પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંઘર્ષ વચ્ચે અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને ઈરાન સામસામે આવી ગયા છે. ટ્રમ્પના એ દાવાને કે ઈરાન વિરુદ્ધનું યુદ્ધ ટૂંક સમયમાં સમાપ્ત થઈ જશે, ઈરાનના ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (IRGC) એ સખત શબ્દોમાં નકારી કાઢ્યો છે. IRGC એ સ્પષ્ટ કર્યું છે કે, "આ યુદ્ધ ક્યારે અને કેવી રીતે સમાપ્ત થશે તે ફક્ત ઈરાન જ નક્કી કરશે."
અમેરિકાએ અપમાનજનક હારનો સામનો કરવો પડ્યો
IRGC ના પ્રવક્તાએ દાવો કર્યો છે કે અમેરિકાને "અપમાનજનક હાર" નો સામનો કરવો પડ્યો છે. તેમણે કટાક્ષ કરતા કહ્યું કે યુએસ જહાજો અને ફાઈટર જેટ્સ ઈરાની મિસાઈલોના ડરથી ૧,૦૦૦ કિલોમીટર દૂર ભાગી ગયા છે. ઈરાને એવો પણ દાવો કર્યો છે કે USS અબ્રાહમ લિંકન પર મિસાઈલ છોડ્યા બાદ અમેરિકી સૈનિકો ભયભીત થઈને પાછળ હટી ગયા છે.
તેલના પુરવઠા પર જોખમ
ટ્રમ્પે તાજેતરમાં સોશિયલ મીડિયા પર ધમકી આપી હતી કે જો ઈરાન હોર્મુઝની સામુદ્રધુની (Strait of Hormuz) માં તેલનો પુરવઠો રોકશે, તો અમેરિકા ઈરાન પર ૨૦ ગણો વધુ આક્રમક હુમલો કરશે. આના જવાબમાં IRGC એ ચેતવણી આપી છે કે જ્યાં સુધી પરિસ્થિતિ સામાન્ય નહીં થાય, ત્યાં સુધી તેઓ દુશ્મન દેશોને આ પ્રદેશમાંથી એક લિટર તેલ પણ નિકાસ કરવા દેશે નહીં.
વૈશ્વિક અર્થતંત્ર પર અસર
વિશ્વના 20% ક્રૂડ ઓઈલનું પરિવહન હોર્મુઝ સ્ટ્રેટ દ્વારા થાય છે. નવા સર્વોચ્ચ નેતા આયાતુલ્લાહ મોજતબા ખામેનીની નિમણૂક અને આ યુદ્ધની સ્થિતિને કારણે ૨૦૨૨ પછી તેલના ભાવ સર્વોચ્ચ સપાટીએ પહોંચ્યા છે. ટ્રમ્પ ઈરાનને નબળું પાડવા માટે તેના આર્થિક અને સૈન્ય લક્ષ્યો પર હુમલો કરવાની રણનીતિ અપનાવી રહ્યા છે, જે વૈશ્વિક ઉર્જા બજાર માટે અત્યંત ચિંતાજનક છે.
આ પણ વાંચોઃ ટ્રીન ટ્રીન...આજથી 150 વર્ષ પહેલા આજના દિવસે વાગી હતી ટેલિફોનની પહેલી ઘંટડી, જાણો પહેલો જાદુઇ શબ્દ ક્યો હતો?