આજના સમયમાં દૂધ, દહીં, પનીરથી લઈને શાકભાજી અને મસાલાઓમાં પણ મોટાપાયે મિલાવટના કિસ્સા સામે આવી રહ્યા છે. આપણા રસોડામાં રોજ વપરાતો લાલ મરચાનો પાવડર પણ આમાંથી બાકાત નથી. બજારમાં મળતા મરચાના પાવડરમાં વજન વધારવા માટે ઈંટોનો ભૂકો, રેતી, લાકડાનો વહેર, સ્ટાર્ચ અને સાબુનો પાવડર જેવી હાનિકારક વસ્તુઓ ભેળવવામાં આવે છે. આ સિવાય તેને આકર્ષક લાલ રંગ આપવા માટે સુદાન રેડ અને રોડામીન બી જેવા ખતરનાક કેમિકલનો ઉપયોગ થાય છે, જે સ્વાસ્થ્ય માટે અત્યંત નુકસાનકારક છે. તમે ઘરે જ ૪ સરળ ટેસ્ટ દ્વારા અસલી-નકલી મરચાનો તફાવત જાણી શકો છો.
લાલ મરચાની શુદ્ધતા ચકાસો
વોટર ટેસ્ટ (પાણી દ્વારા તપાસ):
એક કાચના ગ્લાસમાં પાણી ભરીને તેમાં એક ચમચી લાલ મરચું પાવડર નાખો અને થોડીવાર એમ જ છોડી દો. જો મરચું નીચે બેસી જાય અને પાણીનો રંગ એકદમ ઘાટો લાલ થઈ જાય, તો સમજો કે તેમાં આર્ટિફિશિયલ કલર કે ડાઈ મિલાવેલી છે. આ ઉપરાંત, પાણી ગાળી લીધા પછી બચેલા મરચાને હાથથી અડીને ચેક કરો, જો તે કરકરા લાગે તો તેમાં ઈંટોનો ભૂકો કે રેતી હોઈ શકે છે.
હથેળી પર ઘસીને જુઓ:
થોડો મરચાનો પાવડર હથેળી પર લો અને તેને અંગૂઠા વડે ઘસો. જો તે હથેળી પર તરત જ ઘાટો લાલ રંગ છોડી દે, તો તે મિલાવટી છે. શુદ્ધ મરચું પાવડર ખૂબ જ ધીમેથી અને હળવો કુદરતી રંગ છોડે છે.
એસિડિક ટેસ્ટ (લીંબુના રસથી ચેક કરો):
એક પ્લેટમાં થોડું લાલ મરચું લો અને તેમાં લીંબુનો રસ તથા થોડું પાણી ઉમેરો. જો તેમાંથી ફીણ કે પરપોટા નીકળવા લાગે, તો મરચામાં સાબુનો પાવડર કે વોશિંગ સોડા મિલાવવામાં આવ્યો છે. લીંબુના એસિડિક ગુણને લીધે કેમિકલ ડાઈનો રંગ પણ બદલાઈ જશે.
સ્વાદ અને સુગંધથી ઓળખો:
શુદ્ધ લાલ મરચાની સુગંધ ખૂબ જ તીવ્ર હોય છે અને તેનાથી તરત જ છીંક કે ઉધરસ (ધાંસ) આવે છે તેમજ તેનો સ્વાદ તીખો હોય છે. મિલાવટવાળા મરચાની તીખાશ ઓછી થઈ જાય છે અને જો તેમાં રેતી હશે, તો તે દાંત નીચે કચકચ કરશે અને ભોજનનો સ્વાદ બગાડશે.