માથાનો દુખાવો એ આજની ભાગદોડ ભરેલી જિંદગીમાં અત્યંત હેરાન કરતી સમસ્યા બની ગઈ છે. સામાન્ય રીતે લોકો માથાનો દુખાવો થતાં જ પેઇન કિલર દવાઓ લેવાનું શરૂ કરી દેતા હોય છે, પરંતુ આ દવાઓ લાંબા ગાળે શરીરને નુકસાન પહોંચાડે છે. જો તમે પણ વારંવાર થતા માથાના દુખાવા અથવા માઈગ્રેનથી પરેશાન છો, તો જાણીતા ન્યુરોલોજીસ્ટ ડોક્ટરે આ સમસ્યાના ઉપાય જણાવ્યા છે. તેમના જણાવ્યા અનુસાર, આપણી રોજિંદી લાઈફસ્ટાઈલ અને ખાવા-પીવાની આદતોમાં નાના-મોટા ફેરફારો કરીને આ ગંભીર સમસ્યાથી કાયમી આરામ મેળવી શકાય છે.


માથાના દુખાવાનું આ છે કારણ, ડોક્ટર

ડોક્ટરના મતે, માથાના દુખાવાનું સૌથી મોટું અને મુખ્ય કારણ આપણી ખોટી આહાર પદ્ધતિ છે. જે લોકોને વારંવાર માથામાં દુખાવો થતો હોય તેમણે ભૂલથી પણ સવારનો નાસ્તો સ્કીપ ન કરવો જોઈએ. આખો દિવસ ઉર્જાવાન રહેવા અને રાત્રિના લાંબા ઉપવાસ પછી શરીરને સંતુલિત રાખવા માટે સમયસર હેલ્ધી બ્રેકફાસ્ટ કરવો અનિવાર્ય છે. આ સિવાય, આજકાલ વજન ઘટાડવા માટે 'ઇન્ટરમિટેન્ટ ફાસ્ટિંગ' (સમયાંતરે ઉપવાસ) નો ક્રેઝ વધ્યો છે, પરંતુ માઈગ્રેનના દર્દીઓએ આવા લાંબા ઉપવાસથી દૂર રહેવું જોઈએ. ભોજનનો સમય ફિક્સ રાખવો જરૂરી છે, કારણ કે બપોરનું કે રાતનું જમવાનું છોડી દેવાથી બ્લડ શુગર લેવલ ખોરવાય છે અને તે સીધું જ માથાના દુખાવાને આમંત્રણ આપે છે.

ડોક્ટર, માથાના દુખાવામાં મળશે રાહત આટલું જરૂર કરો

ખોરાકની સાથે સાથે શરીરની આંતરિક સિસ્ટમને હાઇડ્રેટ રાખવી પણ એટલી જ જરૂરી છે. દિવસ દરમિયાન ઓછામાં ઓછું ૬ થી ૮ ગ્લાસ જેટલું પૂરતું પાણી પીવું જોઈએ, જેથી ડિહાઇડ્રેશનની સમસ્યા ન થાય. ઘણા લોકોને સવારે ખાલી પેટે ચા કે કોફી પીવાની આદત હોય છે, જે એસિડિટી, ગેસ અને બ્લડ શુગરમાં અસંતુલન પેદા કરીને માથાનો દુખાવો વધારે છે. તેવી જ રીતે, સાંજે ૬ વાગ્યા પછી કેફીનયુક્ત પીણાં જેવા કે ચા, કોફી અથવા ગ્રીન ટી પીવાનું ટાળવું જોઈએ, કારણ કે તે રાતની ઊંઘમાં ખલેલ પહોંચાડે છે. આ ઉપરાંત, જ્યારે પણ તડકામાં બહાર નીકળવાનું થાય ત્યારે સનગ્લાસ (ચશ્મા) અને છત્રીનો ઉપયોગ ચોક્કસ કરવો, જેથી સૂર્યપ્રકાશના તીવ્ર કિરણો માઈગ્રેનને ટ્રિગર ન કરી શકે.

સ્ક્રીન ટાઈમ ઘટાડો, પૂરતી ઊંઘ લો

અંતમાં, આજના ડિજિટલ યુગમાં સ્ક્રીન ટાઈમ અને ઊંઘની અછત માથાના દુખાવાનું સૌથી મોટું કારણ બની રહ્યા છે. ન્યુરોલોજીસ્ટના જણાવ્યા પ્રમાણે, આપણા મગજ અને નર્વસ સિસ્ટમને શાંત રાખવા માટે ઊંઘની સ્વચ્છતા (Sleep Hygiene) ખૂબ જ મહત્વપૂર્ણ છે. માત્ર ૭-૮ કલાક સૂવું પૂરતું નથી, પરંતુ રૂમનું શાંત વાતાવરણ અને ગાઢ ઊંઘ અનિવાર્ય છે. સૂવાના બે કલાક પહેલાં ફોન સ્ક્રોલ કરવાનું કે ટીવી જોવાનું બંધ કરી દેવું જોઈએ, જે મગજ માટે રીસેટ બટન તરીકે કામ કરે છે. લાંબી મુસાફરી દરમિયાન દર ૯૦ મિનિટે ૫ મિનિટનો આરામનો વિરામ લેવો અને માઈગ્રેનના સંવેદનશીલ મગજને બચાવવા માટે મોટેથી બોલવાનું કે મોટા અવાજોના સંપર્કમાં આવવાનું ટાળવું જોઈએ. આ સામાન્ય નિયમોનું પાલન કરવાથી દવાની જરૂરિયાત વિના માથાનો દુખાવો અટકાવી શકાય છે.


આ પણ વાંચો : શું AC હાડકાં નબળા પાડી સંધિવામાં કરે છે વધારો? જાણો નિષ્ણાત પાસેથી

(Disclaimer: આ માહિતી વાચકોને વધારે વિગતો પુરી પાડવા માટે છે અને આ સંદર્ભમાં વધારે જાણકારી મેળવવા માટે આપ તજજ્ઞોનો સંપર્ક સાધી શકશો. )

  • Follow us on: