મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા તણાવ વચ્ચે એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. કતાર બાદ હવે સંયુક્ત આરબ અમીરાત (UAE) એ પણ પોતાની સુરક્ષા માટે ઈરાન સાથે ગુપ્ત ડીલ કરી લીધી હોવાનો દાવો કરવામાં આવ્યો છે. ઇઝરાયેલી મીડિયા 'કાન' ના અહેવાલ મુજબ, આ ડીલ અંતર્ગત અબુ ધાબીએ ખાસ વિમાન મારફતે તેહરાનને ૩ અબજ ડોલર (આશરે ૨૫,૦૦૦ કરોડ રૂપિયાથી વધુ) મોકલ્યા છે. બદલામાં ઈરાન ચાલુ યુદ્ધ દરમિયાન યુએઈના પ્રદેશો પર કોઈ હુમલો નહીં કરે. જો કે, ઈરાનના વિદેશ મંત્રાલયે સત્તાવાર રીતે આ પ્રકારની કોઈ ડીલ થઈ હોવાનો ઈનકાર કર્યો છે.
દુબઈ અને અબુ ધાબી પર હવે હુમલો નહીં થાય
રિપોર્ટ અનુસાર, આ નાણાં રાજદ્વારી સંબંધો સુધારવા અને સુરક્ષા સુનિશ્ચિત કરવાના હેતુથી મોકલવામાં આવ્યા છે. રસપ્રદ વાત એ છે કે, યુદ્ધની બીજી લહેરમાં ઈરાને યુએઈ પર એક પણ હુમલો કર્યો નથી. હાલમાં ઈરાન માત્ર કુવૈત, બહેરીન અને જોર્ડનમાં આવેલા અમેરિકી સૈન્ય ઠેકાણાઓને જ નિશાન બનાવી રહ્યું છે. આ બદલાયેલી રણનીતિ ઇઝરાયેલી મીડિયાના દાવાને મજબૂત કરે છે કે બંને દેશો વચ્ચે કોઈ ચોક્કસ સમજૂતી થઈ છે.













