વૈશ્વિક સ્તરે ભૂ-રાજકીય તણાવ અને ખાસ કરીને સ્ટ્રેટ ઓફ હોર્મુઝ (Strait of Hormuz) માં સર્જાયેલી અનિશ્ચિતતા વચ્ચે ભારતે પોતાની ઊર્જા સુરક્ષાને મજબૂત કરવા માટે વ્યુહાત્મક પગલું ભર્યું છે. તાજેતરના અહેવાલો અનુસાર, ભારતે અમેરિકા (US) માંથી આયાત થતા ક્રૂડ ઓઈલના જથ્થામાં મોટો કાપ મૂક્યો છે, જ્યારે તેની સામે રશિયા અને સંયુક્ત આરબ અમીરાત (UAE) માંથી તેલની આયાતમાં નોંધપાત્ર વધારો કર્યો છે.
સ્ટ્રેટ ઓફ હોર્મુઝ એ વૈશ્વિક તેલ પુરવઠા માટેનો સૌથી મહત્વપૂર્ણ દરિયાઈ માર્ગ ગણાય છે. તાજેતરમાં અમેરિકા અને ઈરાન વચ્ચે સીઝફાયર અને ટેક્સ વિવાદને લઈને ચાલી રહેલી ખેંચતાણ તેમજ હોર્મુઝ સ્ટ્રેટ બંધ થવાની અટકળોને કારણે દરિયાઈ નૂર (Freight) અને વીમા દરોમાં ભારે ઉતાર-ચઢાવ જોવા મળ્યો છે. આ અનિશ્ચિતતાની સીધી અસર આંતરરાષ્ટ્રીય તેલ બજાર અને સપ્લાય ચેઈન પર પડી છે.
ભારતે અમેરિકા પરની નિર્ભરતા ઓછી કરી
ભારત પોતાની ક્રૂડ ઓઈલની જરૂરિયાતના 80 ટકાથી વધુ હિસ્સો આયાત કરે છે. આવી સ્થિતિમાં, સપ્લાય ખોરવાઈ જવાની આશંકા અને બજારના જોખમોને ટાળવા માટે ભારતીય રિફાઇનર્સે સસ્તા અને વધુ ભરોસાપાત્ર વિકલ્પો તરફ નજર દોડાવી છે. રશિયા તરફથી મળી રહેલું ડિસ્કાઉન્ટેડ ક્રૂડ ઓઈલ અને UAE સાથેના મજબૂત વ્યાપારિક સંબંધોને કારણે ભારતે પશ્ચિમી દેશો, ખાસ કરીને અમેરિકા પરની નિર્ભરતા ઓછી કરી છે. રશિયા લાંબા સમયથી ભારતનો ટોચનો ઓઈલ સપ્લાયર દેશ રહ્યો છે, અને વર્તમાન કટોકટીમાં આ ભાગીદારી વધુ ગાઢ બની છે. બીજી તરફ, UAE માંથી પણ તેલની આયાત વધારીને ભારતે મિડલ ઈસ્ટના સુરક્ષિત રૂટનો લાભ લેવાનો પ્રયાસ કર્યો છે.
નિષ્ણાતોના મતે, ભારતનું આ કદમ સાબિત કરે છે કે વૈશ્વિક દબાણો વચ્ચે પણ દેશ પોતાના આર્થિક હિતો અને ઊર્જા સુરક્ષાને સર્વોપરી રાખે છે. અમેરિકાથી આયાત ઘટાડવાનો આ નિર્ણય આગામી સમયમાં વૈશ્વિક તેલ રાજકારણ (Oil Politics) ને નવો વળાંક આપી શકે છે.
આ પણ વાંચો:UAE Tourism: દુનિયાભરમાંથી 1.65 લાખ કરોડપતિઓ છોડશે પોતાનો દેશ, UAE બન્યું પહેલી પસંદ