2026ના ઈરાન યુદ્ધમાં એક નવો અને મહત્વપૂર્ણ મોડ આવ્યો છે. બહરીન અને કુવૈતે ગુપ્ત રીતે પોતાના ફાઈટર જેટ્સ ઈરાનની સીમામાં મોકલીને તેના સૈન્ય મથકો પર બોમ્બમારો કર્યો હતો. ગલ્ફ કન્ટ્રીઝ તરફથી ઈરાન સામે આ સૌથી મોટું પગલું માનવામાં આવી રહ્યું છે. UAE એ આ હુમલાઓમાં ટાર્ગેટ નક્કી કરવા માટે સચોટ માહિતી આપી હતી અને ફાઈટર વિમાનોને સુરક્ષા કવર પૂરું પાડ્યું હતું. આ ઘટના દર્શાવે છે કે લાંબા સમયથી ચાલી રહેલા આ યુદ્ધે આરબ દેશોને કેટલી મુશ્કેલ સ્થિતિમાં મૂકી દીધા છે.

પહેલાં આ દેશો પરોક્ષ (અપ્રત્યક્ષ) રીતે યુદ્ધમાં સામેલ હતા, પરંતુ હવે તેઓએ સીધા જ ઈરાનનો સામનો કરવાનું શરૂ કરી દીધું છે. આ હુમલા ચાલુ મહિનાની શરૂઆતમાં કરવામાં આવ્યા હતા, જેમાં ઈરાનના ડ્રોન અને મિસાઈલ સ્ટોરેજ ડેપો સહિતના અનેક સૈન્ય મથકોને નિશાન બનાવવામાં આવ્યા હતા. આ આરબ દેશોની નવી વ્યૂહરચનાનો સંકેત છે, જ્યાં તેઓ ઈરાનના વધતા ખતરા સામે હવે એકજૂથ થઈ રહ્યા છે.

લાંબા ખેંચાયેલા યુદ્ધથી અખાતી દેશો ચિંતિત

ઈરાન સાથેનું યુદ્ધ લાંબુ ખેંચાતા અખાતી દેશોની ચિંતા સતત વધી રહી છે. આ પહેલા ઈરાને બહરીન અને કુવૈત પર ડ્રોન અને મિસાઈલ વડે હુમલા કર્યા હતા, જેમાં અમેરિકી સૈન્ય મથકો અને તેલ ક્ષેત્રો (ઓઈલ ફેસિલિટીઝ)ને નિશાન બનાવવામાં આવ્યા હતા. આ હુમલાના જવાબરૂપે જ હવે બહરીન અને કુવૈતે વળતો પ્રહાર કર્યો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર આ સમગ્ર ઓપરેશન અત્યંત ગુપ્ત રીતે અંજામ આપવામાં આવ્યું હતું.

બહરીન અને કુવૈતના ફાઈટર જેટ્સે ઈરાનની સરહદમાં ઘૂસીને તેના ડ્રોન અને મિસાઈલો રાખવાના ગોડાઉનો પર ભારે બોમ્બમારો કર્યો હતો. આમાં UAE ની ભૂમિકા ખૂબ મહત્વની રહી – તેણે ટાર્ગેટની ચોક્કસ માહિતી આપી અને હુમલો કરનારા વિમાનોને એર કવર પૂરું પાડ્યું. યુદ્ધની શરૂઆતમાં હાથ ધરેલા ઓપરેશન બાદ UAE ની આ ફરી એકવાર સક્રિય ભૂમિકા જોવા મળી છે.આ ઘટના આરબ દેશો વચ્ચેના સહયોગની નવી શરૂઆત સમાન છે. અગાઉ દરેક દેશ અલગ-અલગ રહીને અમેરિકાનો સાથ આપતો હતો, પરંતુ હવે તેઓ ઈરાન સામે એક થઈને કામ કરી રહ્યા છે.

આરબ દેશોની મજબૂરી અને બદલાતી રણનીતિ

ગલ્ફ દેશો લાંબા સમયથી ઈરાન તરફથી ખતરો અનુભવી રહ્યા છે. ઈરાન સમર્થિત મિલિશિયા, હૂથી બળવાખોરો અને ઈરાનના સીધા હુમલા તેમના તેલની નિકાસ, સુરક્ષા અને અર્થતંત્રને ભારે નુકસાન પહોંચાડી રહ્યા છે. 2026નું યુદ્ધ શરૂ થયા પછી ઈરાને ગલ્ફ દેશોને પણ નિશાન બનાવવાનું શરૂ કર્યું હતું.

બહરીનમાં અમેરિકી નૌકાદળ (US Navy)નું વડું મથક છે, જ્યારે કુવૈતમાં મોટા અમેરિકી સૈન્ય બેઝ આવેલા છે. UAE પણ અમેરિકાનો અગ્રણી સહયોગી દેશ છે. હવે આરબ દેશોએ સ્વીકારી લીધું છે કે ચૂપ રહેવાથી કામ નહીં ચાલે. જો તેઓ ઈરાનને જવાબ નહીં આપે, તો ઈરાન વધુ આક્રમક બનશે. બહરીન અને કુવૈતના હુમલા આ જ વિચારસરણીનું પરિણામ છે. જેને નિષ્ણાતો "આરબ રેકનીંગ" કહી રહ્યા છે – એટલે કે આરબ દેશો હવે યુદ્ધની વાસ્તવિકતા સમજીને સક્રિય થઈ રહ્યા છે.UAE નો સહયોગ આ માટે મહત્વપૂર્ણ છે કારણ કે તેની પાસે અત્યાધુનિક ઈન્ટેલિજન્સ નેટવર્ક અને મજબૂત એરફોર્સ છે. આનાથી ભવિષ્યમાં આરબ દેશોનું એક અનૌપચારિક ગઠબંધન બની શકે છે જે ઈરાનનો સામનો કરશે.

ભવિષ્યના પડકારો અને પ્રાદેશિક અસર

આ હુમલાઓમાં મુખ્યત્વે ઈરાનના ડ્રોન અને મિસાઈલ સ્ટોરેજ સેન્ટરોને નિશાન બનાવાયા હતા. આ સેન્ટરો ઈરાનની હુમલો કરવાની ક્ષમતા માટે અત્યંત મહત્વના છે. તેને નષ્ટ કરવાથી ગલ્ફ દેશો પર ઈરાનના હુમલા કરવાની ક્ષમતા ઘટી શકે છે. આ હુમલાઓ ભલે સીમિત હતા, પણ તેમનો સંદેશ સ્પષ્ટ છે – અખાતી દેશો હવે હાથ પર હાથ ધીરીને બેસી નહીં રહે.બીજી તરફ, ઈરાને આ હુમલાઓની સખત નિંદા કરી છે અને વળતી કાર્યવાહી કરવાની ધમકી આપી છે, જેનાથી યુદ્ધ વધુ ભીષણ બની શકે છે. નિષ્ણાતોનું કહેવું છે કે આવા હુમલા ઈરાનની આર્થિક અને સૈન્ય ક્ષમતા પર ભારે દબાણ ઊભું કરે છે. ઈરાન પહેલાથી જ અમેરિકા અને ઈઝરાયેલના હુમલાઓનો સામનો કરી રહ્યું છે, તેમાં જો અખાતી દેશો પણ સીધા જોડાય તો ઈરાન ચારેય તરફથી ઘેરાઈ શકે છે.

આ ઘટના ગલ્ફ કોઓપરેશન કાઉન્સિલ (GCC) દેશો વચ્ચે વધતા તાલમેલને દર્શાવે છે. સાઉદી અરેબિયા, UAE, બહરીન અને કુવૈત ઈરાનના વિસ્તારવાદથી ચિંતિત છે. યુદ્ધ લાંબુ ખેંચાવાથી તેમનો ઓઈલ બિઝનેસ, શિપિંગ રૂટ્સ, પ્રવાસન અને રોકાણ પર વિપરીત અસર પડી રહી છે.તજજ્ઞોનું માનવું છે કે જો આવા હુમલા ચાલુ રહેશે તો ઈરાનને વાટાઘાટોની ટેબલ પર આવવા મજબૂર થવું પડી શકે છે. પરંતુ હાલમાં તો બંને પક્ષો અત્યંત આક્રમક વલણ અપનાવી રહ્યા છે.

આ પણ વાંચો: આસિમ મુનીરના હાથમાં પરમાણુ હથિયારોનું નિયંત્રણ, PM હવે માત્ર ‘શોપીસ’ બની રહ્યા