મધ્ય પૂર્વમાં ચાલી રહેલા સંઘર્ષના કારણે ઊર્જા બજારમાં અનિશ્ચિતતા વધી રહી છે. ખાસ કરીને ગેસ અને તેલના પુરવઠા પર તેની અસર જોવા મળી શકે છે. કતારના ઉર્જા મંત્રી સાદ અલ-કાબીએ ચેતવણી આપી છે કે આ સંઘર્ષ વૈશ્વિક અર્થવ્યવસ્થાને ગંભીર ઝટકો આપી શકે છે.
ડ્રોન હુમલામાં કતારના સૌથી મોટા LNG
અહેવાલો મુજબ, ઈરાની ડ્રોન હુમલામાં કતારના સૌથી મોટા LNG (લિક્વિફાઇડ નેચરલ ગેસ) પ્લાન્ટને નુકસાન થયું છે. આ હુમલાના કારણે ઉત્પાદન અને સપ્લાય ચક્ર પર અસર પડી છે. કાબીએ જણાવ્યું કે ભલે યુદ્ધ તરત જ બંધ થઈ જાય, છતાં સામાન્ય ગેસ ડિલિવરી સિસ્ટમ ફરીથી સામાન્ય થવામાં અઠવાડિયાઓ કે મહિનાઓ લાગી શકે છે.
કતાર વિશ્વનો બીજો સૌથી મોટો LNG
કતાર વિશ્વનો બીજો સૌથી મોટો LNG ઉત્પાદક દેશ છે. અહીં આવેલા રાસ લાફાન ગેસ પ્રોસેસિંગ અને નિકાસ કેન્દ્ર પર થયેલા હુમલા પછી કેટલીક કામગીરી અસ્થાયી રીતે બંધ કરવામાં આવી છે. જોકે કતારની ગેસ નિકાસનો માત્ર નાનો ભાગ યુરોપમાં જાય છે, પરંતુ વૈશ્વિક બજારમાં તેની અસર થઈ શકે છે.
ઘણી ગલ્ફ દેશોની ઊર્જા કંપનીઓ હવે “ફોર્સ મેજ્યોર”
કતારના ઉર્જા મંત્રીએ જણાવ્યું કે ઘણી ગલ્ફ દેશોની ઊર્જા કંપનીઓ હવે “ફોર્સ મેજ્યોર” જાહેર કરવાની સ્થિતિમાં આવી શકે છે. ફોર્સ મેજ્યોરનો અર્થ એ થાય છે કે અનિવાર્ય પરિસ્થિતિઓના કારણે કંપનીઓ તેમના કરાર મુજબ સપ્લાય પૂરો પાડવામાં અસમર્થ બને છે. જો કંપનીઓ આ પગલું નહીં ભરે તો તેમને કાયદેસર નુકસાન ભરપાઈ કરવી પડી શકે છે.
યુરોપિયન દેશો કરતાં વધુ કિંમત
આ પરિસ્થિતિમાં ઊર્જા બજારમાં મોટી સ્પર્ધા જોવા મળી શકે છે. ખાસ કરીને એશિયન દેશો LNG ખરીદવા માટે યુરોપિયન દેશો કરતાં વધુ કિંમત ચૂકવવા તૈયાર થઈ શકે છે. આ કારણે યુરોપમાં ગેસ સપ્લાય પર દબાણ વધી શકે છે અને ઊર્જા કિંમતોમાં વધારો થઈ શકે છે.
મધ્ય પૂર્વમાં માનવતાવાદી સંકટ
આ તરફ મધ્ય પૂર્વમાં માનવતાવાદી સંકટ પણ ગંભીર બની રહ્યું છે. UN શરણાર્થી એજન્સીના જણાવ્યા અનુસાર, લેબનોનમાં લગભગ એક લાખ લોકો સ્થળાંતર કરવા મજબૂર થયા છે. હજારો સીરિયન શરણાર્થીઓ પણ સરહદ પાર કરીને અન્ય સુરક્ષિત વિસ્તારોમાં જઈ રહ્યા છે. અમેરિકા અને ઇઝરાયલ દ્વારા ઈરાન પર હવાઈ હુમલા પછી આ વિસ્તારમાં તણાવ વધુ વધી ગયો છે. ઈરાન સમર્થિત લેબનીઝ જૂથ હિઝબુલ્લાહ સાથેના સંઘર્ષને કારણે ઇઝરાયલે દક્ષિણ લેબનોન અને બેરૂતના કેટલાક વિસ્તારોમાં મોટા પાયે સ્થળાંતર કરવા આદેશ આપ્યો છે.
સ્થિતિ ઝડપથી મોટી માનવતાવાદી કટોકટીમાં
UN અધિકારીઓએ જણાવ્યું છે કે આ સ્થિતિ ઝડપથી મોટી માનવતાવાદી કટોકટીમાં ફેરવાઈ રહી છે. જો તણાવ વધતો રહ્યો તો લાખો લોકો પ્રભાવિત થઈ શકે છે અને સમગ્ર પ્રદેશમાં આર્થિક તેમજ માનવીય સંકટ ઊભું થઈ શકે છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને વૈશ્વિક નેતાઓ અને આંતરરાષ્ટ્રીય સંસ્થાઓએ તાત્કાલિક શાંતિ અને રાજનૈતિક ઉકેલ માટે પ્રયત્નો વધારવાની જરૂરિયાત વ્યક્ત કરી છે.
આ પણ વાંચો : India oil supply : ઈરાન-ઈઝરાયલ યુદ્ધ વચ્ચે ભારત તૈયાર! ક્રૂડ ઓઈલ અને LPG માટે બનાવ્યો બેકઅપ પ્લાન