હોર્મોઝ સ્ટ્રેટ (Hormuz Strait) માં અમેરિકી સૈન્ય કાર્યવાહી દરમિયાન ત્રણ ભારતીય નાવિકોના મોત બાદ ભારત અને અમેરિકા વચ્ચે રાજદ્વારી તણાવ ચરમસીમાએ પહોંચી ગયો છે. ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકરની તીખી પ્રતિક્રિયા બાદ હવે અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રુબિયોનું મોટું નિવેદન સામે આવ્યું છે. રુબિયોએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે, અમેરિકી નાકેબંધીનું કોઈપણ પ્રકારનું ઉલ્લંઘન અને હોર્મોઝ સ્ટ્રેટમાંથી ઈરાની તેલનું ગેરકાયદે પરિવહન કોઈપણ સંજોગોમાં બરદાસ્ત કરવામાં આવશે નહીં.


શનિવારે જારી કરાયેલા સત્તાવાર નિવેદન અનુસાર, રુબિયોએ આ વાત ભારતીય વિદેશ મંત્રી એસ. જયશંકર સાથેની ફોન વાતચીત દરમિયાન કહી હતી. આ પહેલા શુક્રવારે જયશંકરે રુબિયોને ફોન કરીને ઓમાનના તટ નજીક જહાજો પર થયેલા અમેરિકી હુમલા અને તેમાં ભારતીય નાગરિકોના મોત અંગે ભારતનો સખત વિરોધ નોંધાવ્યો હતો.

અમેરિકી સેનાના આદેશોનું પાલન કરવું પડશે: યુએસ 

અમેરિકી વિદેશ વિભાગના પ્રવક્તા ટોમી પિગોટે જણાવ્યું હતું કે, વિદેશ મંત્રી રુબિયોએ ભારપૂર્વક કહ્યું છે કે તમામ વાણિજ્યિક જહાજોએ તાત્કાલિક અમેરિકી સેનાના આદેશોનું પાલન કરવું જોઈએ, કારણ કે યુએસ સેના હોર્મોઝ સ્ટ્રેટમાં શાંતિ અને સુરક્ષા જાળવવાનો પ્રયાસ કરી રહી છે. અમેરિકાએ ૧૩ એપ્રિલથી આ વિસ્તારમાં નૌકાદળની નાકેબંધી લાગુ કરી છે, જેનો ઉદ્દેશ્ય તેહરાન (ઈરાન)ને તેલના વેપારમાંથી થતી આવકથી વંચિત રાખવાનો છે.

ભારતીય ક્રૂ મેમ્બર્સ ધરાવતા ત્રણ જહાજો પર હુમલા

આ સપ્તાહની શરૂઆતમાં ઓમાનના દરિયાકાંઠે ભારતીય ક્રૂ મેમ્બર્સ ધરાવતા ત્રણ કોમર્શિયલ જહાજો પર હુમલા થયા હતા. બુધવારે થયેલા આવા જ એક ઘાતક હુમલામાં ત્રણ ભારતીય નાવિકોએ જીવ ગુમાવ્યા હતા. આ ઘટનાથી રોષે ભરાયેલા ભારતે કડક પગલાં લીધાં છે.

વિદેશ મંત્રી એસ. જયશંકરે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર લખ્યું:

"વાણિજ્યિક જહાજો સામે આ પ્રકારની ઘાતક અને જીવલેણ કાર્યવાહીને કોઈપણ રીતે ન્યાયી ઠેરવી શકાય નહીં."

ભારતે આપી ચેતવણી

રાજદ્વારી સ્તરે વિરોધ નોંધાવતા ભારતે શુક્રવારે દિલ્હીમાં અમેરિકી દૂતાવાસના પ્રભારી અધિકારી જેસન મીક્સને તલબ કર્યા હતા. ભારતીય વિદેશ મંત્રાલયે તેમને સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે, નિર્દોષ ભારતીય નાવિકો પર અમેરિકી સેનાનો આ જીવલેણ હુમલો બિલકુલ અસ્વીકાર્ય છે.

બીજી તરફ, અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન પર હોર્મોઝ સ્ટ્રેટમાંથી પસાર થઈ રહેલા ભારતીય જહાજો પર ડ્રોન હુમલા કરવાનો આરોપ લગાવ્યો છે. જો કે, ઈરાને આ આરોપોને સખત રીતે નકારી કાઢ્યા છે. ભારતમાં ઈરાની દૂતાવાસે એક નિવેદન જારી કરીને કહ્યું છે કે અમેરિકી રાષ્ટ્રપતિના આ આક્ષેપો સંપૂર્ણપણે નિરાધાર છે. હાલ આ મુદ્દે વૈશ્વિક રાજકારણમાં ભારે ગરમાવો જોવા મળી રહ્યો છે.

આ પણ વાંચો:Iran US war : હોર્મુઝ સ્ટ્રેટ ફરી ખુલશે, ઇરાન સાથે આજે 'Peace deal'પર થશે સાઇન,ડોનાલ્ડ ટ્રમ્પની મોટી જાહેરાત

  • Follow us on: