મધ્ય પૂર્વમાં ફરી એકવાર તણાવ ચરમસીમાએ પહોંચ્યો છે. ઇઝરાયલ અને યુનાઇટેડ સ્ટેટ્સ દ્વારા ઇરાન પર કરવામાં આવેલા તાજેતરના હુમલાઓએ આઠ મહિના જૂના યુદ્ધની યાદ તાજી કરી છે.


 30 શહેરોને નિશાન

અહેવાલો અનુસાર, તાજેતરના હુમલાઓમાં ઇરાનના લગભગ 30 શહેરોને નિશાન બનાવવામાં આવ્યા છે, જેમાં રાજધાની તેહરાન અને પરમાણુ સુવિધાઓ માટે જાણીતું ઇસ્ફહાન પણ સામેલ છે. આ કાર્યવાહી એવા સમયે થઈ છે જ્યારે ઇરાન અને યુનાઇટેડ સ્ટેટ્સ વચ્ચે પરમાણુ મુદ્દે વાટાઘાટો ચાલી રહી હતી.

વાટાઘાટો અને હુમલાની સમાન પેટર્ન

છેલ્લી ચર્ચા 26 ફેબ્રુઆરી, 2026ના રોજ જીનીવામાં થઈ હતી અને આગામી રાઉન્ડ વિયેનામાં યોજાવાનો હતો. 19 ફેબ્રુઆરીએ અમેરિકાના પૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ ઇરાનને પરમાણુ કરાર માટે 10-15 દિવસનું અલ્ટીમેટમ આપ્યું હતું. પરંતુ સમયમર્યાદા પૂર્ણ થાય તે પહેલાં જ હુમલો કરવામાં આવ્યો.

જૂન 2025માં થયેલા 12 દિવસના યુદ્ધ

આ ઘટના જૂન 2025માં થયેલા 12 દિવસના યુદ્ધ જેવી જ દેખાઈ રહી છે. તે વખતે પણ 13 જૂન, 2025ના રોજ ઇઝરાયલે અચાનક હુમલો કર્યો હતો, જ્યારે પરમાણુ વાટાઘાટો ચાલી રહી હતી. વાટાઘાટો બંધ થઈ ગઈ અને પછી ઇરાને ઇઝરાયલ સામે જવાબી કાર્યવાહી કરી

ઇરાનને નિશ્ચિંત બનાવવાનો પ્રયાસ

વિશેષજ્ઞોના મત અનુસાર, વાટાઘાટો ચાલુ હોવાની વાત કરીને ઇરાનને નિશ્ચિંત બનાવવાનો પ્રયાસ થયો અને પછી અચાનક સૈન્ય કાર્યવાહી કરવામાં આવી. કેટલાક નિષ્ણાતો માને છે કે ખોટી માહિતી અને રાજકીય કાવતરાઓ દ્વારા ઇરાનને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ થયો.

ઓમાનની મધ્યસ્થી અને વધતો સંકટ

મધ્યસ્થીની ભૂમિકા ભજવનારા ઓમાનએ ગુરુવારે જણાવ્યું હતું કે બંને પક્ષો વચ્ચે પ્રગતિ થઈ રહી છે. ઓમાનના વિદેશ પ્રધાન સૈયદ બદર અલ-બુસૈદીએ જણાવ્યું હતું કે આગામી સપ્તાહે વિયેનામાં ટેકનિકલ ચર્ચા યોજાશે. પરંતુ આ નિવેદનના થોડા જ સમયમાં હુમલાની ઘટના સામે આવી, જેના કારણે વિશ્વભરમાં ચિંતા વધી ગઈ છે.

શું ફરી યુદ્ધ ભભૂકી શકે?

ઇરાન તરફથી પણ જવાબી કાર્યવાહી માટે તૈયારીઓ ચાલી રહી છે. કેટલાક અહેવાલો મુજબ ઇરાને પ્રાથમિક મિસાઈલ પ્રહાર કર્યા છે, પરંતુ મોટો જવાબી હુમલો હજુ બાકી હોઈ શકે છે. એક ઇરાની અધિકારીએ રોઇટર્સને જણાવ્યું કે તેહરાન કડક અને શક્તિશાળી જવાબ આપશે.

વિશ્વ રાજકારણના નિષ્ણાતો

વિશ્વ રાજકારણના નિષ્ણાતો માને છે કે જો આ તણાવ યથાવત રહ્યો તો મધ્ય પૂર્વમાં ફરી એક મોટા યુદ્ધની શક્યતા નકારી શકાય નહીં. અગાઉના સંઘર્ષમાં હજારો લોકોના જીવ ગયા હતા અને આર્થિક તેમજ માનવતાવાદી સંકટ ઊભું થયું હતું. હાલની પરિસ્થિતિમાં સૌથી મોટો પ્રશ્ન એ છે કે શું બંને દેશો ફરી સંવાદનો માર્ગ અપનાવશે કે પછી સૈન્ય અથડામણ વધુ વિકરાળ સ્વરૂપ ધારણ કરશે. વિશ્વ સમુદાયની નજર હવે આગામી પગલાં પર ટકેલી છે.

આ પણ વાંચો : Israel Iran conflict : ઈરાને 7 અમેરિકી લશ્કરી ઠેકાણાઓ પર મિસાઈલ હુમલો કર્યો


  • Follow us on: