ભારતે પોતાની સૌથી સંવેદનશીલ અને વ્યૂહાત્મક કડી સમાન સિલીગુડી કોરિડોર (ચિકન નેક)ને સુરક્ષિત અને મજબૂત બનાવવા માટે મોટા પાયે સૈન્ય અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ શરૂ કરી દીધું છે. કોઈપણ યુદ્ધ કે કટોકટીની સ્થિતિમાં ચીન કે બાંગ્લાદેશ તરફથી આવનારા જોખમોને ડામી દેવા માટે ભારતે અહીં જૂના એરબેઝ સક્રિય કરવાથી લઈને અંડરગ્રાઉન્ડ રેલ લાઈન અને આધુનિક હથિયારોની તૈનાતી સુધીની કિલ્લાબંધી શરૂ કરી છે.


ચિકન નેક કેમ છે ભારત માટે ચિંતાનો વિષય?

સિલીગુડી કોરિડોર માત્ર ૨૨ કિલોમીટર પહોળો ભૂભાગ છે, જે ભારતના મુખ્ય હિસ્સાને પૂર્વોત્તરના સાત રાજ્યો (સેવન સિસ્ટર્સ) સાથે જોડે છે. જો કોઈ યુદ્ધ કે મોટા સંકટ સમયે આ કોરિડોર પ્રભાવિત થાય, તો પૂર્વોત્તર ભારત દેશના બાકીના હિસ્સાથી કપાઈ શકે છે. આ જ નબળાઈને દૂર કરવા માટે ભારત હવે તેને એક મજબૂત સૈન્ય ઢાલમાં તબદીલ કરી રહ્યું છે.

 જૂના એરબેઝ ફરી કરાયા સક્રિય

બાંગ્લાદેશ સરહદની નજીક આવેલા બાલુરઘાટ, અંબાળી, બિન્નાગુડી અને માલ્ડા જેવા ઘણા જૂના એરબેઝ અને એરપોર્ટને ભારતે ફરીથી વિકસાવવાનું શરૂ કર્યું છે. આનાથી કટોકટીના સમયે લડાકુ વિમાનો, ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ અને સૈન્ય હેલિકોપ્ટરોની તૈનાતી સેકન્ડોમાં થઈ શકશે. આ ઉપરાંત આસામના રૂપસી એરપોર્ટનું પણ આધુનિકીકરણ કરવામાં આવી રહ્યું છે.

35 કિમી લાંબી અંડરગ્રાઉન્ડ રેલ લાઇન

વ્યૂહાત્મક દ્રષ્ટિએ ભારતે આ વિસ્તારમાં જમીનની નીચે અંદાજે ૩૫ કિલોમીટર લાંબી અંડરગ્રાઉન્ડ રેલ લાઇન બનાવવાની યોજના તૈયાર કરી છે. આ અંડરગ્રાઉન્ડ રેલ માર્ગ યુદ્ધની સ્થિતિમાં પણ હવાઈ હુમલાથી સુરક્ષિત રહીને સૈનિકો, હથિયારો અને રેશનિંગની સપ્લાય અવિરત ચાલુ રાખવામાં મદદ કરશે.

રાફેલ અને આકાશ મિસાઈલ ડિફેન્સ તૈનાત

ચીનના કોઈપણ આક્રમક વલણને રોકવા માટે ભારતે આ વિસ્તારમાં પોતાના સૌથી ઘાતક રાફેલ લડાકુ વિમાનો, આકાશ મિસાઈલ રક્ષા પ્રણાલી અને અત્યાધુનિક એર ડિફેન્સ સિસ્ટમ તૈનાત કરી દીધી છે. બામુની, કિશનગંજ અને ચોપરા જેવા વિસ્તારોમાં નવા સૈન્ય મથકો બનાવવામાં આવ્યા છે, જેથી ભારતીય સેનાની પ્રતિક્રિયા ક્ષમતા પહેલા કરતા ઘણી ઝડપી બની ગઈ છે. ડ્રોન, રડાર અને આધુનિક સર્વેલન્સ સિસ્ટમની મદદથી હવે આ આખા વિસ્તાર પર ચોવીસ કલાક નજર રાખવામાં આવી રહી છે.

નિષ્ણાતોના મતે, ડોકલામ અને તિબેટ ક્ષેત્ર તરફથી ચીન જે દબાણ બનાવવાનો પ્રયાસ કરી રહ્યું છે, તેને રોકવા માટે ભારતની આ તૈયારીઓ ગેમ ચેન્જર સાબિત થશે અને ચિકન નેક હવે ભારતની નબળાઈ નહીં પણ તાકાત બની જશે.

આ પણ વાંચો:Gujarat Latest News Live : સાંજે 4 વાગ્યા સુધી 9 જિલ્લામાં વરસાદની આગાહી


  • Follow us on: