મધ્ય પૂર્વમાં લાંબા સમયથી ચાલી રહેલા તણાવ બાદ અમેરિકા અને ઈરાન વચ્ચે પ્રસ્તાવિત શાંતિ કરાર વિશ્વ માટે એક નવી આશા લઈને આવ્યો છે. પાકિસ્તાનની મધ્યસ્થી દ્વારા બંને દેશો વચ્ચે સંઘર્ષ વિરામ માટેની સમજૂતી થઈ છે, જેના પર ટૂંક સમયમાં સ્વિટ્ઝર્લેન્ડમાં હસ્તાક્ષર થવાની શક્યતા છે. જો આ શાંતિ કરાર સફળતાપૂર્વક અમલી બને અને હોર્મુઝ સ્ટ્રેટ ફરીથી સંપૂર્ણ રીતે ખૂલી જાય, તો ભારત માટે આર્થિક, ઊર્જા સુરક્ષા અને વ્યૂહાત્મક રીતે એક નવો યુગ શરૂ થઈ શકે છે.


ભારત માટે હોર્મુઝનું મહત્વ

ભારત પોતાની ઊર્જા જરૂરિયાતો માટે મોટાભાગે આયાત પર નિર્ભર છે. દેશની તેલ અને ગેસની કુલ જરૂરિયાતનો 90% હિસ્સો આયાત કરવામાં આવે છે, જેમાંથી 60% થી વધુ ક્રૂડ ઓઇલ ગલ્ફ દેશોમાંથી આવે છે. આ તેલનો અડધો હિસ્સો હોર્મુઝ સ્ટ્રેટ થઈને ભારત પહોંચે છે. તેથી, આ જળમાર્ગ પર સ્થિરતા હોવી ભારત માટે અસ્તિત્વ જેટલી જ મહત્વપૂર્ણ છે.

ભારતને થનારા 10 મુખ્ય ફાયદા

પેટ્રોલ-ડીઝલના ભાવમાં ઘટાડો: હોર્મુઝ સ્ટ્રેટમાં દરિયાઈ અવરજવર સરળ થવાથી ક્રૂડ ઓઇલના સપ્લાયમાં વધારો થશે, જેની સીધી અસર પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો રૂપે જોવા મળી શકે છે.

આર્થિક રાહત: આયાત બિલ ઘટવાથી વિદેશી મુદ્રા ભંડાર બચશે અને દેશમાં ફુગાવાનું દબાણ ઘટશે.

ગુણવત્તાયુક્ત ઈરાની તેલ: ઈરાની ક્રૂડ ઓઇલમાં સલ્ફરનું પ્રમાણ ઓછું હોવાથી તે ભારતની રિફાઇનરીઓ માટે આદર્શ છે.

ગેસ અને ખાતર: ગેસ અને ખાતરના પુરવઠામાં સ્થિરતા આવતા કૃષિ અને ઉદ્યોગ ક્ષેત્રે રાહત થશે.

10 મિલિયન ભારતીયોની સુરક્ષા: ગલ્ફ દેશોમાં કાર્યરત કરોડો ભારતીયો માટે આ શાંતિ સુરક્ષા અને રોજગારની ગેરંટી સમાન છે.

રેમિટન્સમાં સ્થિરતા: ત્યાં કામ કરતા ભારતીયો દ્વારા મોકલવામાં આવતા નાણાં (રેમિટન્સ) પર કોઈ જોખમ નહીં રહે.

નાવિકોની સુરક્ષા: વેપારી જહાજો અને ભારતીય નાવિકો માટે હોર્મુઝ માર્ગ સુરક્ષિત બનશે.

ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સ: ચાબહાર અને બંદર અબ્બાસ જેવા વ્યૂહાત્મક પ્રોજેક્ટ્સ કે જે યુદ્ધને કારણે અટવાયેલા હતા, તેને ફરી વેગ મળશે.

વેપારમાં સરળતા: દરિયાઈ માર્ગે થતા વેપારમાં અનિશ્ચિતતા ઘટવાથી લોજિસ્ટિક્સ ખર્ચમાં ઘટાડો થશે.

વ્યૂહાત્મક પ્રભુત્વ: મધ્ય પૂર્વમાં સ્થિરતા ભારતની પકડ મજબૂત કરશે, જે ચીન અને પાકિસ્તાનના વધતા પ્રભાવને નાથવા માટે ખૂબ જરૂરી છે.

કરાર ભારત માટે એક સુવર્ણ તક

જોકે આ કરારની સંપૂર્ણ શરતો, પરમાણુ કાર્યક્રમ અને આર્થિક પેકેજ અંગે હજુ ઘણી સ્પષ્ટતા બાકી છે, પરંતુ આ કરાર ભારત માટે એક સુવર્ણ તક છે. જો આ સફળતાપૂર્વક લાગુ થાય, તો તે માત્ર ભારતીય ગ્રાહકો માટે સસ્તું તેલ જ નહીં લાવે, પરંતુ એક શક્તિશાળી આર્થિક અને વ્યૂહાત્મક મંચ પર ભારતનું સ્થાન વધુ દ્રઢ કરશે. આ ઘટનાક્રમ ચોક્કસપણે ચીન અને પાકિસ્તાનના પ્રાદેશિક પ્રભાવ માટે એક આઘાતજનક પરિસ્થિતિ ઊભી કરી શકે છે.

આ પણ વાંચોઃ Iran US Peace deal : ટ્રમ્પ નેતન્યાહૂ સામે ઇરાનનું આકરૂં વલણ, આ 2 મુદ્દે અટકી શકે છે અમેરિકા ઇરાન પીસ ડીલ! 

  • Follow us on: