મે 2025માં ભારતે પાકિસ્તાન સામે ચાર દિવસનું ઓપરેશન સિંદૂર શરૂ કર્યું હતું. આ દરમિયાન ભારતે પાકિસ્તાનના પરમાણુ સંગ્રહસ્થળોને સીધા નષ્ટ કરવાની જગ્યાએ એક અલગ વ્યૂહરચના અપનાવી હતી. પાકિસ્તાનના પંજાબમાં આવેલી કિરાણા હિલ્સને દેશના સૌથી મહત્વના પરમાણુ સંગ્રહ સ્થળોમાંથી એક માનવામાં આવે છે. અહીં ગુફાઓ અને ટનલોમાં પરમાણુ હથિયારો સંગ્રહિત હોવાના દાવા કરવામાં આવે છે. આ હુમલામાં ભારતે ગુફાના અંદર હુમલો કરવાની જગ્યાએ પ્રવેશદ્વારો, વેન્ટિલેશન અને રસ્તાઓને નિશાન બનાવ્યા હતા. બ્રહ્મોસ મિસાઇલ અને ડ્રોન દ્વારા ચોકસાઇવાળા હુમલાથી ગુફાના મુખ બંધ કરી દેવામાં આવ્યા.

અંદર રહેલા શસ્ત્રો બહાર લાવી શકાય નહીં

આ વ્યૂહરચનાનો મુખ્ય હેતુ હતો કે અંદર રહેલા શસ્ત્રો બહાર લાવી શકાય નહીં. એટલે કે, આખી સુવિધા નષ્ટ કર્યા વગર તેને બિનઉપયોગી બનાવી દેવી. કેટલાક ભારતીય અધિકારીઓએ આ હુમલાનો સત્તાવાર સ્વીકાર કર્યો નહોતો, પરંતુ સેટેલાઇટ છબીઓ અને કેટલાક રક્ષા વિશ્લેષકોના દાવાઓથી આ અંગે ચર્ચા વધી હતી.

ડોરમેન સ્ટ્રાઈક શું છે?

ડોરમેન સ્ટ્રાઈક એ એવી સૈન્ય વ્યૂહરચના છે જેમાં દુશ્મનના ભૂગર્ભ બંકર અથવા સંગ્રહસ્થળને અંદરથી નષ્ટ કરવાની જગ્યાએ તેના પ્રવેશદ્વાર, ટનલ, વેન્ટિલેશન અને બહાર જવાના માર્ગો પર ચોક્કસ હુમલો કરવામાં આવે છે. આ રીતે બંકરના દરવાજા બંધ થઈ જાય છે અને અંદર રહેલી મિસાઇલ, હથિયાર અથવા સૈન્ય સાધનો બહાર આવી શકતા નથી. પરિણામે અંદરની સમગ્ર ક્ષમતા આપમેળે નિષ્ક્રિય બની જાય છે. આ પદ્ધતિનો ફાયદો એ છે કે મોટા વિસ્ફોટ કે ભારે વિનાશની શક્યતા ઓછી રહે છે અને પરમાણુ પ્રસાર જેવા જોખમો પણ ઘટાડવામાં મદદ મળે છે. સાથે સાથે, સીધા બંકરને તોડી પાડવાની જરૂર ન હોવાથી ઓપરેશન ઝડપથી અને વધુ ચોકસાઇથી પૂર્ણ કરી શકાય છે.

ઇરાનના મિસાઇલ શહેરો સામે આ વ્યૂહરચના

ઇરાને છેલ્લા ઘણા વર્ષોમાં પહાડો અને જમીન નીચે ભૂગર્ભ મિસાઇલ શહેરો બનાવ્યા છે. અહીં હજારો ટૂંકા અને મધ્યમ અંતરની બેલિસ્ટિક મિસાઇલો રાખવામાં આવે છે. વિશ્લેષકોના મતે અમેરિકા અને ઇઝરાયલ હવે આ બંકરોને સીધા નષ્ટ કરવા કરતાં તેમના પ્રવેશદ્વારો પર ભારે બોમ્બ અને મિસાઇલ હુમલા કરી રહ્યા છે.

કેટલાક અહેવાલો મુજબ

  • B-2 અને B-52 બોમ્બર વિમાનો બંકરના મુખને નિશાન બનાવી રહ્યા છે
  • ડ્રોન અને ફાઇટર જેટ સતત નજર રાખી રહ્યા છે
  • મિસાઇલ લોન્ચર બહાર આવતા જ તેમને નષ્ટ કરવામાં આવે છે
  • સેટેલાઇટ તસવીરોમાં બંકરની બહાર નષ્ટ થયેલા લોન્ચર્સ અને મિસાઇલો દેખાવાની વાત પણ કરવામાં આવી છે.

ઇરાનના મિસાઇલ હુમલામાં ઘટાડો કેમ થયો?

  • યુદ્ધની શરૂઆતમાં ઇરાન એકસાથે ઘણી મિસાઇલો છોડતું હતું. પરંતુ તાજેતરમાં કેટલાક વિશ્લેષકોના અનુસાર ઇરાનના હુમલાઓમાં 80-90 ટકા સુધી ઘટાડો જોવા મળ્યો છે.
  • તેના મુખ્ય કારણો માનવામાં આવે છે:
  • બંકરના પ્રવેશદ્વાર અવરોધિત થઈ જવા
  • લોન્ચર્સ બહાર આવતા જ નિશાન બનવા
  • હવાઈ શ્રેષ્ઠતા સામે મિસાઇલ લોન્ચ કરવું મુશ્કેલ બનવું
  • અથવા, જે મિસાઇલો પહેલા છુપાયેલી અને મોબાઇલ હતી તે હવે નિશ્ચિત સ્થાનમાં ફસાઈ ગઈ છે, જેના કારણે તેઓ સરળ લક્ષ્ય બની ગઈ છે.

ભૂગર્ભ બંકરોનું ભવિષ્ય

લશ્કરી નિષ્ણાતોનું માનવું છે કે આ વ્યૂહરચના ભવિષ્યના યુદ્ધોમાં મોટો ફેરફાર લાવી શકે છે. ઈરાન, ઉત્તર કોરિયા અને ચીન જેવા દેશોએ અબજો ડોલર ખર્ચીને ભૂગર્ભ બંકરો બનાવ્યા છે. પરંતુ જો પ્રવેશદ્વારને જ નિશાન બનાવી શકાય, તો આ બંકરો સલામત શેલ્ટર નહીં પરંતુ ફાંદો બની શકે છે. આથી આવનારા સમયમાં દેશો પોતાના રક્ષણ માળખા અંગે નવી રીતે વિચારવા મજબૂર થઈ શકે છે.

આ પણ વાંચો : Israel Iran War : AI થી અમેરિકાનો ઈરાન પર મોટો હુમલો! 24 કલાકમાં 1,000 લક્ષ્યો નિશાન પર