ઈરાન અને અમેરિકા વચ્ચેના વર્ષો જૂના તણાવને ઘટાડવા માટેની દિશામાં એક મહત્વપૂર્ણ વળાંક આવ્યો છે. સ્વિટ્ઝર્લૅન્ડમાં યોજાયેલી ઉચ્ચ-સ્તરીય વાટાઘાટોના પ્રથમ તબક્કે મળેલી સફળતા બાદ, બંને દેશો હવે આગામી 60 દિવસમાં એક અંતિમ કરાર સુધી પહોંચવા માટે સહમત થયા છે. લેક લ્યુસર્નમાં વરિષ્ઠ અધિકારીઓ વચ્ચે થયેલી 18 કલાકની મેરેથોન બેઠક બાદ, એક 14-મુદ્દાના સમજૂતી કરાર (MoU) પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે, જે વોશિંગ્ટન અને તેહરાન વચ્ચે લાંબા ગાળાના શાંતિ માળખા માટે પાયો નાખે છે.


પરિસ્થિતિ પર વૈશ્વિક નજર

આ શાંતિ પ્રક્રિયામાં ઈરાને હોર્મુઝના મુદ્દે એક મહત્વપૂર્ણ નિવેદન આપીને આંતરરાષ્ટ્રીય સમુદાયનું ધ્યાન ખેંચ્યું છે. બીજી તરફ, અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે નેતન્યાહૂ અંગેના પ્રશ્ન પર સીધો જવાબ આપવાનું ટાળતા જણાવ્યું હતું કે, "હું શું કરવાનો છું તે અત્યારે નહીં કહું." ટ્રમ્પની આ રહસ્યમયી શૈલીએ રાજકીય ગલિયારાઓમાં અનેક અટકળોને જન્મ આપ્યો છે.

રાજકીય વિરોધ અને ટીકાઓ

આ વાટાઘાટો સરળ નથી. અમેરિકામાં ડેમોક્રેટિક પાર્ટીના સભ્યોએ ટ્રમ્પ વહીવટીતંત્રની આકરી ટીકા કરી છે. હાઉસ ફોરેન અફેર્સ કમિટીના ડેમોક્રેટ્સે આરોપ લગાવ્યો છે કે, ટ્રમ્પે ઈરાનના પરમાણુ કાર્યક્રમ કે આતંકવાદી પ્રોક્સીઓ મુદ્દે કોઈ નક્કર પ્રગતિ થાય તે પહેલાં જ ઈરાનને પ્રતિબંધોમાં રાહત આપી દીધી છે. તેઓનું માનવું છે કે, આ પગલું ટ્રમ્પના પોતાના પૂર્વ વચનોની વિરુદ્ધ છે, જેમાં તેમણે પરમાણુ કાર્યક્રમ પર નિયંત્રણ લાવ્યા બાદ જ રાહત આપવાની વાત કરી હતી.

ગાલિબાફનો બચાવ

ટીકાકારોને જવાબ આપતા ઈરાનના મુખ્ય વાટાઘાટકારે, મોહમ્મદ બાકર ગાલિબાફે ટ્વિટર (X) પર આકરા શબ્દોમાં સ્પષ્ટતા કરી છે. તેમણે જણાવ્યું કે, સ્વિટ્ઝર્લૅન્ડ જવાનો નિર્ણય કોઈ શોખ નહીં પણ જરૂરિયાત હતી. ગાલિબાફે કહ્યું, "અમે સ્વિટ્ઝર્લૅન્ડ ગયા હતા કારણ કે લેબનોનમાં ઈઝરાયલ દ્વારા થઈ રહેલા રક્તપાતને રોકવો અત્યંત આવશ્યક હતો. જો અમે આ વાટાઘાટો ન કરી હોત, તો વધુ નિર્દોષ મુસ્લિમો અને શિયાઓના લોહી વહ્યા હોત." આ મંત્રણાઓ મધ્ય-પૂર્વની બદલાતી ભૂ-રાજકીય સ્થિતિનું પ્રતિબિંબ છે. 60 દિવસનો આ 'શાંતિ રોડમેપ' સફળ થશે કે કેમ, તે તો સમય જ કહેશે, પરંતુ અત્યારે તમામની નજર ટ્રમ્પના આગામી પગલાં અને નેતન્યાહૂના વલણ પર ટકેલી છે.

આ પણ વાંચોઃ Lucknow Fire Incident : 10 વર્ષ પહેલા તોડવાનો આદેશ પરંતુ.....બેદરકારીને કારણે 15 નિર્દોષોનો ગયો જીવ!



  • Follow us on: