ઈરાન અને અમેરિકા વચ્ચે ચાલી રહેલી શાંતિ વાટાઘાટોની વચ્ચે એક અત્યંત ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો છે. 'ન્યૂયોર્ક ટાઈમ્સ'ના અહેવાલમાં અમેરિકન અધિકારીઓના હવાલાથી દાવો કરાયો છે કે, અમેરિકા અને ઈઝરાયેલનો એક ગુપ્ત પ્લાન અયાતુલ્લા અલી ખામીનેઈને હટાવીને ઈરાનના પૂર્વ રાષ્ટ્રપતિ મહમૂદ અહમદીનેજાદને ઈરાનના આગામી 'સુપ્રીમ લીડર' બનાવવાનો હતો. ઈઝરાયેલના વિનાશના નારા લગાવનારા કટ્ટરપંથી અહમદીનેજાદ માટે અમેરિકા-ઈઝરાયેલે સંયુક્ત બ્લુપ્રિન્ટ પણ તૈયાર કરી હતી, પરંતુ યુદ્ધ દરમિયાન આ પ્લાન ફેલ થઈ ગયો. હાલમાં ઈઝરાયેલી હુમલા બાદથી અહમદીનેજાદ ગાયબ હોવાનું કહેવાય છે.
પરંતુ સવાલ એ થાય છે કે, અમેરિકા અને ઈઝરાયેલ એક કટ્ટરપંથી નેતાને કેમ પસંદ કરી રહ્યા હતા? તેના મુખ્ય કારણો નીચે મુજબ છે:
1. સિસ્ટમની અંદર પકડ અને જનતામાં લોકપ્રિયતા
કૂટનીતિક નિષ્ણાતોના મતે, ઈરાનના પૂર્વ શાહના પુત્ર રઝા પહેલવી યુરોપમાં લોબિંગ કરી રહ્યા હતા, પરંતુ અમેરિકા તેમનાથી નારાજ હતું. તેની સરખામણીમાં અહમદીનેજાદ ઈરાનની સિસ્ટમની અંદરથી આવે છે અને તેઓ ૨ વાર રાષ્ટ્રપતિ રહી ચૂક્યા છે. ઈરાનની સામાન્ય જનતા અને શક્તિશાળી 'ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ' (IRGC) ની અંદર તેમની પકડ ઘણી મજબૂત માનવામાં આવે છે.
2. કટ્ટરપંથી છતાં સમજૂતીવાદી વલણ
તેલ-અવીવના ઇન્સ્ટિટ્યૂટ ઓફ નેશનલ સિક્યોરિટી સ્ટડીઝના ડિરેક્ટર રાજ જિમ્મતના જણાવ્યા અનુસાર, અહમદીનેજાદની છબી ગરીબોના મસિહા જેવી લોકપ્રિય નેતાની રહી છે. તેઓ પોતે ભલે કટ્ટર ઈઝરાયેલ વિરોધી નિવેદનો આપતા હતા, પરંતુ તેમની કેબિનેટમાં એવા લોકો પણ સામેલ હતા જેઓ ઈઝરાયેલ સાથે સમજૂતી ઈચ્છતા હતા. અહમદીનેજાદે વિરોધ છતાં તે મંત્રીઓને હટાવ્યા નહોતા, જે અમેરિકા માટે મોટો આશાસ્પદ સંકેત હતો.
મુજતબા ખામીનેઈ બન્યા સુપ્રીમ લીડર
આ તમામ ગુપ્ત યોજનાઓ વચ્ચે, ૨૮ ફેબ્રુઆરીના રોજ ઈરાનના સુપ્રીમ લીડર અયાતુલ્લા અલી ખામીનેઈની હત્યા બાદ ઈરાનનું રાજકારણ બદલાઈ ગયું છે. તખ્તાપલટની આશંકાઓ વચ્ચે ૬ માર્ચે અયાતુલ્લાના પુત્ર મુજતબા ખામીનેઈને ઈરાનના નવા સુપ્રીમ લીડર જાહેર કરવામાં આવ્યા છે. અમેરિકાએ પણ આ નવી વ્યવસ્થાને સ્વીકારી લીધી છે, અને ડોનાલ્ડ ટ્રમ્પે મુજતબાને તેમના પિતા કરતા ઓછા કટ્ટરપંથી અને સમજદાર પ્રશાસક ગણાવ્યા છે.
આ પણ વાંચો:Indian Railways: ટ્રેનોમાં આગ લાગવા પાછળ અસામાજિક તત્વોનું મોટું ષડયંત્ર? તપાસમાં થયા ચોંકાવનારા ખુલાસા