પશ્ચિમ એશિયામાં વધતા સંઘર્ષ વચ્ચે ઇઝરાયલે લેબનોનને કડક ચેતવણી આપી છે. ઇઝરાયલના સંરક્ષણ પ્રધાન ઇઝરાયલ કાત્ઝે લેબનીઝ રાષ્ટ્રપતિ જોસેફ આઉનને સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે જો લેબનોન હિઝબુલ્લાહને નિઃશસ્ત્ર નહીં કરે તો દેશને ગંભીર પરિણામોનો સામનો કરવો પડશે.
નિઃશસ્ત્ર કરવાની પ્રતિબદ્ધતા
એક ઇન્ટ્રવ્યુમાં કાત્ઝે કહ્યું કે લેબનોને અગાઉ હિઝબુલ્લાહને નિઃશસ્ત્ર કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી, પરંતુ હકીકતમાં આ દિશામાં પૂરતી કાર્યવાહી થઈ રહી નથી. તેમણે કહ્યું કે જો ઇઝરાયલને પોતાના નાગરિકો અને સૈનિકોની સુરક્ષા માટે પગલાં લેવા પડશે તો તેના પરિણામો લેબનોન સરકાર અને સમગ્ર દેશને ભોગવવા પડશે.
ઇઝરાયલનો લેબનોનના પ્રદેશ પર કોઈ દાવો
કાત્ઝે જણાવ્યું કે ઇઝરાયલનો લેબનોનના પ્રદેશ પર કોઈ દાવો નથી. તેમ છતાં, લેબનોનના વિસ્તારમાંથી ઇઝરાયલ પર થતા હુમલાઓ સહન કરવામાં આવશે નહીં. તેમણે રાષ્ટ્રપતિ આઉનને હિઝબુલ્લાહ સામે કડક કાર્યવાહી કરવાની અપીલ કરી અને કહ્યું કે જો આવું નહીં થાય તો ઇઝરાયલ વધુ કડક પગલાં લેવા મજબૂર બનશે.
હિઝબુલ્લાહનો મુદ્દો અને અગાઉના વચનો
જાન્યુઆરી 2025માં રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયેલા જોસેફ આઉને તેમના શપથગ્રહણ દરમિયાન વચન આપ્યું હતું કે લેબનીઝ સેનાને દેશની એકમાત્ર સશસ્ત્ર શક્તિ બનાવવામાં આવશે. તેમણે હિઝબુલ્લાહને નિઃશસ્ત્ર કરવાની વાત પણ કરી હતી. આ વચન નવેમ્બર 2024માં થયેલા ઇઝરાયલ-હિઝબુલ્લાહ યુદ્ધવિરામ કરાર સાથે જોડાયેલું હતું. તે કરાર મુજબ હિઝબુલ્લાહને દક્ષિણ લેબનોનમાંથી પાછળ હટવું અને પોતાના હથિયારો છોડવા જરૂરી હતું. પરંતુ અત્યાર સુધી હિઝબુલ્લાહે આ શરતોનું સંપૂર્ણ પાલન કર્યું નથી. હિઝબુલ્લાહ હજુ પણ સશસ્ત્ર છે અને તેને ઈરાનનું સમર્થન મળતું રહે છે.
હુમલાઓ બાદ વધ્યો તણાવ
ગયા અઠવાડિયે પરિસ્થિતિ વધુ ગંભીર બની ગઈ જ્યારે ઈરાન પર અમેરિકા અને ઇઝરાયલ દ્વારા સંયુક્ત હુમલાઓ થયા બાદ હિઝબુલ્લાહે ઇઝરાયલ પર હુમલો કર્યો. તેના જવાબમાં ઇઝરાયલે લેબનોનમાં અનેક હવાઈ હુમલા શરૂ કર્યા. ઇઝરાયલી સેનાએ દક્ષિણ લેબનોન ઉપરાંત રાજધાની બૈરૂત અને ઉત્તર શહેર ત્રિપોલીમાં પણ હિઝબુલ્લાહના ઠેકાણાઓને નિશાન બનાવ્યા હોવાનું જણાવાયું છે. ઇઝરાયલના સૈન્ય પ્રવક્તાએ કહ્યું કે હાલ તમામ વિકલ્પો ખુલ્લા છે અને જો જરૂરી હોય તો મોટા પાયે જમીની કાર્યવાહી પણ થઈ શકે છે.
પ્રાદેશિક રાજકારણ પર અસર
વિશ્લેષકો માને છે કે આ સમગ્ર પરિસ્થિતિ પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા મોટા ભૂરાજકીય સંઘર્ષનો એક ભાગ છે. એક તરફ અમેરિકા અને ઇઝરાયલ છે, જ્યારે બીજી તરફ ઈરાન અને તેના સમર્થિત સંગઠનો છે. હિઝબુલ્લાહ ઈરાનનો મહત્વનો સાથી માનવામાં આવે છે અને તેની લેબનોનમાં હાજરી ઇઝરાયલ માટે સુરક્ષા જોખમ તરીકે જોવામાં આવે છે. આ પરિસ્થિતિને કારણે આખા વિસ્તારમાં અસ્થિરતા વધી રહી છે. જો લેબનોન હિઝબુલ્લાહ મુદ્દે સ્પષ્ટ પગલાં નહીં લે તો ઇઝરાયલ-લેબનોન વચ્ચેનો તણાવ આગળ વધીને મોટા સંઘર્ષમાં પણ ફેરવાઈ શકે છે.
આ પણ વાંચો : Israel Iran War : દુબઈ અને અબુ ધાબી એરપોર્ટ પર ઈરાની ડ્રોન હુમલો, ફ્લાઇટ્સ પર મોટો પ્રભાવ