આફ્રિકાના સૌથી વધુ વસ્તી ધરાવતા દેશ નાઇજીરીયામાં સુરક્ષા કટોકટી વધુ ઘેરી બની છે. ઉત્તર-પૂર્વીય નાઇજીરીયાના એક શાંત અને દૂરના ગામમાં ઇસ્લામિક આતંકવાદીઓએ મધરાતે લોહિયાળ હુમલો કર્યો હતો. આ હુમલામાં 11 ગ્રામજનોએ જીવ ગુમાવ્યા છે, જ્યારે અન્ય બે લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. હુમલાખોરોએ માત્ર ગોળીબાર જ નહીં, પરંતુ અનેક ઘરોને આગ ચાંપીને સમગ્ર વિસ્તારમાં ભયનું વાતાવરણ પેદા કર્યું હતું.
પુબાગુ નામના ગામને નિશાન બનાવ્યું
મંગળવારે મોડી રાત્રે આ હિંસક ઘટના બોર્નો રાજ્યમાં બની હતી. આતંકવાદીઓએ સામ્બિસા જંગલની સરહદ પર આવેલા 'પુબાગુ' નામના ગામને નિશાન બનાવ્યું હતું. સામ્બિસા જંગલ લાંબા સમયથી ઇસ્લામિક આતંકવાદીઓનો ગઢ માનવામાં આવે છે. સ્થાનિક અધિકારીઓના જણાવ્યા અનુસાર, હુમલો એટલો અચાનક હતો કે ગ્રામજનોને બચવાની કોઈ તક મળી ન હતી. બુધવારે સવારે જ્યારે વાતાવરણ થોડું શાંત થયું, ત્યારે શોકમગ્ન ગ્રામજનોએ પીડિતોના મૃતદેહોને દફનાવ્યા હતા.
કોણ છે જવાબદાર?
આ હુમલા પાછળ કુખ્યાત આતંકવાદી સંગઠન'બોકો હરામ'નો હાથ હોવાનું મનાય છે. સ્થાનિક કાઉન્સિલના અધ્યક્ષ મ્વાડા સૈદુ ઉબાએ જણાવ્યું કે, પુબાગુ ગામ અત્યાર સુધી સુરક્ષિત માનવામાં આવતું હતું અને અહીં અગાઉ ક્યારેય આવો કોઈ હુમલો થયો ન હતો. સ્થાનિક વોર્ડ ઓફિસર ઉસ્માન રુમિર્ગોએ પુષ્ટિ કરી કે આતંકવાદીઓએ નિર્દોષ લોકોની હત્યા કર્યા બાદ ઘરોમાં આગ લગાવી દીધી હતી અને સુરક્ષા દળો પહોંચે તે પહેલાં જ અંધારાનો લાભ લઈને નાસી છૂટ્યા હતા.
નાઇજીરીયામાં સુરક્ષાની સ્થિતિ
નાઇજીરીયા છેલ્લા ઘણા સમયથી વિવિધ સશસ્ત્ર જૂથો સામે ઝઝૂમી રહ્યું છે. દેશમાં બોકો હરામ ઉપરાંત ઇસ્લામિક સ્ટેટ વેસ્ટ આફ્રિકા પ્રાંત (ISWAP), લકુરાવા જૂથ અને ખંડણી માટે અપહરણ કરતા ડાકુઓ સક્રિય છે. દેશના વિશાળ ગ્રામીણ વિસ્તારો અને સરહદી સુરક્ષાના અભાવને કારણે આ આતંકવાદીઓ વારંવાર ગરીબ અને અસહાય ગામડાઓને નિશાન બનાવે છે. આ હુમલાએ ફરી એકવાર સાબિત કર્યું છે કે નાઇજીરીયાના દૂરના વિસ્તારોમાં હજુ પણ સુરક્ષા વ્યવસ્થા નબળી છે અને સામાન્ય નાગરિકો આતંકવાદના ઓથાર હેઠળ જીવી રહ્યા છે. હાલમાં ઘાયલોને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે અને તેમની સ્થિતિ નાજુક હોવાનું જાણવા મળી રહ્યું છે.
આ પણ વાંચોઃ Delhi: વાહન ચાલકો સાવધાન ! 'નો પીયુસી, નો ફ્યુઅલ', દિલ્હી સરકારનું પ્રદૂષણ સામે બ્રહ્માસ્ત્ર