તાજેતરમાં અમેરિકા અને ઇઝરાયલે ઈરાન સામે કરાયેલા હુમલાઓમાં આધુનિક AI ટેકનોલોજીનો ઉપયોગ કર્યો હોવાની માહિતી સામે આવી છે. અહેવાલો મુજબ, માત્ર 24 કલાકમાં લગભગ 1,000 લક્ષ્યોને નિશાન બનાવવામાં આવ્યા, જેનાથી યુદ્ધની ગતિ અને વ્યૂહરચનામાં મોટો ફેરફાર જોવા મળ્યો છે.
Claude AI model
આ હુમલાઓમાં અમેરિકન AI કંપની Anthropic દ્વારા વિકસાવવામાં આવેલ Claude AI model ટેકનોલોજીનો ઉપયોગ થયો હોવાનું કહેવાય છે. આ AI સિસ્ટમ સૈન્યને લક્ષ્યો શોધવામાં, ડેટાનું વિશ્લેષણ કરવામાં અને હુમલાની યોજના બનાવવા મદદ કરે છે.
AI એ કિલ ચેઇન પ્રક્રિયા ઝડપી બનાવી
લશ્કરી ભાષામાં હુમલાની સંપૂર્ણ પ્રક્રિયાને કિલ ચેઇન કહેવામાં આવે છે. તેમાં લક્ષ્ય ઓળખવું, માહિતી એકત્રિત કરવી, હુમલો કરવો અને પરિણામનું મૂલ્યાંકન કરવું જેવી ઘણી સ્ટેપ્સ હોય છે. AI ટેકનોલોજી આ તમામ પ્રક્રિયાને ખૂબ જ ઝડપથી પૂર્ણ કરવામાં મદદ કરે છે. પહેલા જ્યાં આ પ્રકારની કાર્યવાહી માટે દિવસો કે અઠવાડિયા લાગતા હતા, હવે AI ની મદદથી આ કામ થોડા કલાકોમાં થઈ શકે છે.
12 કલાકમાં 900 મિસાઇલો છોડવામાં આવી
AI સિસ્ટમની મદદથી US સેનાએ યુદ્ધના પહેલા 12 કલાકમાં જ ઈરાનના લક્ષ્યો પર લગભગ 900 મિસાઇલો છોડ્યા હતા. આ સિસ્ટમ ઉપગ્રહો અને દેખરેખથી મળેલી માહિતીનું ઝડપી વિશ્લેષણ કરીને સૈન્યને તાત્કાલિક લક્ષ્ય માહિતી પૂરી પાડે છે. આ ટેકનોલોજી યુદ્ધ ટેક કંપની Palantir Technologiesની Project Maven AI system સાથે જોડાયેલી હોવાનું જણાવવામાં આવે છે. આ સિસ્ટમ ગુપ્તચર માહિતીનું વિશ્લેષણ કરીને સૈન્યને કયા લક્ષ્ય પર હુમલો કરવો તે અંગે સૂચનાઓ આપે છે.
AI કેવી રીતે લક્ષ્યો પસંદ કરે છે?
હુમલા પહેલા AI સિસ્ટમ સૈન્યને સેંકડો સંભવિત લક્ષ્યોની યાદી આપે છે. ત્યારબાદ તે લક્ષ્યોને મહત્વના ક્રમમાં ગોઠવે છે અને દરેક લક્ષ્યનું ચોક્કસ સ્થાન બતાવે છે. AI સિસ્ટમ એ પણ સૂચવે છે કે કયા લક્ષ્ય સામે કયા પ્રકારના શસ્ત્રો વધુ અસરકારક રહેશે. તેમાં શસ્ત્રોની ઉપલબ્ધતા અને અગાઉના હુમલાના પરિણામોને પણ ધ્યાનમાં લેવામાં આવે છે.
એન્થ્રોપિક અને ટ્રમ્પ વચ્ચે વિવાદ
આ મુદ્દે અમેરિકન રાજકારણમાં પણ વિવાદ ઉભો થયો. અમેરિકાના રાષ્ટ્રપતિ Donald Trumpએ આરોપ લગાવ્યો કે Anthropic કંપનીના નિયમો મુજબ તેની AI ટેકનોલોજીનો ઉપયોગ હિંસા અથવા હથિયારો માટે થવો જોઈએ નહીં. કંપનીએ પણ જણાવ્યું કે તેની નીતિ મુજબ Claude AIનો ઉપયોગ યુદ્ધ, શસ્ત્ર વિકાસ અથવા દેખરેખ માટે કરવાનો નથી. આ કારણે સરકાર અને કંપની વચ્ચે તણાવ સર્જાયો. તેમ છતાં, યુએસ ડિફેન્સ વિભાગે જણાવ્યું કે નવી AI સિસ્ટમ મળ્યા સુધી Anthropic આગામી છ મહિના સુધી સેવાઓ આપતી રહેશે, જેથી નવી ટેકનોલોજીમાં સરળ પરિવર્તન શક્ય બને.
નિષ્ણાતો શું કહે છે?
નિષ્ણાતના જણાવ્યા મુજબ, AI સિસ્ટમ્સ ઘણી વખત માનવીય વિચાર કરતા વધુ ઝડપથી નિર્ણય લઈ શકે છે. તેમણે કહ્યું કે AI યુદ્ધમાં ઝડપ અને ચોકસાઈ બંને વધારી શકે છે, પરંતુ સાથે સાથે નૈતિકતા અને નિયંત્રણ અંગેના પ્રશ્નો પણ ઉભા કરે છે.
આધુનિક યુદ્ધમાં AI નો વધતો પ્રભાવ
આ ઘટના બતાવે છે કે ભવિષ્યમાં યુદ્ધ માત્ર પરંપરાગત હથિયારો સુધી સીમિત નહીં રહે. AI, ડેટા અને ટેકનોલોજી આધુનિક યુદ્ધની વ્યૂહરચનામાં મહત્વપૂર્ણ ભાગ ભજવશે. વિશ્વના ઘણા દેશો હવે AI આધારિત સૈન્ય ટેકનોલોજી વિકસાવવા માટે મોટા પાયે રોકાણ કરી રહ્યા છે, જેના કારણે ભવિષ્યના યુદ્ધ વધુ ઝડપી અને ટેકનોલોજી આધારિત બની શકે છે.
આ પણ વાંચો : Dubai International Airport : દુબઈ એરપોર્ટ પર મિસાઈલના કાટમાળ બાદ ફ્લાઇટ્સ ફરી શરૂ