છેલ્લા 24 કલાકમાં મધ્ય પૂર્વના રાજકારણમાં એક અભૂતપૂર્વ પલટો જોવા મળ્યો છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ, જેમણે ગઈકાલે જ ઈરાનની સંસ્કૃતિ અને સભ્યતાનો નાશ કરવાની ભયાનક ચેતવણી આપી હતી, તેમણે હવે પોતાનું વલણ સંપૂર્ણપણે બદલી નાખ્યું છે. ટ્રમ્પે હવે ઈરાનને યુદ્ધના નુકસાનમાંથી બહાર લાવવા અને દેશના પુનઃનિર્માણમાં અમેરિકા તરફથી તમામ પ્રકારની સહાય આપવાની જાહેરાત કરી છે.

ધમકીથી શાંતિ સુધીની સફર

ટ્રમ્પના આ યુ-ટર્ને વૈશ્વિક સમુદાયને ચોંકાવી દીધો છે. અગાઉ, જ્યારે ઈરાને અમેરિકી શરતો માનવાનો ઈનકાર કર્યો હતો, ત્યારે ટ્રમ્પે અત્યંત આક્રમક ભાષાનો પ્રયોગ કર્યો હતો. પરંતુ બે અઠવાડિયાના યુદ્ધવિરામની જાહેરાત બાદ, ટ્રમ્પે સોશિયલ મીડિયા પર આ દિવસને "વિશ્વ શાંતિ માટે મોટો દિવસ" ગણાવ્યો છે. તેમણે લખ્યું કે ઈરાન હવે શાંતિના માર્ગે છે અને અમેરિકા તેને જરૂરી સાધન-સામગ્રી અને પુરવઠો પૂરો પાડીને ફરી બેઠું કરવામાં મદદ કરશે.

ઈરાનની શરતો અને હોર્મુઝ સ્ટ્રેટ

આ પરિવર્તન પાછળ ઈરાનનો 10-મુદ્દાનો પ્રસ્તાવ મુખ્ય હોવાનું મનાય છે. ઈરાને સ્પષ્ટ કર્યું હતું કે તેઓ હોર્મુઝ સ્ટ્રેટ પર પોતાનું નિયંત્રણ જાળવી રાખશે અને યુરેનિયમ સંવર્ધન ચાલુ રાખશે. ટ્રમ્પે હવે હોર્મુઝ સ્ટ્રેટમાં ટ્રાફિકને સામાન્ય બનાવવા માટે સહકાર આપવાની ખાતરી આપી છે. રાજકીય નિષ્ણાતો માની રહ્યા છે કે ટ્રમ્પે ઈરાનની મોટાભાગની શરતો સ્વીકારી લીધી છે, જેના કારણે આ યુદ્ધવિરામ શક્ય બન્યો છે.

ટ્રમ્પનો વિજયનો દાવો

ભલે તેમણે વલણ નરમ પાડ્યું હોય, પરંતુ ટ્રમ્પ હજુ પણ આને અમેરિકાનો "સંપૂર્ણ અને સંપૂર્ણ વિજય" ગણાવી રહ્યા છે. એક ઇન્ટરવ્યુ દરમિયાન તેમણે દાવો કર્યો કે અમેરિકાએ તેના તમામ સૈન્ય ઉદ્દેશ્યો પ્રાપ્ત કરી લીધા છે. ઈરાનના પરમાણુ કાર્યક્રમ અંગે હજુ પણ રહસ્ય અકબંધ છે, પરંતુ ટ્રમ્પે સંકેત આપ્યો છે કે એક ગુપ્ત કરાર દ્વારા તેને નિયંત્રિત કરવામાં આવશે.

આ પણ વાંચોઃ વ્યાજદરમાં કોઈ ફેરફાર નહીં! RBIએ રેપો રેટ 5.25 પર યથાવત રાખ્યો, જાણો તમારા ખિસ્સા પર શું થશે અસર?