વૈશ્વિક વેપાર માટે અત્યંત મહત્વપૂર્ણ ગણાતા હોર્મુઝ સ્ટ્રેટ (Strait of Hormuz) પર ઈરાન હવે પકડ મજબૂત કરવા જઈ રહ્યું છે. ઈરાને આ દરિયાઈ માર્ગ પરથી પસાર થતા જહાજો પર નવી 'સર્વિસ ફી' લાદવાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. તેહરાનનું કહેવું છે કે મુશ્કેલ સમયમાં ઈરાનની પડખે ઉભા રહેનારા મિત્ર દેશોને આ નવી વ્યવસ્થામાં વિશેષ રાહત કે છૂટછાટ મળી શકે છે. બીજી તરફ, અમેરિકી સત્તાવાળાઓનો દાવો છે કે તણાવ વચ્ચે પણ આ માર્ગ પરથી જહાજોની અવરજવર ચાલુ છે, પરંતુ ઈરાની દળો રેડિયો દ્વારા જહાજોને ડરાવવાનો પ્રયાસ કરી રહ્યા છે.

ઓમાન સાથે ઈરાન બનાવી રહ્યું છે નવી વ્યવસ્થા

ચીનમાં આયોજિત વર્લ્ડ પીસ ફોરમ દરમિયાન ઈરાનના રાજદૂત અબ્દોલરેઝા રહેમાની ફઝલીએ સંકેત આપ્યા હતા કે ઈરાન અને ઓમાન સંયુક્ત રીતે આ મહત્વપૂર્ણ દરિયાઈ માર્ગ માટે એક નવો નિયમ તૈયાર કરી રહ્યા છે. આ અંતર્ગત જહાજો પાસેથી સર્વિસ ફી લેવામાં આવશે, તેમની અવરજવર પર કડક નજર રાખવામાં આવશે અને દરિયાઈ પર્યાવરણની સુરક્ષા સુનિશ્ચિત કરવામાં આવશે.

ફઝલીએ સ્પષ્ટતા કરી હતી કે આ ફીને 'ટોલ ટેક્સ' ન કહેવો જોઈએ, કારણ કે આ શુલ્ક માત્ર દરિયાઈ સેવાઓ અને સુરક્ષા દેખરેખના સંચાલન માટે લેવામાં આવશે. તેમણે વધુમાં ઉમેર્યું કે જેમણે સંકટના સમયે ઈરાનને સાથ આપ્યો છે, તેમને આ ફીમાં ખાસ છૂટ મળશે. જો કે, તેમણે કયા દેશોને આ સુવિધા મળશે તેની સત્તાવાર યાદી જાહેર કરી નથી.

અમેરિકાના ગંભીર આક્ષેપો

બીજી તરફ અમેરિકી સંરક્ષણ અધિકારીઓનું કહેવું છે કે હોર્મુઝ સ્ટ્રેટનો દક્ષિણ દરિયાઈ માર્ગ હજુ પણ ખુલ્લો છે અને તાજેતરના દિવસોમાં ત્યાંથી અંદાજે 50 જેટલા વ્યાપારી જહાજો પસાર થયા છે. રિપોર્ટ અનુસાર, મોટાભાગના જહાજો પોતાની ઇલેક્ટ્રોનિક આઇડેન્ટિફિકેશન સિસ્ટમ (AIS) બંધ રાખીને મુસાફરી કરી રહ્યા છે જેથી પબ્લિક ટ્રેકિંગ સિસ્ટમ પર તેમની લોકેશન ટ્રેસ ન થઈ શકે. એક અમેરિકી અધિકારીએ આક્ષેપ કર્યો છે કે ઈરાની સુરક્ષા દળો VHF રેડિયો દ્વારા જહાજોનો સંપર્ક કરીને તેમના પર દબાણ લાવવાનો અને ડરાવવાનો પ્રયાસ કરે છે, છતાં પણ દરિયાઈ ટ્રાફિક પ્રભાવિત થયો નથી.

અમેરિકા અને ઈઝરાયેલને IRGCની ચેતવણી

આ દરમિયાન ઈરાનની ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (IRGC) ની નૌસેનાએ સ્પષ્ટ કર્યું છે કે તેઓ હોર્મુઝ સ્ટ્રેટની સુરક્ષા કરવાનું ચાલુ રાખશે. પોતાના શહીદ નેતાઓ અને સૈનિકોના માર્ગ પર આગળ વધતા તેઓ અમેરિકા અને ઈઝરાયેલ સામે બદલો લેવાના સંકલ્પ પર અડગ છે. આ ક્ષેત્રમાં ઈરાનનું નવું નેતૃત્વ પણ જૂની નીતિઓ પર જ આગળ વધશે, જેના કારણે આગામી દિવસોમાં આ દરિયાઈ વિસ્તારમાં તણાવ વધુ વધી શકે છે.

આ પણ વાંચો: Iranમાં ભારે આક્રોશ,લોકો અમેરિકાને નરશામાંથી ભૂંસી નાખવા ખાઈ રહ્માં છે કસમ