શુક્રવારે ઇઝરાયલી વાયુસેનાએ તેહરાનના મધ્ય વિસ્તારમાં આવેલ ઈરાની નેતૃત્વ કમ્પાઉન્ડ પર મોટા પાયે એરસ્ટ્રાઈક કરી. ઇઝરાયલી સૈન્યના જણાવ્યા મુજબ આ ઓપરેશનમાં લગભગ 50 લડાકુ વિમાનોએ ભાગ લીધો હતો અને સંકુલ પર 100થી વધુ બોમ્બ ફેંકવામાં આવ્યા હતા. આ હુમલો ખાસ કરીને એક ભૂગર્ભ બંકરને નિશાન બનાવીને કરવામાં આવ્યો હતો, જે ઈરાનના સર્વોચ્ચ નેતા અલી ખામેની માટે બનાવવામાં આવ્યો હતો.

 હુમલો ગુપ્ત માહિતીના આધારે

ઇઝરાયલ ડિફેન્સ ફોર્સ (IDF) ના પ્રવક્તાએ જણાવ્યું હતું કે આ હુમલો ગુપ્ત માહિતીના આધારે ખૂબ જ ચોક્કસ રીતે કરવામાં આવ્યો હતો. સેનાના જણાવ્યા અનુસાર આ બંકર યુદ્ધ જેવી કટોકટીની સ્થિતિમાં ઈરાનના નેતૃત્વ માટે કમાન્ડ અને કંટ્રોલ સેન્ટર તરીકે કામ કરે તે રીતે બનાવવામાં આવ્યું હતું. એટલે કે, યુદ્ધ દરમિયાન દેશના સૈન્ય અને રાજકીય નિર્ણય અહીંથી લેવામાં આવી શકે તેવો આ મહત્વપૂર્ણ સુરક્ષિત આશ્રયસ્થાન હતો.

ઈરાનની કમાન્ડ અને કંટ્રોલ ક્ષમતાઓને મોટું નુકસાન

IDFએ દાવો કર્યો છે કે આ બંકરનો નાશ થઈ જવાથી ઈરાનની કમાન્ડ અને કંટ્રોલ ક્ષમતાઓને મોટું નુકસાન થયું છે. તેમના જણાવ્યા મુજબ આ ભૂગર્ભ નેટવર્ક માત્ર એક રૂમ કે એક બંકર સુધી સીમિત નહોતું, પરંતુ તેહરાનની અનેક શેરીઓ નીચે ફેલાયેલું હતું. તેમાં ઘણા પ્રવેશદ્વાર, સુરક્ષિત મીટિંગ રૂમ અને સંચાર માટેની સુવિધાઓ પણ સામેલ હતી.

આ હુમલા માટે વર્ષો સુધી ગુપ્ત માહિતી

ઇઝરાયલી સૈન્યે એવું પણ જણાવ્યું કે આ હુમલા માટે વર્ષો સુધી ગુપ્ત માહિતી એકત્રિત કરવામાં આવી હતી. ઇઝરાયલની મિલિટરી ઇન્ટેલિજન્સ યુનિટ 8200 અને યુનિટ 9900 એ આ સ્થળનું વિગતવાર મેપિંગ કર્યું હતું. લાંબા સમય સુધી થયેલી દેખરેખ અને ટેક્નોલોજી આધારિત તપાસ બાદ આ ચોક્કસ હુમલો શક્ય બન્યો હતો.

 નેતૃત્વ કમ્પાઉન્ડ પર અનેક વખત હુમલા

સૈન્ય પ્રવક્તાના જણાવ્યા અનુસાર સંઘર્ષ શરૂ થયા પછી ઇઝરાયલે તેહરાનમાં આવેલા આ નેતૃત્વ કમ્પાઉન્ડ પર અનેક વખત હુમલા કર્યા છે. યુદ્ધના શરૂઆતના તબક્કામાં થયેલા એક હુમલામાં ખામેનીના નિવાસસ્થાન નજીક આવેલ સંકુલના એક ભાગને નિશાન બનાવવામાં આવ્યો હતો. ત્યારબાદ થયેલા બીજા હુમલામાં નજીકની ઇમારતમાં રહેલા આઠ ટોચના ઈરાની અધિકારીઓના મૃત્યુ થયા હોવાનો દાવો પણ કરવામાં આવ્યો હતો.

https://twitter.com/IDF/status/2029878769142358298

અનેક સ્થળો પર હુમલો

મંગળવારે પણ ઇઝરાયલે આ સંકુલના અનેક સ્થળો પર હુમલો કર્યો હોવાનું જણાવ્યું હતું. તેમાં ઈરાનના રાષ્ટ્રપતિ કાર્યાલય અને ઈરાનના સર્વોચ્ચ રાષ્ટ્રીય સુરક્ષા મુખ્યાલય જેવા મહત્વપૂર્ણ સ્થાનોનો સમાવેશ થાય છે. મધ્ય પૂર્વમાં ચાલી રહેલા આ વધતા તણાવને કારણે સમગ્ર વિશ્વમાં ચિંતા વધી રહી છે. જો આ સંઘર્ષ વધુ વધે તો તેનો પ્રભાવ વૈશ્વિક રાજકારણ, તેલના બજાર અને આંતરરાષ્ટ્રીય સુરક્ષા પર પણ પડી શકે છે.

આ પણ વાંચો : Israel Iran War : મધ્ય પૂર્વના યુદ્ધથી વિશ્વ અર્થતંત્ર ખતરામાં? કતારની મોટી ચેતવણી