મિડલ ઈસ્ટમાં સતત વધી રહેલા તણાવ અને અસ્થિરતા વચ્ચે સંયુક્ત આરબ અમીરાત (UAE) એ એક બહુ મોટો આર્થિક અને વ્યૂહાત્મક નિર્ણય લીધો છે. યુએઈ હવે વૈશ્વિક તેલ વેપાર માટે સૌથી મહત્વપૂર્ણ ગણાતા 'હોર્મુઝ જલડમરુમધ્ય' (Strait of Hormuz) પર પોતાની નિર્ભરતા સંપૂર્ણપણે ખતમ કરવા જઈ રહ્યું છે. યુએઈના વિદેશ વ્યાપાર મંત્રી થાની અલ જેયુદીના જણાવ્યા અનુસાર, ભવિષ્યમાં હોર્મુઝ રૂટ ખુલ્લો રહે કે બંધ થાય, તેનાથી તેમના દેશના તેલ વેપાર પર કોઈ અસર નહીં પડે. અબુ ધાબી વર્ષ 2027 સુધીમાં આ નિર્ભરતાને શૂન્ય કરવા માટે 4 મોટા પ્રોજેક્ટ્સ પર ઝડપથી કામ કરી રહ્યું છે.
શા માટે UAE એ બદલવો પડ્યો પ્લાન?
તાજેતરમાં ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે થયેલા સંગ્રામ દરમિયાન હોર્મુઝ સ્ટ્રેટમાં સર્જાયેલી અનિશ્ચિતતાને કારણે UAE ને મોટું આર્થિક નુકસાન વેઠવું પડ્યું હતું. દરિયાઈ વાહનવ્યવહાર ખોરવાઈ જવાથી તેલની સપ્લાય અટકી ગઈ હતી. ઈરાન યુદ્ધ પહેલા UAE આ રસ્તેથી દરરોજ 3.6 મિલિયન બેરલ તેલ વેચતું હતું. ભારત અને ચીન યુએઈના સૌથી મોટા તેલ ખરીદદારો છે. જૂન 2026 માં જ ભારતીય અને ચીની કંપનીઓએ યુએઈ પાસેથી આશરે 60-60 લાખ બેરલ તેલ ખરીદ્યું હતું. આ મોટા બજારને સુરક્ષિત રાખવા માટે હવે નવો બાયપાસ રૂટ તૈયાર થઈ રહ્યો છે.
નિર્ભરતા ખતમ કરવાના 4 મહાપ્લાન:
પૂર્વીય બંદરોનો વિસ્તાર: યુએઈ ઓમાનની ખાડીને અડીને આવેલા દિબ્બા, ફુજૈરાહ અને ખોર ફક્કનના પૂર્વીય બંદરોનો વ્યાપક વિકાસ કરી રહ્યું છે, જેથી હોર્મુઝ સિવાયના રસ્તેથી સીધું જ તેલ મોકલી શકાય.
નવું સુરક્ષિત બંદર: ઓમાન સરહદની નજીક એક નવું અત્યાધુનિક બંદર બનાવવામાં આવશે. આ ભૌગોલિક લોકેશન એવું છે જ્યાં ઈરાન સરળતાથી હુમલો કે કોઈ અવરોધ ઊભો કરી શકશે નહીં.
પાઈપલાઈન નેટવર્કનું વિસ્તરણ: પોતાના મુખ્ય તેલ ક્ષેત્રોને આ નવા અને પૂર્વીય બંદરો સાથે સીધા જોડવા માટે પાઈપલાઈન બિછાવવામાં આવી રહી છે. આ પ્રોજેક્ટનો બીજો તબક્કો 2027 સુધીમાં પૂરો થઈ જશે.
રોડ અને રેલ માર્ગનો ઉપયોગ: દરિયાઈ માર્ગ ઉપરાંત, યુએઈ પોતાની સરહદોની અંદરથી જ રોડ અને રેલ નેટવર્ક દ્વારા તેલના પરિવહન પર ભાર મૂકી રહ્યું છે.
વધુ તેલ વેચવા માટે ઓપેક (OPEC) થી દૂરી
પોતાના આ પ્લાનને મુક્તપણે અમલમાં મૂકવા અને મહત્તમ તેલ વેચવા માટે UAE એ પોતાને ઓપેક (OPEC) અને ઓપેક પ્લસ દેશોના સંગઠનથી અલગ કરી લીધું છે. યુએઈને આશા છે કે ફુજૈરાહ અને અન્ય વૈકલ્પિક બંદરો દ્વારા તે દરરોજ 13 લાખ બેરલ તેલ કોઈપણ અડચણ વગર ભારત અને ચીન જેવા દેશો સુધી સરળતાથી પહોંચાડી શકશે.
આ પણ વાંચો: G7થી નારાજ China, બનાવશે અલગ ગ્લોબલ AI ઓર્ગેનાઈઝેશન, જાણો કયા દેશોને અપાશે આમંત્રણ?