મધ્ય પૂર્વમાં ઈરાન, ઈઝરાયલ અને અમેરિકા વચ્ચે ચાલી રહેલું સૈન્ય યુદ્ધ હવે માત્ર સરહદો કે લશ્કરી મથકો પૂરતું સીમિત રહ્યું નથી. મંગળવારે વહેલી સવારે ઉત્તર-પશ્ચિમ ઈરાનના ઔદ્યોગિક શહેર ઝાંજનમાં એક અત્યંત કરુણ ઘટના બની, જેમાં એક પ્રતિષ્ઠિત શિયા મસ્જિદ અને શોક સભા ખંડને નિશાન બનાવવામાં આવ્યા. આ હુમલામાં અત્યાર સુધીમાં 3 નિર્દોષ લોકોના મોત થયા હોવાની પુષ્ટિ થઈ છે, જ્યારે અનેક લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે.
ઐતિહાસિક 'ગ્રાન્ડ હુસૈનિયા' ખંડેરમાં ફેરવાઈ
તેહરાનથી અંદાજે ૩૦૦ કિલોમીટર દૂર આવેલા ઝાંજન શહેરની ફરદોસી સ્ટ્રીટ પર સ્થિત "ગ્રાન્ડ હુસૈનિયા" ઇમારત પર આ હુમલો થયો હતો. આ સ્થળ શિયા સમુદાયના ધાર્મિક મેળાવડા અને શોક સમારોહ માટે અત્યંત મહત્વનું માનવામાં આવે છે. સ્થાનિક રાજ્ય ટેલિવિઝનના અહેવાલ અનુસાર, મિસાઈલ હુમલાને કારણે મસ્જિદના ભવ્ય ગુંબજ અને મિનારાઓને ભારે નુકસાન થયું છે. વહેલી સવારના સમયે જ્યારે લોકો ઈબાદતમાં મગ્ન હતા, ત્યારે થયેલા આ વિસ્ફોટે સમગ્ર વિસ્તારમાં અફરાતફરી મચાવી દીધી હતી.
યુદ્ધની બદલાતી રણનીતિ અને નાગરિકોનો ભોગ
ઈઝરાયલ સતત દાવો કરી રહ્યું છે કે તે માત્ર ઈરાની લશ્કરી સ્થાપનો અને શસ્ત્ર ઉત્પાદન કેન્દ્રોને જ નિશાન બનાવી રહ્યું છે, પરંતુ ઝાંજન જેવી ઘટનાઓ દર્શાવે છે કે હવે સામાન્ય નાગરિકો અને ધાર્મિક સ્થાપત્યો પણ આ સંઘર્ષની લપેટમાં આવી રહ્યા છે. ઈરાન પણ શાંત બેસવા તૈયાર નથી; તે મિસાઈલ અને ડ્રોન હુમલાઓ દ્વારા સતત વળતો પ્રહાર કરી રહ્યું છે. બંને દેશો વચ્ચેનો આ મુકાબલો હવે "સીધી જંગ" માં ફેરવાઈ ચૂક્યો છે, જે વૈશ્વિક શાંતિ માટે મોટો ખતરો છે.
અમેરિકાની ભૂમિકા અને વધતો તણાવ
આ સંઘર્ષમાં અમેરિકાની ભૂમિકા અત્યંત જટિલ રહી છે. એકતરફ વ્હાઇટ હાઉસ આ યુદ્ધને મર્યાદિત રાખવાના પ્રયાસોનો દાવો કરે છે, તો બીજી તરફ તેના વ્યૂહાત્મક પગલાં ઈઝરાયલના મનોબળને મજબૂત કરી રહ્યા છે. ઈરાનના પવિત્ર સ્થળો પરના હુમલા બાદ હવે તેહરાન તરફથી વધુ આક્રમક વળતા હુમલાની શક્યતા નકારી શકાય તેમ નથી.
આ પણ વાંચોઃ America ની એપલ, ગૂગલ અને ટેસ્લા જેવી કંપનીઓ ઇરાનના નિશાના પર, ઓફિસ છોડી દેવાની આપી ચેતવણી!