ગુજરાતના કરોડો નાગરિકો અને જગતના તાત એવા ખેડૂતો જેની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા, તે ચોમાસાને લઈને આ વર્ષના સૌથી મોટા અને રાહતના સમાચાર સામે આવ્યા છે. હવામાન વિભાગ દ્વારા સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે કે ગુજરાતમાં ચોમાસાનું વિધિવત અને ધમાકેદાર આગમન થઈ ચૂક્યું છે. 


દક્ષિણ ગુજરાતમાં પ્રવેશ્યું

નૈઋત્યનું ચોમાસું તમામ અવરોધો પાર કરીને દક્ષિણ ગુજરાતના સરહદી વિસ્તારોમાં પ્રવેશી ગયું છે, જેને પગલે વલસાડ, નવસારી અને આસપાસના જિલ્લાઓમાં સવારથી જ મેઘમહેર શરૂ થઈ ગઈ છે.

વાતાવરણ સંપૂર્ણપણે સાનુકૂળ અને અનુકૂળ 

હવામાન વિભાગના તાજા બુલેટિન અનુસાર, હાલ રાજ્યમાં ચોમાસું આગળ વધવા માટે વાતાવરણ સંપૂર્ણપણે સાનુકૂળ અને અનુકૂળ બનેલું છે. અરબી સમુદ્ર તરફથી આવતા ભેજવાળા પવનો અને બંગાળની ખાડીની સિસ્ટમના કારણે મોન્સૂન લાઈન ઝડપથી આગળ વધી રહી છે. 

બેથી ત્રણ દિવસની અંદર જ ચોમાસું મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના વધુ વિસ્તારોને કવર કરી લેશે

હવામાન નિષ્ણાતોના મતે, આગામી બેથી ત્રણ દિવસની અંદર જ ચોમાસું મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના વધુ વિસ્તારોને કવર કરી લેશે, જેના કારણે રાજ્યના મોટાભાગના ભાગોમાં વાવણી લાયક સારો વરસાદ પડવાની પૂરી શક્યતા છે.

વરસાદથી મોટી રાહત મળવાના સંકેતો

છેલ્લા કેટલાક દિવસોથી અસહ્ય ગરમી અને અકળાવનારા બફારાથી ત્રસ્ત બનેલી ગુજરાતની જનતાને હવે આકાશી આફત નહીં પણ અમૃત સમાન વરસાદથી મોટી રાહત મળવાના સંકેતો મળી રહ્યા છે. ચોમાસાના સત્તાવાર આગમનની સાથે જ દક્ષિણ ગુજરાતના વાતાવરણમાં વહેલી સવારથી જ સરસ ઠંડક પ્રસરી ગઈ છે.

વાવણીના પ્રારંભિક ચક્રો ગતિમાન થયા

બીજી તરફ, ખેડૂતોએ પણ ચોમાસાના આ સત્તાવાર પગરવને વધાવી લીધા છે અને રાજ્યભરમાં વાવણીના પ્રારંભિક ચક્રો ગતિમાન થયા છે. અમદાવાદ, ગાંધીનગર અને ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં પણ આગામી 48 કલાકમાં પ્રી-મોન્સૂન એક્ટિવિટી જોર પકડશે અને વાદળછાયા વાતાવરણ વચ્ચે ગમે ત્યારે મેઘરાજા ધમાકેદાર બેટિંગ શરૂ કરશે તેવી આશા સેવાઈ રહી છે. 


આ પણ વાંચો----     Sandesh Digital Explainer : મેઘરાજાની એન્ટ્રીનું કાઉન્ટડાઉન..! જાણો છેલ્લા 10 વર્ષમાં ક્યારે વહેલા પધાર્યા અને ક્યારે કરાવ્યો ભારે ઈન્તેઝાર?

  • Follow us on: