Iran US War: ઈરાન અને અમેરિકા વચ્ચે જંગ ખતમ કરવા માટે ફરીથી વાતચીત શરૂ થઈ ગઈ છે. બુધવારે ન્યૂયોર્કમાં કતારની મધ્યસ્થીમાં અમેરિકા અને ઈરાનના દૂત એકબીજાને મળ્યા હતા. ઈરાનનું કહેવું છે કે તેણે ફરી એકવાર અમેરિકાને પોતાની 5 શરતો જણાવી દીધી છે. ઈરાને કહ્યું કે હવે અમેરિકાએ નિર્ણય લેવાનો છે. અમે યુદ્ધ ખતમ કરવા માટે તૈયાર છીએ. ઈરાન અને અમેરિકા વચ્ચે ફેબ્રુઆરી 2026માં યુદ્ધ શરૂ થયું હતું. ત્યારબાદ બંને દેશોએ એપ્રિલમાં યુદ્ધવિરામ કર્યો હતો. જોકે, ઓગસ્ટમાં અમેરિકાએ ઈરાન વિરુદ્ધ ફરીથી નાકાબંધી લગાવી દીધી હતી.

ઈરાનની 5 નવી શરતો શું છે?

  1. મિડલ ઈસ્ટમાં તમામ મોરચા પર યુદ્ધ ખતમ કરવામાં આવે. તેનો અર્થ છે કે હૂતી લડાકુઓ વિરુદ્ધ સાઉદીની કાર્યવાહી પણ રોકવામાં આવે. સાથે જ લેબનોનમાં ઈઝરાયેલના ચાલી રહેલા હુમલા પણ બંધ કરવામાં આવે.
  2. ઈરાનની બીજી શરત છે કે તેની વિરુદ્ધ અમેરિકાની આક્રમક કાર્યવાહી ખતમ કરવામાં આવે. સાથે જ એવી ગેરંટી આપવામાં આવે કે અમેરિકા કોઈપણ સ્થિતિમાં કરાર તોડશે નહીં.
  3. ઈરાને હોર્મુઝની બહાર લાગેલી અમેરિકાની નૌસેનાની નાકાબંધીને તરત ખતમ કરવાની માંગ કરી છે. આ નાકાબંધીના કારણે ઈરાનના તેલના વેચાણમાં ઘટાડો થયો છે.
  4. ઈરાન વિરુદ્ધ લગાવવામાં આવેલા તમામ પ્રતિબંધો ખતમ કરવાની માંગ કરી છે. ઈરાનનું કહેવું છે કે આર્થિક યુદ્ધને સંપૂર્ણ રીતે સમાપ્ત કરવામાં આવે.
  5. ઈરાનના પૈસા જે દેશોમાં ફ્રીઝ કરવામાં આવ્યા છે, તેને તરત અનફ્રીઝ કરવામાં આવે. આ પૈસા કતારના માધ્યમથી ઈરાનના ખાતામાં મોકલવાની માંગ કરવામાં આવી છે.

7 દિવસમાં હોર્મુઝ ખોલવાનું વચન

ઈરાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા ઈસ્માઈલ બાઘેઈનું કહેવું છે કે જો સમજૂતી થાય છે તો ઈરાન 7 દિવસ બાદ હોર્મુઝને સંપૂર્ણ રીતે ખોલી દેશે. ઈરાને આ પહેલ એવા સમયે કરી છે, જ્યારે અમેરિકા તેહરાન પર ફરીથી હુમલો શરૂ કરવાની યોજના બનાવી રહ્યું છે. બીજી તરફ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એક નિવેદનમાં કહ્યું કે અમે મિડટર્મ ઈલેક્શન બાદ યુદ્ધ ખતમ કરી દઈશું. અમેરિકામાં ઓક્ટોબર મહિનામાં મિડટર્મ ઈલેક્શન પ્રસ્તાવિત છે.

આ પણ વાંચો: Iranian Airlines પર વૈશ્વિક પ્રતિબંધ! ભારત માટે કેમ મુશ્કેલ બની શકે સ્થિતિ?