મધ્ય પૂર્વમાં વધતા તણાવ વચ્ચે હોર્મુઝ સ્ટ્રેટ (Strait of Hormuz) ફરી એકવાર વૈશ્વિક ચર્ચાનું કેન્દ્ર બન્યું છે. વિશ્વના કુલ દરિયાઈ તેલ વેપારનો મોટો હિસ્સો આ મહત્વપૂર્ણ જળમાર્ગમાંથી પસાર થાય છે. પર્શિયન ખાડી (Persian Gulf)ને અરબી સમુદ્ર અને હિંદ મહાસાગર સાથે જોડતો આ માર્ગ વૈશ્વિક ઊર્જા પુરવઠા ઉપરાંત ખાડી દેશોની અર્થવ્યવસ્થા માટે પણ અત્યંત મહત્વનો માનવામાં આવે છે.
નિષ્ણાતોના મતે જો હોર્મુઝ સ્ટ્રેટ સંપૂર્ણપણે ખુલ્લો અને સુરક્ષિત રહે તો તેનો સૌથી મોટો લાભ સાઉદી અરેબિયા અને સંયુક્ત આરબ અમીરાત (UAE)ને થાય છે. બંને દેશોની અર્થવ્યવસ્થા મોટા ભાગે તેલ અને ગેસની નિકાસ પર આધારિત હોવાથી આ માર્ગમાં કોઈપણ પ્રકારનો વિઘ્ન તેમની આવક પર સીધી અસર કરી શકે છે.
તેલની નિકાસમાં આવશે તેજી
સાઉદી અરેબિયા અને UAE વિશ્વના સૌથી મોટા તેલ નિકાસકાર દેશોમાં સામેલ છે. બંને દેશો દરરોજ લાખો બેરલ કાચું તેલ વૈશ્વિક બજારોમાં મોકલે છે અને તેનો મોટો હિસ્સો હોર્મુઝ સ્ટ્રેટમાંથી જ પસાર થાય છે. જ્યારે આ માર્ગમાં તણાવ કે અવરોધ ઊભો થાય છે, ત્યારે તેલની નિકાસ પર અસર પડે છે. જહાજોની અવરજવર ધીમી પડી જાય છે અને ઘણી વખત કંપનીઓને વૈકલ્પિક માર્ગો શોધવા પડે છે. પરંતુ જળમાર્ગ ખુલ્લો રહે ત્યારે બંને દેશો પોતાની સંપૂર્ણ ઉત્પાદન અને નિકાસ ક્ષમતાનો ઉપયોગ કરી શકે છે. જેના કારણે સરકારી આવકમાં સ્થિરતા આવે છે અને આર્થિક વિકાસને વેગ મળે છે.
તેલ સિવાયના વેપારને પણ મળશે રાહત
હોર્મુઝ સ્ટ્રેટ માત્ર તેલ પરિવહન માટે જ મહત્વપૂર્ણ નથી. ખાડી દેશો માટે ખાદ્યપદાર્થો, મશીનરી, ઇલેક્ટ્રોનિક્સ સાધનો, બાંધકામ સામગ્રી અને અન્ય જરૂરી ચીજવસ્તુઓની આયાત પણ આ માર્ગ મારફતે થાય છે. જો આ જળમાર્ગ લાંબા સમય સુધી અવરોધિત રહે તો સપ્લાય ચેઈન પર ગંભીર અસર પડી શકે છે. તેના કારણે બાંધકામ પ્રોજેક્ટ્સની કિંમત વધી શકે છે અને આવશ્યક વસ્તુઓની ઉપલબ્ધતા પર અસર થઈ શકે છે. જળમાર્ગ ખુલ્લો રહેતા માલસામાનનો પુરવઠો સામાન્ય રહે છે, જેના કારણે સ્થાનિક ઉદ્યોગો અને મોટા ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સને ફાયદો થાય છે. ખાસ કરીને સાઉદી અરેબિયાના ‘વિઝન 2030’ જેવા મહત્ત્વાકાંક્ષી વિકાસ કાર્યક્રમો માટે સુવ્યવસ્થિત સપ્લાય સિસ્ટમ અત્યંત જરૂરી છે.
શિપિંગ અને વીમા ખર્ચમાં ઘટાડો
મધ્ય પૂર્વમાં તણાવ વધે ત્યારે દરિયાઈ પરિવહન કંપનીઓ જોખમને ધ્યાનમાં રાખીને જહાજોના વીમા પ્રીમિયમ અને માલવહન ખર્ચમાં વધારો કરે છે. તેની સીધી અસર આયાતકારો અને નિકાસકારો પર પડે છે. પરંતુ હોર્મુઝ સ્ટ્રેટ સુરક્ષિત અને ખુલ્લો રહે તો પરિવહનનું જોખમ ઘટે છે. પરિણામે વીમા ખર્ચ અને શિપિંગ ચાર્જિસમાં ઘટાડો થાય છે. આથી તેલ કંપનીઓના નફામાં વધારો થાય છે અને આયાતી માલ પણ તુલનાત્મક રીતે સસ્તો બને છે. નિષ્ણાતોનું માનવું છે કે વેપાર ખર્ચમાં ઘટાડો થવાથી સમગ્ર ખાડી ક્ષેત્રની અર્થવ્યવસ્થાને વધારાની મજબૂતી મળે છે.
વૈશ્વિક બજારમાં હિસ્સો જાળવવામાં મદદરૂપ
જો હોર્મુઝ સ્ટ્રેટ લાંબા સમય સુધી બંધ રહે તો વિશ્વના મોટા તેલ ખરીદનાર દેશો પોતાની જરૂરિયાતો માટે અન્ય દેશો તરફ વળી શકે છે. અમેરિકા, બ્રાઝિલ, ગુયાના અને કેટલાક આફ્રિકી દેશો જેવા વૈકલ્પિક ઉત્પાદકોને તેનો લાભ મળી શકે છે. આવી સ્થિતિમાં સાઉદી અરેબિયા અને UAE માટે તેમના પરંપરાગત ગ્રાહકો ગુમાવવાનો ખતરો ઊભો થઈ શકે છે. પરંતુ જળમાર્ગ ખુલ્લો રહે તો બંને દેશો વૈશ્વિક બજારમાં પોતાની મજબૂત સ્થિતિ જાળવી રાખી શકે છે અને સ્પર્ધકો સામે પોતાની માર્કેટ શેર સુરક્ષિત રાખી શકે છે.
આ પણ વાંચો : PM Modi France Visit: ભારત-ફ્રાન્સના સંબંધો બન્યા વધુ ગાઢ: PM મોદી