ચીન અને તાઇવાન વચ્ચેનો દાયકાઓ જૂનો વિવાદ ફરી એકવાર વકર્યો છે. ચીને ફરી એકવાર તાઇવાનની આસપાસ પોતાની સૈન્ય હાજરી વધારીને દબાણ લાવવાનો મોટો પ્રયાસ કર્યો છે. તાઇવાનના સંરક્ષણ મંત્રાલયે (MND) રવિવારે સવારે સત્તાવાર માહિતી આપતા જણાવ્યું હતું કે, તેમણે પોતાની સરહદ નજીક ૨ ચીની સૈન્ય વિમાનો, ૮ નૌકાદળના યુદ્ધજહાજો અને ૪ સરકારી જહાજોની શંકાસ્પદ ગતિવિધિઓ નોંધી છે. ચીનની આ સતત વધી રહેલી આક્રમકતાને જોતા તાઇવાને પણ પોતાની ત્રણેય સેનાઓને હાઇ એલર્ટ પર રાખી દીધી છે.
સરકારી જહાજો તાઇવાનની સીમામાં ઘૂસ્યા
તાઇવાનના સંરક્ષણ મંત્રાલયના જણાવ્યા અનુસાર, પીપલ્સ લિબરેશન આર્મી (PLA) ના વિમાનો અને ચીની નૌસેનાના જહાજો તાઇવાન સ્ટ્રેટની આસપાસ સક્રિય ભૂમિકામાં જોવા મળ્યા છે. તાઇવાનની સશસ્ત્ર સેનાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર આ અંગેની વિગતો શેર કરીને જણાવ્યું છે કે તેઓ આ સમગ્ર ઘટનાક્રમ પર રડાર અને અન્ય સંરક્ષણ પ્રણાલીઓ દ્વારા કડક નજર રાખી રહ્યા છે. આ પૂર્વે શનિવારે પણ ચીને મોટી સૈન્ય ઘૂસણખોરી કરી હતી, જેમાં ૫ ચીની લશ્કરી વિમાનો, ૯ યુદ્ધજહાજો અને ૫ સરકારી જહાજો તાઇવાનની સીમામાં ઘૂસ્યા હતા. તેમાંથી એક ફાઇટર જેટે તો તાઇવાન સ્ટ્રેટની મધ્ય રેખા ઓળંગીને તેના દક્ષિણ-પશ્ચિમ એર ડિફેન્સ આઇડેન્ટિફિકેશન ઝોન (ADIZ) માં પ્રવેશ પણ કરી લીધો હતો, જેના જવાબમાં તાઇવાને ત્વરિત કાર્યવાહી કરવી પડી હતી.













