અમેરિકા અને ઈરાન વચ્ચેના તણાવમાં વધુ એક મોટો વળાંક આવ્યો છે. યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના વહીવટીતંત્રે ઈરાનને આપવામાં આવેલી તેલ પ્રતિબંધોમાંથી મુક્તિ તાત્કાલિક અસરથી રદ કરી દીધી છે. આ નિર્ણય હોર્મુઝ સ્ટ્રેટમાં વાણિજ્યિક જહાજો પર થયેલા હુમલાઓ અને ઈરાન દ્વારા યુદ્ધવિરામના કથિત ઉલ્લંઘનના જવાબમાં લેવામાં આવ્યો છે.

નિર્ણય પાછળનું કારણ

અગાઉ જૂન મહિનાના અંતમાં, અમેરિકા અને ઈરાન વચ્ચેના કરાર હેઠળ ઈરાનને 60 દિવસ માટે એટલે કે 21 ઓગસ્ટ સુધી તેલ નિકાસની છૂટ આપવામાં આવી હતી. પરંતુ તાજેતરમાં હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થતા ત્રણ વાણિજ્યિક જહાજો પર થયેલા હુમલાએ પરિસ્થિતિ બદલી નાખી. યુએસ સૈન્યના સેન્ટકોમે ઈરાનની આ કાર્યવાહીને "ગેરવાજબી, ખતરનાક અને યુદ્ધવિરામનું સ્પષ્ટ ઉલ્લંઘન" ગણાવી તેની આકરી ટીકા કરી હતી. આ ઘટનાઓને પગલે, યુએસ ટ્રેઝરી ડિપાર્ટમેન્ટે તુરંત જ ઈરાનનું તેલ નિકાસ લાઇસન્સ રદ કરવાની જાહેરાત કરી દીધી.

અમેરિકાનું વલણ

આ અંગે યુએસ અધિકારીઓએ સ્પષ્ટ કર્યું છે કે ઈરાન સાથેનો કોઈપણ કરાર સંપૂર્ણપણે તેના વર્તન પર આધારિત છે. વહીવટીતંત્રના મતે, ઈરાન આંતરરાષ્ટ્રીય સ્તરે જવાબદારીપૂર્વક વર્તશે તો જ તેને આર્થિક લાભ મળી શકે છે. હાલમાં જે રીતે હિંસક ઘટનાઓ સામે આવી છે, તેને જોતા ઈરાનને આપવામાં આવેલી છૂટછાટ પાછી ખેંચવી જરૂરી હતી.

ભારત પર શું પડશે અસર?

આ નિર્ણય ભારત માટે મહત્વપૂર્ણ છે. હુમલાનો શિકાર બનેલું કતારી જહાજ 'અલ-રેકાયત' ભારતમાં ઉર્જા સામગ્રી પહોંચાડવાનું કામ કરતું હતું. અગાઉ મળેલી મુક્તિ ભારત જેવા દેશો માટે રાહતરૂપ હતી, કારણ કે તેનાથી ઈરાન પાસેથી સસ્તા દરે ઊર્જા મેળવવાનો માર્ગ મોકળો થયો હતો. હવે આ મુક્તિ રદ થવાથી ઊર્જા વેપાર અને સપ્લાય ચેઇન પર અસર પડી શકે છે. આમ, ઈરાન પર ફરીથી લાદવામાં આવેલા આ પ્રતિબંધો મધ્ય-પૂર્વમાં ચાલી રહેલા રાજકીય અને સૈન્ય સંઘર્ષને વધુ વેગ આપશે, જેની સીધી અસર વૈશ્વિક તેલ બજાર અને ભારત જેવા ઊર્જા આયાત કરતા દેશો પર પડવાની શક્યતા છે.

આ પણ વાંચોઃ US Italy: ટ્રમ્પ અને મેલોનીના સંબંધોનો 'બરફ' ઓગળ્યો, મતભેદ વચ્ચે સૌહાર્દપૂર્ણ સંબંધોનો દાવો