક્શન (ખંજવાળ અને ખોડો) થવાનું જોખમ વધી જાય છે. તેથી, વાળ પૂરેપૂરા સુકાઈ જાય પછી જ તેને બાંધો કે ગૂંથો.

વાળમાં નિયમિત માલિશ અને યોગ્ય કાંસકાનો ઉપયોગ

ચોમાસામાં વાળ ખૂબ જ જલ્દી ગૂંચવાઈ જાય છે. આવા સમયે સામાન્ય કાંસકાથી જોરશોરથી ઓળવવાનો પ્રયાસ કરવાથી વાળ મૂળમાંથી તૂટી શકે છે. હંમેશા પહોળા દાંતાવાળા કાંસકાનો જ ઉપયોગ કરો. આનાથી વાળ પર દબાણ ઓછું આવે છે અને ગૂંચ સરળતાથી નીકળી જાય છે. ઇન્ફેક્શન અને જૂ જેવી સમસ્યાઓથી બચવા માટે પોતાનો કાંસકો ક્યારેય પરિવારના અન્ય સભ્યો સાથે શેર ન કરો. ભેજવાળા વાતાવરણમાં પણ વાળને યોગ્ય પોષણની જરૂર હોય છે. અઠવાડિયામાં એકવાર નવશેકા તેલથી માલિશ (Massage) કરવાથી સ્કેલ્પમાં બ્લડ સર્ક્યુલેશન વધે છે અને મૂળ મજબૂત થાય છે. તમે નાળિયેર તેલ, બદામનું તેલ અથવા અન્ય કોઈ હળવા હેર ઓઇલનો ઉપયોગ કરી શકો છો.

હીટ સ્ટાઇલિંગ ટૂલ્સ ટાળો

સ્ટ્રેટનર્સ, કર્લિંગ આયર્ન કે બ્લો ડ્રાયર્સનો વધુ પડતો ઉપયોગ વાળને અંદરથી ડ્રાય અને ડેમેજ કરે છે, જેનાથી વાળ વધુ બરછટ થઈને તૂટે છે. આ ઋતુમાં વાળને કુદરતી રીતે (હવામાં) જ સુકાવા દેવા સૌથી બેસ્ટ ઓપ્શન છે અને ગરમી આપતા સ્ટાઇલિંગ ટૂલ્સનો ઉપયોગ બને એટલો ઓછો કરવો જોઈએ. ચોમાસા દરમિયાન હવામાં વધેલો ભેજ વાળના મૂળને ખૂબ સંવેદનશીલ બનાવે છે. યોગ્ય કેર અને થોડી સરળ સાવચેતી રાખવાથી વાળ ખરવાનું પ્રમાણ નોંધપાત્ર રીતે ઘટાડી શકાય છે અને વાળ લાંબા સમય સુધી સ્વસ્થ રહી શકે છે.


આ પણ વાંચો : Red Chili Test: રસોડામાં વપરાતું લાલ મરચું નકલી તો નથી ને? આ 4 સરળ રીતોથી ઘરે જ કરો શુદ્ધતાની તપાસ

(Disclaimer: આ માહિતી વાચકોને વધારે વિગતો પુરી પાડવા માટે છે અને આ સંદર્ભમાં વધારે જાણકારી મેળવવા માટે આપ તજજ્ઞોનો સંપર્ક સાધી શકશો. )

  • Follow us on: