અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ આગામી 24 જુલાઈના રોજ યોજાનારા પ્રતિષ્ઠિત 'વ્હાઇટ હાઉસ કોરેસ્પોન્ડન્ટ્સ એસોસિએશન' (WHCA) ડિનરમાં હાજરી આપશે. અગાઉ 25 એપ્રિલે યોજાનારો આ વાર્ષિક કાર્યક્રમ એક ભયાનક ગોળીબારની ઘટનાને કારણે સ્થગિત કરવો પડ્યો હતો. ડોનાલ્ડ ટ્રમ્પે પોતે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'ટ્રુથ સોશિયલ' પર આ અંગેની માહિતી શેર કરી છે. તેમણે જણાવ્યું કે તેમને આ કાર્યક્રમમાં ભાષણ આપવા માટે આમંત્રિત કરવામાં આવ્યા છે અને તેમણે આ આમંત્રણનો સ્વીકાર કર્યો છે.


25 એપ્રિલે શું બન્યું હતું?

ગયા એપ્રિલ મહિનામાં વોશિંગ્ટનમાં આ ડિનરનું આયોજન ચાલી રહ્યું હતું, ત્યારે એક હુમલાખોર સુરક્ષા કોર્ડન તોડીને સિક્યોરિટી પોસ્ટ સુધી પહોંચી ગયો હતો અને તેણે શૉટગનથી અંધાધૂંધ ફાયરિંગ શરૂ કરી દીધું હતું. તે સમયે રાષ્ટ્રપતિ ટ્રમ્પ પણ ત્યાં હાજર હતા. જોકે, સુરક્ષા એજન્સીઓએ ત્વરિત એક્શન લઈને ટ્રમ્પ અને તેમના પત્ની મેલાનિયા ટ્રમ્પને સુરક્ષિત સ્થાને ખસેડ્યા હતા. આ હુમલા બાદ ઈવેન્ટને અધવચ્ચે જ રોકી દેવામાં આવી હતી.

આ વખતે લોખંડી સુરક્ષા વ્યવસ્થા

WHCAના પ્રમુખ અને CBS ન્યૂઝના વરિષ્ઠ પત્રકાર વેઇજિયા જિયાંગે જણાવ્યું કે, આ વખતે સુરક્ષા વ્યવસ્થા પહેલા કરતા ઘણી વધારે મજબૂત અને લોખંડી હશે. કાર્યક્રમમાં એન્ટ્રી માટે પણ કડક નિયમો બનાવવામાં આવ્યા છે. આ કાર્યક્રમ વોશિંગ્ટનની 'વાલ્ડોર્ફ એસ્ટોરિયા હોટેલ'માં યોજાશે. મહત્વનું છે કે, જે લોકોએ અગાઉ 25 એપ્રિલ માટે ટિકિટ ખરીદી હતી, તેમણે ફરીથી પૈસા ચૂકવવા નહીં પડે.

100 વર્ષ જૂનો છે આ ઇતિહાસ

વ્હાઇટ હાઉસ કોરેસ્પોન્ડન્ટ્સ ડિનરનો ઇતિહાસ 100 વર્ષ કરતાં પણ વધુ જૂનો છે. આ ઈવેન્ટ દ્વારા પત્રકારત્વના વિદ્યાર્થીઓની સ્કોલરશિપ માટે ફંડ એકઠું કરવામાં આવે છે. આ ડિનર અમેરિકી બંધારણમાં અપાયેલી પ્રેસની સ્વતંત્રતાનું સન્માન કરે છે.

આ પણ વાંચો:Iran US War: ઈરાનનો એક સાથે ત્રણ દેશો પર હુમલો, મિસાઈલ અને ડ્રોનથી અમેરિકન લશ્કરી ઠેકાણા પર હુમલો કર્યો

  • Follow us on: