ઈરાનના દિવંગત સર્વોચ્ચ નેતા આયાતુલ્લાહ અલી ખામેનેઇના અંતિમ સંસ્કાર આંતરરાષ્ટ્રીય રાજકારણના કેન્દ્રમાં આવી ગયા છે. મળતી માહિતી મુજબ, લગભગ 13 દેશોએ કાં તો આ કાર્યક્રમમાં હાજરી આપવાનું ટાળ્યું છે અથવા તો પોતાના પ્રતિનિધિમંડળનું સ્તર ઘટાડી દીધું છે. ઈરાની મીડિયા, ખાસ કરીને તસ્નીમ ન્યૂઝ એજન્સીએ દાવો કર્યો છે કે આ ઘટનાક્રમ પાછળ અમેરિકાનું આક્રમક રાજદ્વારી અભિયાન જવાબદાર છે.
અમેરિકાએ આપી હતી ધમકી
અહેવાલ અનુસાર, વોશિંગ્ટને અંતિમ સંસ્કારના એક સપ્તાહ પહેલા જ વિશ્વના વિવિધ દેશો પર દબાણ લાવવાનું શરૂ કર્યું હતું. આ અભિયાનનું નેતૃત્વ યુએસ સેક્રેટરી ઓફ સ્ટેટ માર્કો રુબિયો કરી રહ્યા હતા. 26 જૂનના રોજ એક ગુપ્ત નિર્દેશ દ્વારા યુએસ રાજદ્વારી મિશનને સૂચના આપવામાં આવી હતી કે, કોઈપણ દેશનું આ સમારોહમાં હાજર રહેવું એ "અનૈતિક કૃત્ય" ગણાશે અને તેની સીધી અસર વોશિંગ્ટન સાથેના તેમના દ્વિપક્ષીય સંબંધો પર પડી શકે છે.
જો અંતિમ સંસ્કારમાં જશે તો....
અમેરિકાની આ રણનીતિ માત્ર મૌખિક ચેતવણીઓ પૂરતી મર્યાદિત નહોતી. અહેવાલો મુજબ, આફ્રિકન દેશોને સ્પષ્ટપણે ચેતવણી આપવામાં આવી હતી કે જો તેઓ તેહરાન જશે, તો તેમને મળતી યુએસ વિકાસ સહાયમાં કાપ મૂકવામાં આવશે. IRGC સાથે સંકળાયેલા સ્ત્રોતો જણાવે છે કે અમેરિકાએ સંબંધોને નુકસાન પહોંચાડવાની 'સ્પષ્ટ ધમકીઓ' આપી હતી. આ દબાણની અસર આરબ જગત પર પણ જોવા મળી હતી, જ્યાં લગભગ પાંચ આરબ દેશોને પણ અંતિમ સંસ્કારથી દૂર રહેવા માટે કહેવામાં આવ્યું હતું.
અમેરિકાની રાજદ્વારાી દખલગીરી
આ સમગ્ર ઘટના દર્શાવે છે કે આંતરરાષ્ટ્રીય મંચ પર મધ્ય-પૂર્વની રાજનીતિ કેટલી જટિલ છે. ઈરાન આને અમેરિકાની 'રાજદ્વારી દખલગીરી' તરીકે જોઈ રહ્યું છે, જેનો હેતુ ઈરાનના પ્રભાવને ઘટાડવાનો છે. બીજી તરફ, વોશિંગ્ટન આ પગલાંને પોતાના વ્યૂહાત્મક હિતો અને ઈરાનની વિચારધારા પ્રત્યેના વિરોધના ભાગરૂપે જોઈ રહ્યું છે. અંતિમ સંસ્કારમાં આટલી મોટી સંખ્યામાં દેશોની ગેરહાજરી એ વાતની સાબિતી છે કે વૈશ્વિક શક્તિઓના દબાણ સામે નાના અને વિકાસશીલ દેશો કેટલી મુશ્કેલીથી પોતાની સ્વતંત્ર વિદેશ નીતિ જાળવી શકે છે.
આ પણ વાંચોઃ Jammu Kashmir માં વરસાદનું રૌદ્ર સ્વરૂપ, કાટમાળ નીચે દટાયા વાહનો, મુખ્ય માર્ગો બંધ