સરહદથી માત્ર 50 કિમી દૂર ચીનનો મેગા પ્રોજેક્ટ

ચીને ફરી એકવાર ભારત સરહદે પોતાની આક્રમક ગતિવિધિઓ તેજ કરી દીધી છે. તિબેટમાં યાહલુંગ ત્સાંગપો (જે ભારતમાં બ્રહ્મપુત્રા તરીકે ઓળખાય છે) નદીના નીચલા વિસ્તારમાં ચીને દુનિયાના સૌથી મોટા હાઇડ્રોઇલેક્ટ્રિક ડેમનું નિર્માણ સત્તાવાર રીતે શરૂ કરી દીધું છે. અરુણાચલ પ્રદેશની સરહદથી માત્ર 50 કિલોમીટર દૂર બની રહેલો આ 'મેડોગ હાઇડ્રોપાવર પ્રોજેક્ટ' 60,000 મેગાવોટની પ્રચંડ ક્ષમતા ધરાવે છે. સંરક્ષણ નિષ્ણાતો આ વિશાળ ડેમને ભારત માટે ચીનનો ‘વોટર બોમ્બ’ ગણાવી રહ્યા છે.

ભારતનો તગડો વળતો પ્રહાર: 'SUMP' પ્રોજેક્ટ

ચીનની આ દાદાગીરીનો જડબાતોડ જવાબ આપવા માટે ભારતે પણ કમર કસી લીધી છે. સરકારે અરુણાચલ પ્રદેશના અપર સિયાંગ અને સિયાંગ જિલ્લામાં 'સિયાંગ અપર મલ્ટીપર્પઝ પ્રોજેક્ટ' (SUMP) પર કામ ઝડપી બનાવ્યું છે. સરકારી કંપની NHPC દ્વારા સંચાલિત આ પ્રોજેક્ટ ભારતનો અત્યાર સુધીનો સૌથી મોટો જળવિદ્યુત પ્રોજેક્ટ બનશે. આ મેગા પ્રોજેક્ટનો અંદાજિત ખર્ચ આશરે 13 અબજ ડોલર (એટલે કે આશરે 1.5 લાખ કરોડ રૂપિયા) છે, જે વાર્ષિક 47 અબજ યુનિટ વીજળી પેદા કરશે.

ભારતની ધીમી કાર્યવાહી

બંને પ્રોજેક્ટની સરખામણી કરીએ તો ભારત સામે મોટો પડકાર છે. ચીનનો 60,000 મેગાવોટનો પ્રોજેક્ટ અત્યારે યુદ્ધના ધોરણે આગળ વધી રહ્યો છે, જ્યારે ભારતનો SUMP પ્રોજેક્ટ હજુ પ્રારંભિક અભ્યાસ અને પ્રી-ફિજિબિલિટીના તબક્કામાં છે. જમીન પર હજુ બાંધકામ શરૂ થયું નથી. ક્ષમતાની દ્રષ્ટિએ પણ ચીનનો ડેમ ભારત કરતાં ઘણો મોટો છે, જેથી ભારત હવે સરહદી નદી પર બેઇજિંગની દરેક હિલચાલ પર કડક નજર રાખી રહ્યું છે.

બ્રહ્મપુત્રા પર મોટું સંકટ: પૂર્વોત્તર રાજ્યો માટે ખતરો

તિબેટમાંથી નીકળતી આ નદી ભારતમાં સિયાંગ તરીકે પ્રવેશે છે અને આગળ જતાં આસામમાં બ્રહ્મપુત્રા બને છે, જે કરોડો લોકોની જીવાદોરી છે. નિષ્ણાતોના મતે, જો ચીન ઉપરવાસમાં પાણી રોકી લે અથવા અચાનક છોડે, તો ભારતના નીચલા વિસ્તારોમાં ભયાનક પૂર આવી શકે છે અને સ્થાનિક ઇકોસિસ્ટમ તથા ખેતી બરબાદ થઈ શકે છે.

માત્ર વીજળી નહીં, સુરક્ષા કવચ છે SUMP

ભારતનો SUMP પ્રોજેક્ટ માત્ર વીજળી બનાવવા માટે નથી. તેને ખાસ કરીને પૂર નિયંત્રણ કરવા અને ચીન દ્વારા પાણીના પ્રવાહને ડાયવર્ટ કરવાના સંભવિત ખતરા સામે રક્ષણ મેળવવા ડિઝાઇન કરાયો છે. આ જ કારણે તે આર્થિક કરતાં વ્યૂહાત્મક રીતે વધુ મહત્વનો છે. સરકારે લોકસભામાં પણ સ્પષ્ટ કર્યું છે કે ભારત ચીનની તમામ ગતિવિધિઓ પર નજર રાખી રહ્યું છે અને પૂર્વોત્તરમાં ફ્લડ વોર્નિંગ સિસ્ટમ મજબૂત કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો:G7 Summit: એ એક ભૂલ અને બગડ્યા ટ્રમ્પ અને મેલોની વચ્ચેના સંબંધો

  • Follow us on: