ઇરાન સરકારે દેશના પૂર્વ સર્વોચ્ચ નેતા (સુપ્રીમ લીડર) અયાતુલ્લા અલી ખામેનેઇ માટે ત્રણ દિવસના સત્તાવાર રાજકીય અંતિમ સંસ્કારની જાહેરાત કરી છે. ઇરાનના સત્તાવાર સૂત્રોના જણાવ્યા અનુસાર, આ અંતિમ સંસ્કાર અને શ્રદ્ધાંજલિ કાર્યક્રમો ઇસ્લામિક કેલેન્ડરના અંતિમ મહિના 'ઝિલહિજ્જા'ના અંતમાં એટલે કે આગામી 15 જૂનની આસપાસ યોજાઈ શકે છે. ખામેનેઇની અંતિમ ઇચ્છા મુજબ, તેમને મશહદમાં આવેલી પવિત્ર 'ઇમામ રઝા દરગાહ' પરિસરમાં સુપુર્દ-એ-ખાક (દફનાવવામાં) કરવામાં આવશે.

3 મહિના પછી કેમ યોજાઈ રહ્યા છે અંતિમ સંસ્કાર?

સામાન્ય રીતે ઇસ્લામિક પરંપરા મુજબ વ્યક્તિના અવસાનના થોડા જ દિવસોમાં અંતિમ સંસ્કાર કરી દેવામાં આવે છે. જોકે, અયાતુલ્લા અલી ખામેનેઇનું અવસાન 28 ફેબ્રુઆરીના રોજ અમેરિકા-ઇઝરાયેલના એક કથિત હુમલામાં થયું હતું. તે સમયે ઇરાન સરકારે સુરક્ષા વ્યવસ્થા અને પ્રચંડ ભીડને સંભાળવાના પડકારોને ટાંકીને અંતિમ સંસ્કાર મુલતવી રાખ્યા હતા. હવે તેમની મરણના લગભગ 3 મહિના બાદ આ ભવ્ય શોકસભાનું આયોજન થઈ રહ્યું છે.

તેહરાન, કોમ અને મશહદમાં જનમેદની ઉમટશે

ઇરાનના ત્રણ મુખ્ય શહેરો - તેહરાન, કોમ અને મશહદમાં ભવ્ય શોક યાત્રાઓ કાઢવામાં આવશે. તેહરાનના ડેપ્યુટી મેયર મોહમ્મદ અમીન તવાકોલી-ઝાદેહે જણાવ્યું કે, મુખ્ય કાર્યક્રમ તેહરાનમાં સતત 24 કલાક સુધી ચાલશે, જેમાં આશરે 1.5 કરોડથી 2 કરોડ લોકો ઉમટી પડે તેવી આશા છે. આટલી મોટી માનવમેદનીને નિયંત્રિત કરવા માટે વહીવટીતંત્ર અત્યારથી જ લોજિસ્ટિક્સ, સુરક્ષા અને ટ્રાફિક વ્યવસ્થાને મજબૂત કરી રહ્યું છે. ઇરાન ઉપરાંત ભારત, પાકિસ્તાન, અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ અને કાશ્મીરથી પણ મોટી સંખ્યામાં મુસ્લિમ શ્રદ્ધાળુઓ મશહદ પહોંચે તેવી સંભાવના છે.

3 દાયકા સુધી ઇરાન પર શાસન કર્યું

86 વર્ષીય ખામેનેઇ ત્રણ દાયકા કરતાં વધુ સમય સુધી ઇરાનના સર્વોચ્ચ નેતા રહ્યા હતા. આ પદ પર રહીને તેઓ દેશના સૌથી શક્તિશાળી રાજકીય અને ધાર્મિક વડા હતા. તેમના અવસાન બાદ તેમના પુત્ર અયાતુલ્લા મુજ્તબા ખામેનેઇને નવા સુપ્રીમ લીડર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે, જોકે તેઓ પદ સંભાળ્યા બાદ હજુ સુધી સાર્વજનિક રૂપે સામે આવ્યા નથી.

  • Follow us on: