અમેરિકા સાથેના યુદ્ધ વચ્ચે ઈરાને સમગ્ર દુનિયાને પોતાની સૈન્ય શક્તિની ઝલક બતાવી છે. ઈરાની સેનાએ માત્ર પોતાની ભૂગર્ભ મિસાઇલ સિટીનો વીડિયો જ જાહેર નથી કર્યો, પરંતુ એવા હથિયારની પણ ઝલક બતાવી છે, જે એકસાથે બે મિસાઇલ ફાયર કરી શકે છે.

આ ડ્યુઅલ મિસાઇલ લોન્ચર સામે આવતાં જ દુનિયાભરમાં ચર્ચા શરૂ થઈ ગઈ છે. ઈરાની સૈન્ય સંગઠન IRGCના કમાન્ડર-ઇન-ચીફ મેજર જનરલ અહમદ વાહિદીએ મિસાઇલ સિટીનો વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે.

તેમણે અમેરિકાને ચેતવણી આપતાં લખ્યું કે આ તો માત્ર શરૂઆત છે. બીજી તરફ, ઈરાનની ભૂગર્ભ 'મિસાઇલ સિટી'ની તસવીરોએ દુનિયાભરના સંરક્ષણ નિષ્ણાતોનું ધ્યાન ખેંચ્યું છે.

ઈરાનની મિસાઇલ સિટીએ મચાવી હલચલ

ઈરાની કમાન્ડર દ્વારા શેર કરવામાં આવેલા વીડિયોમાં સૈંકડો મિસાઇલો જોવા મળી રહી છે. મિસાઇલોના વિશાળ જથ્થા વચ્ચે ડ્યુઅલ મિસાઇલ લોન્ચરે સંરક્ષણ નિષ્ણાતોનું ખાસ ધ્યાન ખેંચ્યું છે. નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, આ લોન્ચરમાં એકસાથે બે લિક્વિડ-ફ્યુઅલ મિસાઇલો લોડ કરી શકાય છે અને બંનેને એકસાથે ફાયર કરવાની ક્ષમતા છે.

ઈરાની સમાચાર એજન્સી તસ્નીમના અહેવાલ મુજબ, IRGCના કમાન્ડર-ઇન-ચીફ અહમદ વાહિદીની ભૂગર્ભ મિસાઇલ ઠેકાણાની આ પ્રથમ મુલાકાત હતી. તેમની સાથે IRGCની એરોસ્પેસ ફોર્સના કમાન્ડર મજીદ મૌસવી પણ હાજર હતા.

https://x.com/IrnaEnglish/status/2124114846799065228?a=iZ3xNANXa8CxlP6U-Vg&s=20

અમેરિકાને આપી સ્પષ્ટ ચેતવણી

મિસાઇલ સિટીનું નિરીક્ષણ કર્યા બાદ અહમદ વાહિદીએ અમેરિકાને કડક સંદેશ આપ્યો હતો. તેમણે કહ્યું કે દુશ્મન સાંભળી લે, આ તો માત્ર શરૂઆત છે. તેમની સાથે IRGC એરોસ્પેસ ફોર્સના કમાન્ડર મજીદ મૌસવીએ પણ અમેરિકાને ચેતવણી આપી હતી.

તેમણે કહ્યું કે તેમની સેના દરેક મિશન માટે સંપૂર્ણ રીતે તૈયાર છે. કમાન્ડર-ઇન-ચીફનો આદેશ મળતાં જ સશસ્ત્ર દળોના જવાનો દુશ્મન પર હુમલો કરવા તૈયાર છે. તેમણે એવો પણ દાવો કર્યો કે તેમની સેના દુનિયાના કોઈપણ ખૂણામાં હુમલો કરવાની ક્ષમતા ધરાવે છે.

અમેરિકાના F-16 વિમાનને તોડી પાડવાનો દાવો

આ પહેલાં ઈરાને અમેરિકાના F-16 ફાઇટર જેટને તોડી પાડવાનો દાવો કર્યો હતો. ઈરાની સેનાએ એક વીડિયો જાહેર કરીને જણાવ્યું હતું કે તેમની એર ડિફેન્સ સિસ્ટમને ફારસની ખાડીમાં અમેરિકાના F-16 વિમાનને તોડી પાડવામાં સફળતા મળી છે.

ઈરાની સેનાએ જાહેર કરેલા વીડિયોમાં એક મિસાઇલ ઝડપથી પોતાના લક્ષ્ય તરફ આગળ વધતી જોવા મળે છે. ત્યારબાદ વિમાનની નજીક મોટો વિસ્ફોટ થતો દેખાય છે. જોકે, આ દાવો સ્વતંત્ર રીતે પુષ્ટિ થયેલો નથી.

આ પણ વાંચો:Diljit Dosanjhનો ફેનને મોટો વાયદો: “હું જ્યાં સુધી ગાઈશ, ત્યાં સુધી તમારી ટિકિટ ફ્રી રહેશે”